________________
આ.હરિભદ્રસૂરિજીએ રચી છે. પણ તે અપૂર્ણ રહી અને તેને આ. યશોભદ્રેજીએ પૂર્ણ કરી છે. આ પછી સિદ્ધર્ષિગણિની ટીકા અત્યંત મહત્ત્વપૂર્ણ ટીકા છે. આ ટીકામાં અનેક મહત્ત્વપૂર્ણ વિષયોની ચર્ચા થઈ છે. ટીકા સ્વયં ઘણી જ વિસ્તૃત અને અનેક વિષયોના સંકલનવાળી છે તેથી અભ્યાસ કરનાર માટે અનેક વિષયોનું જ્ઞાન કરાવે તથા અનેક રીતે જૈન ધર્મના રહસ્યને પામવામાં સક્ષમ છે. આ વિસ્તૃત ટીકાના પાંચમા અધ્યાયમાં પદાર્થોની દાર્શનિક શૈલીમાં ચર્ચા ઈ છે. આ ટીકામાં વર્તમાન કાળમાં અનેક લુપ્ત વિચારધારાઓનું સંકલન થયેલું છે. તેની મૂળભૂત વિચારણા પૂર્વપક્ષ રૂપે આ ગ્રંથમાં મળતી હોવાથી આ એક અધ્યાયે પણ દર્શનશાસ્રના અભ્યાસુ માટે એક ગ્રંથની ગરજ સારે તેવો છે. વૈશેષિક તથા ન્યાય દર્શનમાં જેમ પદાર્થો અને તર્કનું ચિંતન થયેલું જોવા મળે છે. તેવી જ રીતે જૈન ધર્મના પંચાસ્તિકાય, ષદ્રવ્ય, અનેકાન્તવાદ આદિ પદાર્થોની મૂળભૂત વિચારણા આ અધ્યાયમાં થયેલી છે. તે દૃષ્ટિએ આ અધ્યાય તત્ત્વાર્થસૂત્રના હાર્દ સમાન અધ્યાય છે. પૂ. સિદ્ધર્ષિગણિની ટીકા તો તેમની અગાધ બુદ્ધિપ્રતિભાની ઘોતક છે. જિજ્ઞાસુઓ અને અભ્યાસુઓ માટે મહત્ત્વપૂર્ણ હોવા ઉપરાંત ઘણા જ ઉપયોગી છે.
આ ટીકા ગ્રંથની વિશાળતા અને ભાષા તથા શૈલીની કઠિનતાને કારણે અધ્યયનઅધ્યાપન કાર્ય મંદ થયું છે. તેથી પૂ. વિક્રમસૂરિ મ.સા.એ આ ગ્રંથના પંચમ અધ્યાયના સિદ્ધર્ષિ ગણિની ટીકાના તમામ પદાર્થોનું વિસ્તૃત વિવેચન વર્ષો પૂર્વ કર્યું હતું. તેના ૧૧ સૂત્રોની વિવેચના પૂર્વે પ્રકાશિત પણ થઈ હતી. ઘણા વર્ષોથી આગળનું વિવેચન પ્રકાશનની રાહ જોઈ રહ્યું હતું. એકાદ વર્ષ પૂર્વે પૂ. આચાર્યશ્રી રાજયશસૂરિજીને વંદનાર્થે મળવાનું થયું ત્યારે તેમને આ ગ્રંથના આગળના પ્રકાશન અંગે ચર્ચા કરી ત્યારે તેમણે આ મહત્ત્વપૂર્ણ ગ્રંથનું પ્રકાશન કરવાની તરત જ સંમતિ દર્શાવી. પૂ. આચાર્યદેવશ્રી રાજયશસૂરિજી સ્વયં ભારતીય દર્શન, જૈન ધર્મ અને આગમશાસ્ત્રોના અધ્યેતા હોવા ઉપરાંત એક ઊંડા તત્ત્વચિંતક પણ છે. આવા ગ્રંથોના પ્રકાશન માટે તેમણે પણ ઘણી જ તત્પરતા દર્શાવી. કામ અત્યંત કઠિન અને વિકટ હતું. વિષય અત્યંત દુર્ગમ હતો તેથી આ કાર્ય અત્યંત ચીવટ માંગી લે તેવું હતું. પરંતુ પૂ. આચાર્યશ્રી રાજયશસૂરિજી મ. સા.ની સતત પ્રેરણાથી આ કાર્ય અત્યંત સરળતાપૂર્વક પાર પડ્યું છે. આ ગ્રંથમાં માત્ર પાંચમા અધ્યાયની ટીકાનું જ વિવેચન છે. તેના વિસ્તારને આધારે વિષયની ગહનતાનો ખ્યાલ પણ આવશે. અનેક ટિપ્પણો દ્વારા ગ્રંથને વધુ ગ્રાહ્ય બનાવાયો છે. અભ્યાસુ માટે આ એક અત્યંત ઉપયોગી ગ્રંથ છે.
આ વિવેચન પૂર્વે પૂ. સાધ્વીશ્રી એ સંકલન કર્યું હતું તેનું ભાષાકીય અને વિષયની દૃષ્ટિએ શુદ્ધીકરણ કરી અત્રે પ્રગટ કરવામાં આવ્યું છે. પૂ. સાધ્વીશ્રીનો આ પ્રસંગે આદરપૂર્વક આભાર માનવામાં આવે છે. ગ્રંથના પ્રકાશનમાં સંસ્થાના પ્રૂફરીડર શ્રી નારણભાઈ પટેલ અખિલેશ મિશ્રાજી તથા ચિરાગભાઈ અને અનિલનો વિશેષ આભાર માનવામાં આવે છે.
જિતેન્દ્ર બી. શાહ