________________
એ જ ભૂતકાળનું કુસુમપુર છે. અને આ કુસુમપુરનું કમનીય કાવ્ય એટલે જ “તત્ત્વાર્થસૂત્ર.' હજી પણ કોઈ પુણ્યશાળી તે કરે તો આનંદ થાય.
આ કલ્પના મેં કલ્પાકજના આગેવાનોને પણ સૂચવેલી છે. જોઈએ તેઓ કેવી રીતે આયોજનાને આગળ વધારે છે.
આશીર્વાદના વક્તવ્યમાં મારે આ પંચમ અધ્યાયના સંપાદક પંડિતવર્ય જિતેન્દ્રભાઈને વિશેષ આશિષ આપવાના છે. પણ આ તત્ત્વાર્થ પર જે પણ કાર્ય કરશે તેના પર મારા અંતરના આશિષ છે જ. મારા પૂજ્ય ગુરુદેવનો તત્ત્વાર્થસૂત્ર અંગેનો અભિગમ તમે આગળ વાંચ્યો છે. આ જ કારણે પૂજ્યશ્રીએ વિદ્વાન સાધુ અને વિદુષી સાધ્વીઓને રોજ તત્ત્વાર્થની વાંચનાનો નિયતક્રમ રાખ્યો હતો. પૂજ્યશ્રીની વાંચના એક તત્ત્વબોધ અને રહસ્ય ઉદ્દઘાટન સમી હતી. એમાં ઉપદેશની કે બીજી બહારની વાત અપ્રસ્તુત હતી. કૉલેજનો એક ક્લાસ ચાલતો હોય તેવી પૂજ્યશ્રીની પદ્ધતિ હતી. આ વાંચનાઓમાં નિયમિત મારાથી ઉપસ્થિત રહેવાય તેવા સંયોગો ન હતા. છતાંય રાતના પાદવિશ્રામણના સમયમાં દિનભર થયેલ શાસવાંચન અને વિચારણાનું જ્ઞાન મને પૂજયશ્રી આપતા. તત્ત્વાર્થની સિદ્ધસેન ગણિની પાંચમા અધ્યાયની ટીકાની દુરહતા સમજી શકાય તેવી વાત હતી. અને તેથી જ પૂજ્યશ્રીએ પાંચમા અધ્યાયને ઘૂંટી ઘૂંટીને સમજાવવાનો પ્રયત્ન કર્યો. પૂજ્યશ્રીના આ અનન્ય ઉપકારને હું નહીં આવતી પેઢી પણ ક્યારેય નહીં ભૂલી શકે. આ વાંચનાઓ ટીકાસ્પર્શ ભાવોનું એક સરળતાપૂર્વકનું વિવેચન બની રહેતી હતી. વિદુષી સાધ્વીવર્યા રત્નચૂલાશ્રીની સાથે માર્ગદર્શન મેળવતાં મેળવતાં સાધ્વીવર્યા નયપધાશ્રીએ આ વિવેચન તૈયાર કર્યું છે. આ વિવેચનનું મુદ્રણ વર્ષોથી રાહ જોતું હતું. થોડાં સૂત્રોનું વિવેચન પ્રકાશિત પણ થઈ ગયું હતું. છતાંય આને કોઈ એક અધિકૃત વિદ્વાન એક વાર જોઈ લે અથવા હું સમય કાઢી એક વાર જોઈ લઉં તેવી મારી ભાવના હતી. પણ કોઈ ભાગ્યશાળી પર જ આનો સુવર્ણ કળશ ઢોળાતો હોય છે. જિતેન્દ્રભાઈ શાહનું નામ મેં ઘણી વખત સાંભળ્યું હતું. પણ અમારા વિદ્વાન અને સાહિત્યરસિક શિષ્ય વિકૃતયશવિજયે એમનો છેડો પકડી લીધો. એમને આ વિવેચનનું સંપાદન કરવું તેવું નક્કી કરાવ્યું. અને સતત અને સખત યાદ કરાવતા જ રહ્યા. ન જાણે આ દાક્ષિણ્યમૂર્તિ શ્રી જિતેન્દ્રભાઈએ કેવી રીતે સમય કાઢ્યો અને કેવી રીતે આ દુર્લભગ્રંથને મુદ્રણપંથે ચઢાવ્યો.
આ સંપાદન અને પ્રકાશનકાર્ય માટે હું કહું તો ચાલે કે શ્રી જિતેન્દ્રભાઈને મારા લાખલાખ આશીર્વાદ છે. એમનામાં પ્રાચીન મૂલ્યોની પરિપક્વ શ્રદ્ધા છે, તો આધુનિક પ્રમાણોનો નિરાગ્રહ સ્વીકાર પણ છે. આ જ કારણે તેઓ સાધુ જગત અને વિદ્વાન જગતની વચ્ચે કડી સમા છે. આવા પંડિતો પાસેથી આપણે જૈન શાસનની પરંપરાના પરિમાર્જન સાથે જૈન શાસનની અદ્ભુત પ્રચાર અને પ્રસારની અપેક્ષા રાખીએ એ સુયોગ્ય જ છે.
શ્રી મધુસૂદનભાઈ ઢાંકી જેવા વિદ્વાનોની સાથે તેઓ નિગ્રંથનું પ્રકાશન શરૂ કરી રહ્યા છે. તેઓ આ સાહિત્યપ્રવૃત્તિ દ્વારા ઘણું મૌલિક અને અલૌકિક કાર્ય કરી શકે તેવી શક્યતા છે. તેમનાં આ કાર્યો નિર્વિને પૂર્ણ થાય તે જ એક વાર પુનઃ આશિષ.