________________
૧૩૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
સૂત્ર-૮
(શિખા સુધી ભરાય) ત્યારે અનવસ્થિત પ્યાલો ભરીને સ્થાપી રાખવો અને શલાકા પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ૧-૧ દાણો નાખતાં ખાલી થાય ત્યારે પ્રતિશલાકામાં ૧ દાણો નાખવો. પછી અનવસ્થિત પ્યાલાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ખાલી કરવો અને ખાલી થાય ત્યારે શલાકામાં ૧ દાણો નાંખવો.
ત્યાર પછી બીજો તે દ્વીપ કે સમુદ્રના જેટલો મોટો અનવસ્થિત પ્યાલો કલ્પવો. તેને ભરીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ૧-૧ દાણો નાખતાં જ્યારે ખાલી થાય ત્યારે શલાકામાં બીજો દાણો નાખવો. એ પ્રમાણે પૂર્વોક્ત ક્રમ પ્રમાણે શલાકા ભરાય એટલે અનવસ્થિત પ્યાલાને ભરીને સ્થાપી રાખવો અને શલાકાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ૧-૧ દાણો નાખતાં ખાલી થાય ત્યારે પ્રતિશલાકામાં બીજો દાણો નાંખવો. આ પ્રમાણે પ્રતિશલાકા પણ શિખા સુધી ભરાય ત્યારે શલાકા ખાલી થયેલો હોય છે. તેને પૂર્વોક્ત પ્રમાણે અનવસ્થિતથી પૂર્ણ ભરી દેવો અને પછી અનવસ્થિત પણ ભરી દેવો.
આ ત્રણે ભરાય એટલે શલાકા અને અનવસ્થિતને સ્થાપીને પ્રતિશલાકાને ઉપાડીને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ખાલી કરવો અને ખાલી થતાં મહાશલાકામાં એક દાણો નાખવો. ત્યાર પછી શલાકાને ઉપાડી આગળના દ્વીપ અને સમુદ્રોમાં ખાલી કરવો અને ખાલી થતાં ૧ દાણો પ્રતિશલાકામાં નાખવો. ત્યાર પછી અનવસ્થિતને ઉપાડીને આગળના દ્વીપ-સમુદ્રોમાં ખાલી કરવો અને ખાલી થતાં ૧ દાણો શલાકામાં નાખવો.
અને આ જ રીતે ક્રમે અનવસ્થિતથી શલાકાને, શલાકાથી પ્રતિશલાકાને અને પ્રતિશલાકાથી મહાશલાકાને ભરી દેવો. મહાશલાકા ભરાઇ જાય ત્યારે પ્રતિશલાકા ખાલી થઇ ગયો હોય છે. તેને પૂર્વોક્ત ક્રમે ભરી દેવો અને ત્યાર પછી શલાકાને અને છેવટે અનવસ્થિતને ભરી દેવો. આમ ચારે પ્યાલા પૂર્ણ ભરાઇ જાય ત્યારે અનવસ્થિત પ્યાલાનું માપ છેલ્લા વખતે ખાલી થયું છે તેટલા દ્વીપ કે સમુદ્રગણું છે.