________________
૩૯૪
ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, અનુપ્રેક્ષા (૯) આકિંચન્ય - શરીર અને ધર્મોપકરણોને વિષે મમત્વનો ત્યાગ કરવો તે આકિંચન્ય.
(૧૦) બ્રહ્મચર્ય - વ્રતોને પાળવા માટે, જ્ઞાનની વૃદ્ધિ માટે અને કષાયોના ઉપશમ કે ક્ષય માટે ગુરુકુળમાં રહેવું તે બ્રહ્મચર્ય.
ગુરુકુળમાં રહેવું એટલે સ્વતંત્રતાનો અભાવ, ગુરુને અધીનપણું, ગુરુની આજ્ઞામાં રહેવું.
બ્રહ્મચર્યની ભાવનાઓ પૂર્વે કહી છે. તદુપરાંત ઈષ્ટ સ્પર્શ-રસગંધ-વિભૂષા મળે તો પણ ખુશ ન થવું એ બ્રહ્મચર્યની ભાવના છે.
નવતત્ત્વ પ્રકરણમાં દસ પ્રકારનો યતિધર્મ જુદી રીતે બતાવ્યો છે. તે આ પ્રમાણે- ક્ષમા, મૃદુતા, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા અને બ્રહ્મચર્ય. આમાં મુક્તિ એટલે સંતોષ-લોભનો અભાવ અને શૌચ એટલે મન-વચન-કાયાની પવિત્રતા. શેષ ધર્મોનો અર્થ ઉપર મુજબ જાણવો. (D) અનુપ્રેક્ષા - અનુપ્રેક્ષા એટલે ભાવનાઓ. તેના ૧૨ ભેદ છે - (સૂત્ર-૯/૭)
(૧) અનિત્યભાવના - બાહ્ય-અભ્યતર એવા શરીર, શય્યા, આસન, વસ્ત્ર વગેરે દ્રવ્યો અને બધા સંયોગો અનિત્ય છે એમ વિચારવું તે અનિત્યભાવના. આમ વિચારવાથી રાગ થતો નથી. તેથી વિયોગનું દુઃખ થતું નથી.
(૨) અશરણભાવના - જન્મ, જરા, મરણ, રોગ, પ્રિયવિયોગ, અપ્રિયસંયોગ, ઈટલાભ, દરિદ્રતા, દૌર્ભાગ્ય, દૌર્મનસ્ય, મરણ વગેરેથી થતા દુઃખોથી હણાયેલ જીવને સંસારમાં કોઈ શરણ નથી એમ વિચારવું તે અશરણભાવના. આમ વિચારવાથી સાંસારિક પદાર્થો ઉપર રાગ થતો નથી અને શરણરૂપ ભગવાને કહેલ આરાધનામાં પ્રવૃત્તિ થાય છે.