________________
બત્રીસ પ્રકારની ગણિસંપત્તિ
૧૦૫૯
ગાથાર્થ - ટીકાર્થ - ગુણોનો કે સાધુઓનો જે સમુદાય તે ગણ. અતિશયવાન ગુણોવાળા કે ઘણા સાધુવાળા જે હોય, તે ગણી આચાર્ય. તેમની જે ભાવરૂપ સંપદા-સમૃદ્ધિ તે ગણિસંપદા. તે સંપદા આચાર વગેરે આઠ પ્રકારની છે. તે દરેકના ચાર ચાર ભેદ કરવાથી આઠને ચારે ગુણતા બત્રીસ ભેદો થાય તે અને વિનયના ચાર ભેદ ઉમેરતા ગુરુના એટલે આચાર્યના છત્રીસ ગુણો થાય. (૫૪૧)
ગાથાર્થ - તે આઠ સંપદાઓના નામ ૧. આચારસંપત્ ૨. શ્રુતસંપત્ ૩. શરીરસંપત્ ૪. વચનસંપત્ ૫. વાચનાસંપત્ ૬. મતિસંપન્ ૭. પ્રયોગમતિસંપત્ અને ૮. સંગ્રહપિરશાસંપત્.
આચરણ તે આચાર (અનુષ્ઠાન). તદ્વિષયક જે સંપદા વિભૂતિવૈભવ અથવા આચાર સંપત્તિની પ્રાપ્તિ તે આચાર-સંપત્. એ પ્રમાણે આગળના શબ્દોમાં પણ અર્થ વિચારવો.
આચારસંપત્તિના ચાર પ્રકાર - ૧. ચરણયુક્ત, ૨. મદરહિત, ૩. અનિયતવૃત્તિ અને ૪. અચંચલ. શ્રુતસંપત્તિના ચાર પ્રકાર - યુગપ્રધાનાગમ, ૨. પરિચિતસૂત્રતા, ૩. ઉત્સર્ગઅપવાદ-વેદી, ૪. ઉદાત્ત (સ્પષ્ટ) ઘોષવાળો. (૫૪૨-૫૪૩)
ટીકાર્થ - ૧. આચારસંપદા : તે આચાર સંપદા ચાર પ્રકારે છે.
૧. ચરણયુક્ત :- ચરણ એટલે ચારિત્ર. વ્રત, શ્રમણધર્મ વગેરે ૭૦ સીત્તેર ભેદરૂપ ચરણસિત્તરીથી યુક્ત હોય છે.
અન્ય સ્થાને ‘‘સંયમવયોગયુક્તતા'' નામે સંપદા કહી છે. તેનો પણ ભાવાર્થ આ પ્રમાણે જ છે. સંયમ એટલે ચારિત્ર. તે ચારિત્રમાં સતત યોગ (સમાધિ) યુક્ત એટલે સતત ઉપયોગવાળો.
૨. જાતિ, કુલ, તપ, શ્રુત વગેરે મદોથી રહિત તે મદરહિત. અન્ય ગ્રંથમાં ‘‘અસંપ્રગ્રહ’’ કહેવાય છે. તેનો પણ ભાવાર્થ આ પ્રમાણે જ છે. સંપ્રગ્રહ એટલે ચારે તરફથી સારી રીતે આત્માનું જે જાતિ, શ્રુત, તપ, રૂપ વગેરેના ઉત્કર્ષ વડે ગ્રહણ થવું તે, એટલે હું જાતિવંત છું વગેરે રૂપે પકડવું તે સંપ્રગ્રહ કહેવાય. તે સંપ્રગ્રહ જેને ન હોય, તે અસંપ્રગ્રહ છે. એટલે જાતિ વગેરેનાં ઉત્કર્ષરહિત હોય છે.
૩. અનિયતવૃત્તિ એટલે ગામ વગેરેમાં અનિયત વિહાર કરવો તે.
૪. અચંચલ એટલે ઇન્દ્રિયોને વશ કરનાર. અન્ય જગ્યાએ ‘‘વૃદ્ધશીલતા’” કહી છે. વૃદ્ધશીલતા એટલે સ્ત્રીના મનને લોભાવનારું યૌવન, મન અને શરીરમાં હોવા છતાં પણ નિભૃત સ્વભાવ એટલે ગંભીર સ્વભાવ યુક્ત હોય છે અર્થાત્ નિર્વિકારી હોય છે.