________________
૮. શાસનસમ્રાટ શ્રી ગુરુ સ્તુતિ પંચક
(હરિગીત) તપગચ્છ ગગને સૂર્યસમ જેઓ સદા યે દીપતા, વળી ચક્રવર્તી સર્વસૂરિગણમહીં જે રાજતા, કરી તીર્થનો ઉદ્ધાર શાસનને સદા દીપાવતા, તે નેમિસૂરિરાજના ચરણે સદા હો વન્દના....
તેજસ્વિતા જેની ખરેખર સૂર્યના જેવી હતી, ને સૌમ્યતા જગમાંહી જેની ચન્દ્ર સમ અદ્ભુત હતી, ગંભીરતા સાગર સમી સુખ-દુઃખ સર્વ સમાવતી, તે નેમિસૂરિરાજના ચરણે સદા હો વન્દના.
કલ્યાણ કરવા વિશ્વનું મન જેનું નિશદિન ઝંખતું, પીયૂષ સમ જસ વચન જગમાં સર્વને પ્રતિબોધતું, ને બ્રહ્મ તેજે વદન અનુપમ જેહનું ઝગમગ થતું, તે નેમિસૂરિરાજના ચરણે સદા હો વન્દના...
જસ પાસ ભૂપ અનેક આવી ભક્તિભાવે વંદતા, જસ વચન અમૃત તુલ્ય નિસુણી જીવન ધન્ય બનાવતા, નિજ પર તણા હિત કાજ જીવન સકલ જે વીતાવતા, તે નેમિસૂરિરાજના ચરણે સદા હો વન્દના...
વનરાજ સમ નિર્ભય અને સુરશૈલ સમ નિશ્ચલ હતા, ભારંડ ખગ જિમ જે નિરંતર અપ્રમાદી પણ હતા, પ્રૌઢ પ્રતાપી સંઘ પ્રાણાધાર જે નિઃસ્પૃહ હતા, તે નેમિસૂરિરાજચરણે તેમની હો વન્દના..
270
विविध हैम रचना समुच्चय