________________
सूत्र - ८, षष्ठ किरणे
२९९
શંકા - આત્મા તો પ્રાણોથી જુદો છે, માટે પ્રાણોનો વિયોગ થવા છતાં પણ આત્માને કશું નુકસાન થતું નથી. વાસ્તુ એ પ્રાણવિયોગ અધર્મ કેવી રીતે ગણાય? ન જ ગણાય ને?
સમાધાન - પ્રાણોનો વિયોગ થવા છતાં પૂર્વના પ્રાણોના સંબંધવાળા તે આત્માને પ્રાણવિયોગના કાળે દુઃખ-દર્દ ઉત્પન્ન થતું દેખાય છે, તેથી પાપની સિદ્ધિ છે. જેમ શરીરધારી જીવને પણ પુત્ર આદિથી ભિન્ન હોવા છતાં પુત્ર-સ્ત્રી આદિના વિયોગમાં સંતાપ દેખાય છે, તેમ અહીં સમજવું.
બંધની અપેક્ષાએ કથંચિત્ શરીર અને શરીરી વિભિન્ન છે, માટે શરીરવિયોગથી શરીરીને દુઃખ થતું હોવાથી પ્રાણવિયોગ અધર્મ છે.
તથાચ કેવલ પ્રાણવિયોગ માત્રમાં હિંસાપણાનો અભાવ હોવાથી “પ્રમાદી પુરુષ કર્ક પ્રાણવિયોગ એ હિંસા' છે, એમ કહેલ છે. એવં ચ પ્રમાદી પુરુષ જ હિંસક છે, અપ્રમત્ત પુરુષ અહિંસક કહેવાય છે, એવું પ્રતિપાદન કરેલ છે એમ જાણવું.
આગમની અપેક્ષા વગરનો, પરમ ઋષિપ્રણીત સૂત્રના ઉદેશને દૂરથી ફેંકનારો, કાય વગેરેની વૃત્તિને સ્વછંદ રીતે પ્રવર્તાવનાર અને અજ્ઞાનની બહુલતાવાળો પ્રમાદી પુરુષ અવશ્ય જીવોના પ્રાણોનો વિયોગ હિંસાને કરે છે. ત્યાં પ્રાણવિયોગ જેનું બીજું નામ હિંસા છે, તે આ પ્રાણવિયોગ દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારનો છે.
હિંસાની ચતુર્ભગી(૧) કદાચિત્ દ્રવ્યથી હિંસા છે, ભાવથી હિંસા નથી. (૨) કદાચિત ભાવથી હિંસા છે, દ્રવ્યથી હિંસા નથી. (૩) કદાચિત દ્રવ્ય અને ભાવથી અને હિંસા છે. (૪) કદાચિત દ્રવ્ય અને ભાવથી બન્ને હિંસા નથી.
(૧) પહેલો ભાંગો-જે શ્રદ્ધાસંપન્ન, જ્ઞાની, જીવના સ્વરૂપને સ્વીકારનારો, કર્મ ખપાવવા માટે ચારિત્રસંપદાથી પ્રવૃત્તિ કરનારો, કોઈ એક ધાર્મિક ક્રિયા કરનારો, આઠ પ્રવચનમાતાઓનો કૃપાપાત્ર, ચાલતાં ચાલતાં માર્ગમાં કીડી વગેરે જીવોને જોનારો, ઉઠાવેલ ચરણને બીજે ઠેકાણે મૂકવા અસમર્થ બનેલો, (અનિવાર્ય સંયોગમાં) કીડી વગેરે જીવો ઉપર પદન્યાસ કરે છે (ચાલે છે) અને પ્રાણ વગરનો પ્રાણી બને છે, તે અવસરે અત્યંત નિર્મળ મનવાળા અને દયામાં આપેલ ઉપયોગથી નિર્મળ ચિત્તવાળા આત્મામાં દ્રવ્યપ્રાણનો વિનાશ માત્રથી હિંસકપણું નથી.
(૨) બીજો ભાગો-જેને ધનુષ્ય ખેંચેલું છે, એવા પ્રમાદી શિકારીએ બાણ ફેંક્યું, પણ ભાગ્યયોગે બાણના લક્ષ્યસ્થાનથી હરણ ખસી ગયું. તે વખતે શિકારીની દાનત ખરાબ હોવાથી દ્રવ્યથી પ્રાણીની હિંસા નહિ થવા છતાં હિંસાના પરિણામ હોવાથી શિકારીને ભાવથી હિંસા જ છે, દ્રવ્યથી નહિ.
(૩) ત્રીજો ભાંગો-ત્યાં જ જ્યારે હરણ મરે છે, ત્યારે દ્રવ્ય અને ભાવથી શિકારીમાં હિંસકપણું છે.
(૪) ચોથો ભાંગો-ચૌદમા ગુણસ્થાને આરૂઢ થયેલા અને શૈલેશીકરણમાં વર્તનારા સર્વ સંવરમાં રહેલા જીવનમુક્ત પરમાત્માઓમાં, તેમજ પરમ મુક્ત-અશરીરી સિદ્ધ પરમાત્માઓમાં યોગનો અભાવ હોવાથી દ્રવ્ય-ભાવહિંસાનો અભાવ છે, માટે સંપૂર્ણ-સર્વથા અહિંસક છે.