________________
પ્રસ્તાવના
ભારતીય પરંપરામાં વૈદિક ધારા અને શ્રમણધારાનો ઉદ્ભવ અને વિકાસ થયો. વૈદિક પરંપરામાં વેદો અને ઉપનિષદ મુખ્ય ગ્રંથો તરીકે પ્રસિદ્ધ છે. આ ગ્રંથોની ભાષા સંસ્કૃતિ છે તેથી પંડિતોનું તેના ઉપર આધિપત્ય હતું. આ આધિપત્યનો વિસ્તાર થતાં તેમાં વિકૃતિઓ પ્રવેશી અને સામાન્ય અને ભોળા જનો તેનો ભોગ બનવા લાગ્યા તેથી પરમાત્મા મહાવીર સ્વામીએ લોકભાષામાં ઉપદેશ આપવાનો પ્રારંભ કર્યો. તેનો પ્રભાવ એટલો બધો પડ્યો કે સામાન્ય જન પણ ધર્મ સમજવા અને આચરવા લાગ્યા. અને તેમનો ઉપદેશ તેમના જ ગણધરોએ સૂત્રબદ્ધ કર્યો. પણ વખત જતાં પુનઃ સંસ્કૃતિનું પ્રાધાન્ય વધ્યું અને સંસ્કૃત ભાષામાં ગ્રંથની ખોટ સાલવા લાગી. આ ખોટને પૂરી કરવા પૂર્વધર વાચક ઉમાસ્વાતિજીએ સમગ્ર આગમ સાહિત્યના દોહનસ્વરૂપે તત્ત્વાર્થાધિગમ સૂત્રની રચના કરી. આમ જૈન ધર્મમાં સંસ્કૃત ભાષામાં રચાયેલો આ પ્રથમ મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે.
સમગ્ર આગમશાસ્ત્રોના સારરૂપે અને આગમ સાહિત્યના અપાર સમુદ્રમાં ઊતરવા અને પાર પામવા માટે નાવ સમાન હોવાથી તેમજ સમગ્ર જૈન ધર્મના પ્રમુખ તમામ સિદ્ધાન્તોનો સંગ્રહ આ ગ્રંથમાં થયો હોવાથી ગાગરમાં સાગર સમાન આ ગ્રંથ છે. આ ગ્રંથની રચના થઈ તે સમયે દર્શનશાસ્ત્રના ગ્રંથોને સૂત્રાત્મક શૈલીમાં રચવાની પરંપરા હતી. વિભિન્ન દાર્શનિક ગ્રંથો સૂત્રશૈલીમાં રચાવા લાગ્યા હતા. આવા ગ્રંથો સ્મરણમાં રાખવા સરળ હોવા ઉપરાંત સમગ્ર સિદ્ધાન્તોના મૂળમાં પહોંચાડવા સક્ષમ હોય છે તેથી સૂત્ર ગ્રંથો રચાયા. જૈન દર્શનમાં પણ આવો ગ્રંથ એટલે તત્ત્વાર્થાધિગમ સૂત્ર. આ સૂત્રાત્મક શૈલીમાં રચાયેલો સર્વપ્રથમ ગ્રંથ પણ જૈન ધર્મ-દર્શનના સઘળાય પદાર્થોનો સંગ્રહ આ ગ્રંથમાં થયો હોવાથી જૈન ધર્મના બધા જ સંપ્રદાયોએ સબહુમાન સ્વીકાર્યો.
આ ગ્રંથને સમજવા અને સૂત્રોના રહસ્યને પામવા માટે સ્વયં ઉમાસ્વાતિજીએ સ્વોપજ્ઞ ભાષ્યની રચના કરી છે. ખૂબ જ સરળ ભાષામાં અને સુંદર શૈલીમાં રચાયેલ આ ભાષ્ય તત્ત્વાર્થાધિગમ સૂત્રને સમજવા માટેનું ઉત્તમ માધ્યમ છે. પરંતુ કેટલાક લોકો તેને સ્વોપલ્લભાષ્ય તરીકે કર્તાની જ કૃતિ નથી સ્વીકારતા. તેમ છતાં તેનું મહત્ત્વ ઓછું નથી થતું. આ ભાષ્ય ઉપર સમય જતાં ટીકાઓ રચાઈ છે. દિગંબર પરંપરામાં પણ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ઉપર ટીકાઓ રચાઈ છે. બન્ને પરંપરામાં ફરક એટલો જ છે કે શ્વેતામ્બર પરંપરા માન્ય ભાષ્ય આગમાનુસારી છે. આ પરંપરામાં રચાયેલી ટીકાઓ ભાષ્ય ઉપર રચાયેલી છે અને તે તમામ આગમ પરંપરાને સર્વોપરી રૂપે સ્વીકારે છે. જ્યારે દિગંબર પરંપરા આગમ ગ્રંથોને વિચ્છેદ થયેલા માનતા હોવાથી તેનો અસ્વીકાર કરે છે. આથી તેમણે રચેલ ટીકાઓ સિદ્ધાન્તને બાધ ન આવે તેવી રીતે પરંતુ દાર્શનિક શૈલીમાં રચાયેલી છે. એ વાત સત્ય છે કે ક્યાંક ક્યાંક દિગંબર માન્યતા પ્રમાણે પરિવર્તન જરૂર કર્યા છે. પણ તે પરિવર્તનો નગણ્ય છે. દિગંબર પરંપરામાં રચાયેલ ટીકાઓ દાર્શનિક શૈલીની હોવાથી ધીરે ધીરે અત્યંત ક્લિષ્ટ પણ બની છે. તેમાં ય ખાસ કરીને તો શ્લોકવાર્તિક અત્યંત દુરૂહ ટીકા બની છે.શ્વેતામ્બર પરંપરામાં ભાષ્ય ઉપર સર્વ પ્રથમ ટીકા