________________
द्वितीयो भाग / सूत्र - २४, नवमः किरणे
४९५ ૦ તથાચ આવિર્ભાવ-તિરોભાવ પરિણામમાં જ કાર્યના ઉપચારથી અને દ્રવ્યનું ઉપચરિત કારણપણું હોઈ, ઉત્પાદ-વ્યયરહિત (આ પ્રમાણે ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ ગુણપર્યાયવ દ્રવ્ય આ બંનેમાં પુનઃ ઉક્તિ નથી. એથી જ અહીં વિરોધ નથી. અન્યથા, દ્રવ્યના ઉત્પાદ-વ્યય આત્મકપણામાં તેનાથી રહિતપણાનું વચન વિરુદ્ધ થાય.) વિકાર વગરનું દ્રવ્ય કહેવાય છે.
શંકા – દ્રવ્યની એકસ્વભાવતામાં અને નિર્વિકારતામાં અનંતકાળમાં થનારા-અનંત આવિર્ભાવતિરોભાવનું એ કહેલાથી જ કેવી રીતે કારણપણે સંભવે ?
સમાધાન - દ્રવ્ય અચિંત્ય સ્વભાવવાળું છે, કેમ કે-એકસ્વભાવવાળા સર્પ આદિ દ્રવ્યોમાં પણ ઉત્કણવિફણ આદિ પર્યાયોની ક્રમથી પ્રવૃત્તિ અનુભવસિદ્ધ છે.
શંકા – ઉત્કણ-વિફણ આદિ બહુરૂપવાળું હોઈ, પૂર્વદશાના ત્યાગપૂર્વક ઉત્તર અવસ્થામાં સ્થિતિ હોવાથી દ્રવ્યની અનિત્યતા કેમ નહિ?
સમાધાન - બીજા બીજા વેષને પામનાર નટની માફક બહુરૂપવાળા પણ દ્રવ્યની નિત્યતા છે? જેમ નાયક-વિદૂષક-વાંદરો-રાક્ષસ આદિ ભૂમિકારૂપ પાત્રોના અવસરોમાં બીજા બીજા વેષોને ભજવનારો નટ બહુરૂપી છે, તેમ ઉત્કૃણ-વિફણ આદિ ભાવરૂપ અવસ્થાઓથી દ્રવ્ય પણ બહુરૂપવાળું છતાં નિત્ય જ છે, કેમ કે-સ્વયં (દ્રવ્ય) અવિકારી છે. જેમ આકાશ.
૦ તથા સર્વ ભાવાત્મક છે, કારણ કે-અન્યાડ” પર્યાયરૂપ કાર્યક્ષણના સંતાન આત્મક જ તે ભાવનો અનુભવ છે. ખરેખર, ક્ષણે ક્ષણે પર્યાયોનું ભવન જ અનુભવાય છે, કેમ કે-પૂર્વપર્યાયરૂપ ક્ષણની નિવૃત્તિ અને ઉત્તરપર્યાયરૂપ ક્ષણની ઉત્પત્તિ છે.
શંકા – ઉત્પત્તિ અને નિવૃત્તિ કારણની અપેક્ષાવાળી છે અને જે કારણ છે, તે જ દ્રવ્ય છે ને? સમાધાન – નિરપેક્ષની જ ઉત્પત્તિ છે. ખરેખર, અપેક્ષા વિદ્યમાનની જ છે.
મૃપિંડ આદિ કારણના કાળમાં ઘટ આદિ કાર્ય નથી, કેમ કે-અવિદ્યમાનની અપેક્ષામાં તો ગધેડાના શીંગડાની પણ તથાભાવ(અપેક્ષા)નો પ્રસંગ છે. વળી જો ઉત્પત્તિના ક્ષણની પહેલાં પણ ઘટ આદિ હોય, તો મૃપિંડની અપેક્ષાથી સર્યું, કેમ કે સ્વતએવ તે ઘટાદિ વિદ્યમાન છે.
શંકા – ઉત્પન્ન થયા બાદ ઘટ આદિ મૃતપિંડ આદિની અપેક્ષા રાખે છે ને? સમાધાન – માથું મુંડાયા પછી દિનશુદ્ધિના વિચારની માફક અપેક્ષાની નિરર્થકતા છે. શંકા – ઉત્પદ્યમાનતાની અવસ્થામાં આ ઘટાદિ અપેક્ષા રાખે છે ને?
સમાધાન – આ તમારી વાત વિચારને સહી શકતી નથી. ખરેખર, ઉત્પદ્યમાનતા શું અનિષ્પન્ન અવયવવાળી છે કે નિષ્પન્ન અવયવવાળી છે? અથવા શું અધનિષ્પન્ન અવયવવાળી છે?
(૧) પહેલો પક્ષ બરોબર નથી, કેમ કે-અનુત્પન્નને અપેક્ષાનો અભાવ છે. જેમ આકાશકમલ. (૨) બીજો પક્ષ ઠીક નથી, કેમ કે-નિષ્પન્નને પરની અપેક્ષાની નિરર્થકતા છે. (૩) છેલ્લો ત્રીજો પક્ષ વ્યાજબી નથી, કેમ કે-વસ્તુમાં અંશસહિતતાનો પ્રસંગ છે.