________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
ઉત્તરપક્ષ–મંદબુદ્ધિવાળા જીવો વિવેકથી(ભેદથી=વિસ્તારથી) સુખપૂર્વક જાણી શકે એ માટે ભાષાસમિતિનું અલગથી ગ્રહણ કર્યું છે. જેમ મૃષાવાદત્યાગ વગેરે વ્રતોનો પ્રથમ વ્રતમાં સમાવેશ થઇ જતો હોવા છતાં બાળબુદ્ધિવાળા જીવો સરળતાથી સમજી શકે એ માટે અલગથી નિર્દેશ કર્યો છે તેમ અહીં પણ સમજવું.
८
સૂત્ર-૨
તથા ભેદોથી સહિત ક્રોધ-માન-માયા-લોભનો ક્ષમા-માર્દવ-આર્જવસંતોષથી નિગ્રહ કરાયેલો હોવાથી સંવરની પ્રાપ્તિ થાય છે. સત્ય-ત્યાગઆર્કિચન્ય-બ્રહ્મચર્ય ચારિત્રને અનુસરનારા છે. સંયમ સત્તર પ્રકારનો છે. તેમાં કોઇક સંયમ પ્રથમ વ્રતમાં અને કોઇક સંયમ ઉત્તરગુણોમાં અંતર્ભૂત થાય છે. બાર પ્રકારનો તપ ઉત્તરગુણોમાં અંતર્ભૂત જ છે. અનિત્ય-અશરણ આદિનું ચિંતન પણ સંવર કરનારને સંવરનું કારણ છે અને ઉત્તરગુણોને અનુસરનારું છે.
પોતાની રીતે આવી પડેલા પરિષહો પણ સમ્યગ્ સહન કરવાથી જીતવામાં આવે તો સંવરને પ્રગટ કરે છે(=નવો કર્મબંધ કરાવતા નથી.)
તથા હિંસા-અસત્યવચન-પરધનહરણ-અબ્રહ્મચર્ય-પરિગ્રહ-રાત્રિભોજન સંબંધવિશેષથી(હિંસા કરવી આદિ કોઇક રીતે હિંસા આદિની સાથે સંબંધ થવાથી) જેણે મલિનતાને પ્રાપ્ત કરી છે તેવા જીવને કર્મના આમ્રવના નિમિત્ત છે. હિંસાદિનો નિરોધ થતાં વિરતિવાળાને તેના નિમિત્તે ક્યારેય કર્મ આવતું નથી. આધાકર્મ આદિ દોષથી દૂષિત આહારાદિના પરિભોગ નિમિત્તે થતો કર્મનો આસ્રવ તેનો ત્યાગ કરવાથી થતો નથી જ.
ગુપ્તિથી આરંભી ચારિત્ર સુધીનું આ બધું શંકાદિ દોષરૂપ કાદવથી વિમુક્ત સમ્યગ્દર્શનરૂપ પીઠબંધવાળું છે. આથી તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધારૂપ સમ્યક્ત્વમાં મિથ્યાદર્શન નિમિત્તે કર્મનો આશ્રવ થતો નથી.
આ પ્રમાણે આ ગુપ્તિ આદિ સંવરના હેતુઓ=ઉપાયો સિદ્ધ થાય છે, અર્થાત્ ગુપ્તિ આદિ સંવરના ઉપાયો છે એ સિદ્ધ થાય છે. (૯-૨)