________________
૫૮
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ થયે છતે તે જ ક્ષણે ભારત અને રોહક વગેરેની જેમ નિર્ણયને પ્રાપ્ત કરી લે છે અને વિધ્વરહિત ફળવાળી હોય છે, અર્થાત્ કરેલો નિર્ણય સત્ય હોય છે.
ગુરુ આદિનો વિનય કરવાના અભ્યાસવિશેષથી ઉત્પન્ન થનારી બુદ્ધિ વનયિકી છે. વૈનાયિકી બુદ્ધિ આ લોકના અને પરલોકના ફળને આપનારી છે, પ્રસ્તુત કાર્યના પારને પામવામાં સમર્થ છે. ધર્મ વગેરે ત્રિવર્ગને જણાવનારા શાસ્ત્રના અર્થને ગ્રહણ કરનારી છે. આ વિષે પુત્રાગમનને જાણનારા અને કાણી હાથિણીને જાણનારા નૈમિત્તિકનું દષ્ટાંત છે.
કર્મજાબુદ્ધિ પ્રશંસારૂપ ફળવાળી છે. આચાર્યના ઉપદેશ વિના જેનું જ્ઞાન થાય તે કર્મ. તેમાં વારંવાર ઉપયોગ રાખવાથી પ્રતિક્ષણ અભ્યાસ કરનારને તેવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે કે જેથી પહેલા વગેરે કાર્યથી પછીનું કાર્ય ચઢિયાતું થાય છે. (પહેલા કાર્ય કરતાં બીજું કાર્ય ચઢિયાતું થાય છે, બીજાથી ત્રીજું, ત્રીજાથી ચોથું, એમ પછીનું કાર્ય ચઢિયાતું થાય છે.) જેમ કે સોની, ખેડૂત, વણકર વગેરે.
પારિણામિકી બુદ્ધિ વયના પરિપાકથી(=અનુભવોથી) ઉત્પન્ન થાય છે. આ બુદ્ધિ જેમાં પરમ(=સર્વોત્કૃષ્ટ) હિત છે તેવા મોક્ષરૂપ ફળવાળી છે. પંચાવયવ વગેરે સાધનોને અનુસરનારી છે. આમાં અભયકુમાર વગેરેના દષ્ટાંતો છે.
આ પ્રમાણે યથાસંભવ પ્રાપ્ત થયેલી બુદ્ધિથી હું જ બુદ્ધિશાળી છું એમ માનતો જીવ અન્ય જનનો પરાભવ કરે છે. મદથી ઉદ્ધત બનેલા જીવને પરપરાભવ, પરનિંદા અને સ્વોત્કર્ષથી નીચગોત્ર વગેરે અશુભકર્મનો બંધ થાય છે, જે અશુભકર્મ અનેક ભવપરંપરાઓમાં પરિપૂર્ણ થશે. આ પ્રમાણે બુદ્ધિગર્વને અનર્થવાળો જાણીને આ પ્રમાણે વિચારે-બુદ્ધિ તો સદાવિનયને ધારણ કરવાનું કારણ છે, ક્યારેય અહંકારનું કારણ બનતી નથી. માનમાં તત્પરને વિનયનું ખંડન અવશ્ય થાય. વિનય રહિતના ધર્મ અને તપ નિષ્ફળ થાય. આથી વિજ્ઞાનમદને ઘણો પ્રયત્ન કરીને છોડવો જોઇએ. ૧. ઉપદેશપદની ટીકામાં ચાર બુદ્ધિના વર્ણનમાં રોહક વગેરેનાં દષ્ટાંતો છે.