________________
સૂત્ર-૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૯૩ હું એકલો જ છું, મારું કોઈ સ્વ કે પર નથી. હું એકલો જ ઉત્પન્ન થાઉં છું. હું એકલો જ મરું છું.
સ્વજન તરીકે જણાતો કે પરજન તરીકે જણાતો એવો મારે કોઈ નથી કે જે વ્યાધિ-જરા-મરણ વગેરે દુઃખોને દૂર કરે કે ભાગ પડાવે. હું એકલો જ સ્વકૃતકર્મના ફળને અનુભવું છું એમચિંતવે. આ પ્રમાણે ચિંતન કરતા એને સ્વજન તરીકે જણાતાઓમાં સ્નેહ-અનુરાગ-પ્રતિબંધ ન થાય. પરજન તરીકે જણાતાઓમાં દ્વેષનો અનુબંધ થતો નથી. તેથી નિઃસંગપણાને પામેલો તે મોક્ષ માટે જ પ્રવર્તે છે. આ પ્રમાણે એકત્વ અનુપ્રેક્ષા છે.
શરીરથી ભિન્ન આત્માને ચિતવે. શરીર અન્ય જુદું છે, હું અન્ય છું. શરીર ઇંદ્રિયથી જાણી શકાય છે. હું અતીન્દ્રિય છું. શરીર અનિત્ય છે, હું નિત્ય છું. શરીર જાણનારું નથી, હું જાણનારો છું. શરીર આદિ-અંતવાળું છે. હું અનાદિ-અનંત છું. સંસારમાં ભમતા એવા મારા શરીરો ઘણા લાખો ગયા. હું એ જ છું. (આથી) હું શરીરોથી અન્ય છું. એમ ચિંતન કરે. એમ ચિંતન કરતા અને શરીરમાં પ્રતિબંધ (=રાગ) થતો નથી.
વળી બીજું, શરીરની અપેક્ષાએ હું નિત્ય છું એમ (ચિંતન કરતો તે) મોક્ષ માટે પ્રવર્તે છે. આ પ્રમાણે અન્યત્વ ભાવના છે.
ખરેખર! આ શરીર અશુચિ છે એમ વિચારે. શરીર કેવી રીતે અશુચિ છે એમ જો પૂછતા હો તો (ઉત્તર આ પ્રમાણે છે-) આદિ અને ઉત્તર કારણ અશુચિ હોવાથી, અશુચિનું ભાન હોવાથી અશુચિમાંથી ઉત્પત્તિ થતી હોવાથી, અશુભ પરિણામપાકના અનુબંધથી અને અશક્યપ્રતિકારના કારણે શરીર અશુચિ છે.
તેમાં આદિ-ઉત્તર કારણ અશુચિ હોવાથી એ પ્રથમ હેતુ છે. શરીરનું પ્રથમ કારણ શુક્ર અને લોહી છે. તે બંને અત્યંત અશુચિ છે. આહારનો પરિણામ વગેરે ઉત્તરકારણ છે.