________________
૫. શ્રી ગૌતમસ્વામિ ભગવાનની ભાવવાહી સ્તુતિ
(રાગ : સવૈયા છંદ...)
જેનું અદ્ભુત રૂપ નીરખતાં ઉરમાં નહિ આનંદ સમાય, જેના મંગલ નામે જગમાં સઘળા વાંછિત પૂરણ થાય, સુરતરુ સુરમણિ સુરઘંટ કરતાં જેનો મહિમા અધિક ગણાય, એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદ પંકજ નમું શીષ નમાય...
વીર પ્રભુના શિષ્ય પ્રથમ જે સકલ લબ્ધિ તણા ભંડાર, વસુભૂતિ દ્વિજ નંદન નવલા પૃથ્વી માત હૃદયના હાર, જગમાં નહિ કોઈ એહવું કારજ જે તસ નામે ના સિદ્ધ થાય, એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદ પંકજ નમું શીષ નમાય...
વીર વદનથી વેદ વચનના અર્થ યથાર્થ સુણી તત્કાળ, બોધ લહી પણસય સહ છાત્રે સ્વીકાર્યું સંયમ અસરાલ, ત્રિપદી પામી અંતમુહૂતૅ દ્વાદશ અંગ રચ્યા ક્ષણમાંય, એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદ પંકજ નમું શીષ નમાય....
પંદરસો તાપસ પ્રતિબોધી પળમાં કેવળનાણી કર્યા, નિજ લબ્બે અષ્ટાપદ ચડીને ચઉવીશ જિનવર પય પ્રણમ્યા, જીવનભર પ્રભુ વીરચરણની જેણે ભક્તિ કરી સુખદાય, એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદ પંકજ નમું શીષ નમાય...
માન થયું જસ બોધ નિમિત્તક ને ગુરુભક્તિ નિમિત્તક રાગ, થયો વિષાદ ખરેખર જેનો કેવલવરદાયક મહાભાગ, નિરખી જસ આ અદ્ભુત જીવન કોને મન નવ અચરજ થાય, એવા શ્રી ગુરુ ગૌતમ ગણધર પદ પંકજ નમું શીષ નમાય...
266
विविध हैम रचना समुच्चय