________________
10.
પ્રસ્તાવના ૦
કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિ મ.સા. ના શિષ્ય આ. શ્રીરામચન્દ્રસૂરિજી એ “દ્રવ્યાલંકાર' માં કર્યું છે. અને નવી ભાત પાડી છે. (આનું સંપાદન પૂ. જંબૂવિજય મ.સા. એ કર્યું છે.) તેમ ગુજરાતી ભાષામાં પ્રસ્તુત રાસ જેવી દ્રવ્યાનુયોગની ગહન ચર્ચા કરતી કૃતિ મહોપાધ્યાયજીએ સહુ પ્રથમ રચી છે, તે અપૂર્વ ઘટના છે. એના ઉપરનો સ્વોપજ્ઞ ટબો પણ ગુજરાતી ભાષામાં છે એ પણ આવી જ એક વિરલ ઘટના છે. આ ટબો (= બાલાવબોધ) મૂળ ગાથાનું વિવરણ હોવાની સાથે મૂળના અર્થનો વિસ્તાર પણ છે.
એમ કહેવાય છે કે રાસ-સાહિત્ય પ્રત્યે કેટલોક વર્ગ તિરસ્કાર વ્યક્ત કરતો હતો. “રાસડા તો ફાસડા' જેવા શબ્દો તે વર્ગ વાપરતો હતો. ત્યારે મહોપાધ્યાયજીએ આ રાસ રચી પડકાર ફેંક્યો કે આ રાસને વાંચો, ભણો, અર્થ કરો. જો કે આ દંતકથા પણ હોય.
• ગ્રન્થ વિષય છે. દ્રવ્ય અને ગુણ બે શબ્દો અન્ય દર્શનોમાં પણ જાણીતા છે. પરંતુ પર્યાય શબ્દની ચર્ચા જૈન ગ્રંથોમાં જ મળે છે. કહો કે એ જૈનોનો પારિભાષિક શબ્દ છે.
પં. સુખલાલજીએ વિવિધ દાર્શનિક બાબતોની ચર્ચા કરી છે. અહીં “ર્શન સૌર ચિંતન' (પૃ.૩૫૦૩૫૧) ના આધારે કેટલીક બાબતો ટૂંકમાં આ પ્રમાણે છે.
ભારતીય દર્શનોની મુખ્ય બે ધારા છે. એક વાસ્તવવાદી, બીજી અવાસ્તવવાદી.
વાસ્તવવાદીના મતે બાહ્ય દશ્ય જગત સત્ય છે. અને વાણી દ્વારા વર્ણવી શકાય છે. ન્યાય-વૈશેષિક, પૂર્વમીમાંસા, સાંખ્યયોગ, વૈભાષિક-સૌત્રાંતિક બૌદ્ધ, મધ્વાદિ વેદાંત વગેરે વાસ્તવવાદી દર્શનો છે.
અવાસ્તવવાદીની માન્યતા છે કે – “લૌકિક પ્રમાણોથી ગમ્ય, વાણી દ્વારા પ્રકાશન યોગ્ય બાહ્ય જગત મિથ્યા છે. પારમાર્થિક સત્ય નથી.” શૂન્યવાદી-વિજ્ઞાનવાદી બૌદ્ધ અને શાંકર વેદાંત વગેરે અવાસ્તવવાદી દર્શનો છે.
પણ જૈન દર્શન વાસ્તવવાદી દર્શન છે. જૈન મતે કેવલજ્ઞાન દ્વારા સર્વ દ્રવ્યના સર્વ પર્યાયો જાણી શકાય છે. તથા મતિજ્ઞાન કે જે ઈન્દ્રિયજન્ય છે, તેના દ્વારા કેટલાક દ્રવ્યોના કેટલાક પર્યાયો તો જાણી શકાય જ છે. અનેક સૂક્ષ્મ ભાવો અનિર્વચનીય હોવા છતાં જે નિર્વચનીય ભાવો છે, તેને યથાર્થ માનવાના કારણે જૈનદર્શન વાસ્તવવાદી દર્શન છે.
ખૂબીની વાત એ છે કે અન્ય દર્શનોએ ક્યાંક પોતાની વિચારધારાને ઉલટાવી નાંખી છે. જ્યારે જૈન દર્શન હંમેશા વાસ્તવવાદી દર્શન રહ્યું છે. જ્યારે બૌદ્ધપરંપરાએ પ્રારંભમાં વાસ્તવવાદ માન્ય રાખ્યો. પરંતુ મહાયાનની વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી શાખાએ ધરમૂળથી વિચારપલટો કર્યો. એવી જ રીતે ઉપનિષદો, બ્રહ્મસૂત્ર આદિમાં વાસ્તવવાદી માન્યતાના સ્પષ્ટ સૂચનો છતાં શંકરાચાર્યે વેદાંતમાં “જગતું મિથ્યા' કહી અવાસ્તવવાદને જ પ્રમાણ માન્યો છે.
સતત વાસ્તવવાદી જૈનદર્શનમાં દ્રવ્ય-ગુણ-પર્યાયની ચર્ચા હોય તે સ્વાભાવિક છે.