________________
* પ્રસ્તાવના *
.... પૂજ્ય પંન્યાસપ્રવર શ્રીમહાબોધિવિજયજી મ.સા. અનેક આધિ-વ્યાધિથી ઘેરાયેલા પ્રત્યેક જીવની ઈચ્છા સુખપ્રાપ્તિની જ હોય છે. પરંતુ મિથ્યાસુખ પાછળ બ્રાન્ત થઈ જીવો અનાદિકાળથી સંસારચક્રમાં અટવાયેલા છે. જગતને સાચું સુખ અને તેનો રાહ સમજાવનાર સંપૂર્ણ દર્શન તરીકે નિર્વિવાદ રીતે જૈનદર્શનને આપણે સ્થાપી શકીએ. તેમાં આત્માદિદ્રવ્યો, ગુણ અને પર્યાયની જે વિશદ ચર્ચા મળે છે તે અન્યત્ર ક્યાંય ઉપલબ્ધ નથી.
સત્તરમી શતાબ્દીના વિભૂષણ મહામહોપાધ્યાય શ્રીયશોવિજયજી મ.સા. જૈનદર્શનની આ વિશિષ્ટતાને પોતાની આગવી શૈલીમાં આપણી સમક્ષ રજૂ કરે છે - દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' - આ ગ્રંથરાજ રૂપે !
એના આ સાતમા ભાગમાં અંતિમ ૧૬-૧૭ ઢાળ સમાવિષ્ટ છે. વિશેષ વિગત છઠ્ઠા ભાગની પ્રસ્તાવનામાં મેં કરી છે. હવે, ૧૬-૧૭ ઢાળના પદાર્થોનો કંઈક રસાસ્વાદ માણીએ -
સોળમી ઢાળના પ્રારંભથી જ જાણે ગ્રન્થનો ઉપસંહાર કરવાનું શરૂ કરી દીધું છે. પ્રારંભમાં આવા મહાન ગ્રન્થની રચના સંસ્કૃતમાં ન કરતા પ્રાકૃતભાષા (લોકભાષા) માં શા માટે કરી ? એનું કારણ જણાવ્યું છે. ત્યાર બાદ આ ગ્રન્થ કોની પાસે ભણવો અને ગુરુએ પણ કેવા આત્માને ભણાવવો..? એ યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથના આધારે જણાવ્યું છે. પછીની ગાથાઓમાં દ્રવ્યાનુયોગની આ વાણીનો અનેરો મહિમા બતાવ્યો છે. ગાથા નં. પાંચમાં સમાપત્તિનું સુંદર વર્ણન ગ્રંથકારે તથા કર્ણિકાકારે કર્યું છે. છેલ્લે દુર્જન વ્યક્તિ આ ગ્રંથની નિંદા કરશે. તો પણ અમને કોઈ નુકસાન થવાનું નથી. કારણ કે સજ્જનો દ્વારા આ ગ્રંથના પઠન/પાઠનથી આ ગ્રંથ સર્વત્ર જરૂર પ્રસિદ્ધ થશે - એમ કહી સોળમી ઢાળ પૂરી કરી છે. અંતે અંતિમ નિષ્કર્ષરૂપે સમગ્ર ગ્રન્થરાજના નવનીતભૂત, સંપૂર્ણ જિનશાસનના હાર્દસમાન પદાર્થો સાતમી ગાથાના છેડે ગણિવર્ય શ્રીયશોવિજયજી મહારાજે પ્રસ્તુત કર્યા છે. અધ્યાત્મપ્રેમીજનો માટે એ અમૃતકુંડ સમાન બની રહેશે. તેમાં કરેલું નિમજ્જન અધ્યાત્મને અજરામરતા બક્ષશે. મોક્ષ થાવત એ અધ્યાત્મરસ ટકી રહેશે. તેવો મને વિશ્વાસ છે.
સત્તરમી ઢાળને પ્રશસ્તિઢાળ કહી શકાય. પ્રશસ્તિમાં ઉપકારી ગુરુભગવંતોની પરંપરા દર્શાવી છે. શરૂઆત જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિ મહારાજથી થાય છે. વિક્રમનો સત્તરમો સૈકો એટલે હીરયુગ કહી શકાય. જિનશાસનના નભોમંડળમાં એ કાળે તેઓનું શાસન (અનુશાસન) સૂર્યની જેમ પ્રકાશ વેરી રહ્યું હતું. વિ.સં. ૧૬પર માં સૂરિદેવ સ્વર્ગે સિધાવ્યા... પણ સૂરિજીનો પ્રભાવ એટલો જબરજસ્ત હતો કે પછીના એક સૈકાથી વધુ સમય સુધી આ છાયા અમીટ રહી. ચાહે કોઈ જિનબિંબની પ્રતિષ્ઠા હોય કે કોઈ ગ્રન્થની પ્રશસ્તિ હોય.. સૂરિજીના નામથી જ એનો પ્રારંભ થાય.
જૈનસંઘમાં સૂરિજીની પરમ આદેયતાનું કારણ જણાવતા ઉપાધ્યાયજી મહારાજ બે મજાના હેતુ બતાવે છે.
(૧) સૌભાગ્યનામકર્મ અને (૨) સૂરિમંત્રની આરાધના.