________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૪૫
વિષયભાવને પામેલા(=પ્રસ્તુતમાં વિચારણા કરવાના વિષય બનેલા), દુઃખનું કારણ અને દુ:ખસ્વરૂપ એવા હિંસા-અસત્ય-સ્તેય-અબ્રહ્મપરિગ્રહોમાં દુ:ખ ઘણું છે એમ વિચારે. કેવી રીતે વિચારે એમ કહે છેઅનિષ્ટસંયોગરૂપ નિમિત્તવાળું(=અનિષ્ટસંયોગરૂપ નિમિત્તથી થનારું), જેના અંતે મૃત્યું છે=મૃત્યુનું દુઃખ છે તેવું, શારીરિક-માનસિક પીડા સ્વરૂપ દુઃખ જેવી રીતે મને પ્રિય=પ્રીતિકર નથી તેવી રીતે વધ-બંધછેદ-પાટન આદિ કારણોથી થનારું દુઃખ સર્વ જીવોને અપ્રિય છે. (સર્વ જીવોને દુઃખ અપ્રિય છે એ કેવી રીતે જાણી શકાય ? એવા પ્રશ્નના ઉત્તરમાં કહે છે-) આત્માનુમાનાવસેયમ્ - સર્વ જીવોને દુઃખ અપ્રિય છે એ આત્માના અનુમાનથી જાણી શકાય છે. (જેવો હું છું તેવા જ બધા જીવો છે. મને દુઃખ અપ્રિય છે. બધા જીવો મારા જેવા હોવાથી તેમને પણ દુઃખ અપ્રિય છે. આમ આત્માના અનુમાનથી બધા જીવોને દુ:ખ અપ્રિય છે એમ જાણી શકાય છે.)
સૂત્ર-પ
આ પ્રમાણે વિચારતા વિદ્વાનના મનમાં નિશ્ચિતપણે સ્થિર થાય છે કે “આથી હિંસાથી નિવૃત્તિ શ્રેયસ્કર છે.”
આથી અસત્ય ભાષણ પણ દુઃખરૂપ જ છે એમ કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે–
મિથ્યાભ્યાખ્યાન શબ્દની વ્યાખ્યા પૂર્વે (અ.૭સૂ.૪માં) કરી છે. “આ તેં પ્રગટ કર્યું હતું. આ તેં કર્યું હતું. આ તેં કહ્યું હતું.” આવા ખોટા આરોપથી ઘેરાયેલા મને જેવી રીતે તીવ્ર દુ:ખ ભૂતકાળમાં થયું હતું અથવા હમણાં થાય છે તેવી રીતે અભ્યાખ્યાન નિમિત્તે સર્વ જીવોને તેવું જ દુઃખ આ જ લોકમાં થાય છે. ખોટા આરોપ આપવામાં તત્પર જીવ પરલોકમાં જ્યાં જ્યાં જન્મ પામે ત્યાં ત્યાં તેવા જ ખોટા આરોપોથી આક્રમણ કરાતો તે દુ:ખને અનુભવે છે. આથી અસત્યથી નિવૃત્તિ શ્રેયસ્કર છે.
હિંસા, અસત્યભાષણના દુ:ખની જેમ ચોરી પણ દુઃખરૂપ જ છે એમ કહે છે—