________________
અદ્ભૂત... અદ્ભૂત..! અને ખાસ તો પ્રવચન ગંગા... ચાર-ચાર મહિના સુધી નિયમિત વહેતી આ પ્રવચનની ધારાએ... ખરેખર અમને... ભીના ભીના, ભીગા ભીગા બનાવી દીધા હતા... પૂજ્યશ્રીના પ્રવચનમાં વહેતી તાત્વિક વાતો અમને સમજાવી દેતી... કે.. “મન ફક્ત માહિતીની વખાર બનાવવા માટે નથી... મન તો... જ્ઞાનનો ખજાનો ભરવા માટે છે ...” અને પછી અમારી પ્રવચન માટેની તરસ કૃત્રિમ નહીં કુદરતી થઈ ગઈ... જાણે ચાતકની તરસ...!! ઘર ઘરમાં શાન્તિ-પ્રશાન્તિ-ઉપશાન્તિને પ્રાપ્ત કરાવી રામાયણના શ્રવણે, પાંચ-પાંચ રવિવારની ઝાકળ ભીની સવારે... સંગીતમય “રત્નાકર પચ્ચીશી" પરના પ્રવચનોએ અમને... પરમાત્મભક્તિમાં ઘેલા કર્યાં.
અને ચાર-ચાર મહિના “શાન્તસુધારસ ગ્રંથ”નું વાંચન થયું. શ્રવણ કરતાં-કરતાં અમારા હૈયા ઝણઝણી ઉઠ્યા. શાન્તરસના વહેતા ઝરણામાં પવિત્ર બનવાનું સૌભાગ્ય મળ્યું. એક એક શબ્દ સંભળાતો ગયો ને મનમાં કંઈક સંકલ્પ થતો ગયો. આવી જ ભાષા અને આવા જ શબ્દો જો ગ્રંથસ્થ બની જાય તો કેવું સારું ? ગુરુદેવ તો કાલે વિહાર કરી જશે ? પછી શું ? અને અમે પૂજ્ય ગુરુદેવને સાગ્રહ વિનંતિ કરી. ગુરુદેવ ! આપનો રત્ન ખજાનો અમને કાં ન મળે? આપનો ગુણ વૈભવ અને આપનો ભાષા વૈભવ કાગળમાં કંડારાય તો અમારા જેવા પામર પ્રાણીઓ કશુંક પામી શકે. સંઘની આગ્રહભરી વિનંતિ ગુરુદેવે સ્વીકારી અને અમારા ઉપર ઉપકાર કર્યો, અને એના પરિપાક સ્વરૂપે સર્જન થયું છે આ શાન્તસુધારસમનું!
પર્યુષણા મહાપર્વમાં ભવ્ય મહાપૂજામાં તો કલ્પનાતીત માનવ મહેરામણ જોઈ અમે અતિ આનંદથી ઉભરાઈ ગયા... કહેવાય છે કે... સંતોના સહજ બોલાયેલા શબ્દો શિલાલેખ જેવા હોય છે. જ્યારે દુર્જનોના તો સોગંદપૂર્વક બોલાયેલા શબ્દો પણ જલ-રેખ જેવા હોય છે. પૂ. ગુરુદેવના મુખેથી બોલાયેલા શબ્દો ક્યારે'ય નિષ્ફળ નથી ગયા. એનો પ્રત્યક્ષ પુરાવો... આ... કે... શાન્તિસ્નાત્ર સહિત આઠ દિવસનો મહોત્સવ અને ૩૮-૩૮ છોડનું ભવ્યાતિભવ્ય ઉજમણું...