________________
સૂત્ર-૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૧
૧૩૩
દરેક જીવે આ સંસારમાં આવા અનંત પુદ્ગલ પરાવર્તો પસાર કર્યા છે અને જ્યાં સુધી મોક્ષ નહીં પામે ત્યાં સુધી ભવિષ્યમાં પણ આવા પુદ્ગલ પરાવર્તો પસાર કરશે.
સંક્ષેપમાં પુદ્ગલ પરાવર્તનું સ્વરૂપ આ પ્રમાણે છે- અસંખ્ય વર્ષ=૧ પલ્યોપમ. ૧૦ કોડાકોડી પલ્યોપમ=૧ સાગરોપમ. ૧૦ કોડાકોડી સાગરોપમ=૧ ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી. ૨૦ કોડાકોડી સાગરોપમ (૧ ઉત્સર્પિણી + ૧ અવસર્પિણી)=૧ કાળચક્ર. આવા અનંત કાળચક્ર= એક પુદ્ગલ પરાવર્ત થાય.
સંખ્યાતાદિનું સ્વરૂપ— (નવ્યકર્મગ્રંથ-ગાથા ૭૧ થી ૮૬)
પહેલાં જંબૂદ્વીપના પ્રમાણવાળા ૧ લાખ યોજન લાંબા-પહોળા અને ૧૦૦૦ યોજના ઊંડા તેની ઉપર ૮ યોજનની જગતિ તેની ઉપર ૨ ગાઉની વેદિકા આ પ્રમાણવાળા ૧, અનવસ્થિત ૨, શલાકા ૩, પ્રતિશલાકા ૪, મહાશલાકા નામના પ્યાલાઓ કલ્પવા. ત્યાર પછી પહેલો અનવસ્થિત પ્યાલો શિખા સુધી સરસવના દાણાથી ભરીને એક હાથમાં લઇને બીજા હાથે તેમાંથી ૧-૧ દાણો દ્વીપ અને સમુદ્રોમાં નાખતા જવું. જ્યાં આગળ પહેલો પ્યાલો ખાલી થાય (જૂના કર્મગ્રંથમાં ત્યારે ૧ દાણો શલાકામાં નાખવા જણાવ્યું છે.) ત્યાં તે દ્વીપ કે સમુદ્રના જેટલો બીજો પ્યાલો કલ્પવો. તેની ઊંચાઇ અને ઊંડાઇ પૂર્વોક્ત પ્રમાણે સમજવી.
આ પ્યાલાને આગળના દ્વીપ અને સમુદ્રોમાં પૂર્વોક્ત પ્રમાણે ખાલી કરવો અને ખાલી થાય ત્યારે શલાકા નામના પ્યાલામાં ૧ દાણો નાખવો. ત્યાં ફરી તે દ્વીપ કે સમુદ્રના જેટલો મોટો પ્યાલો કલ્પવો. આ પ્યાલાને આગળના દ્વીપ અને સમુદ્રોમાં ખાલી કરવો અને ખાલી થાય ત્યારે બીજો દાણો શલાકામાં નાખવો.
ફરીથી તે દ્વીપ કે સમુદ્ર જેટલો મોટો પ્યાલો અનવસ્થિત નામનો ભરીને આગળ દ્વીપ અને સમુદ્રોમાં નાખતા જવું. આ રીતે અનવસ્થિત પ્યાલાઓ ભરીને ખાલી કરતાં ૧-૧ દાણે શલાકા પ્યાલો જ્યારે પૂર્ણ થાય.