________________
૮૦
ગુરુનું માહાભ્ય આવે છે, તેથી આચાર્ય જે કંઈપણ અનેક પ્રકારનું કથન કરે, સાધુ તે આચાર્ય-વચનને ઉલ્લંઘે નહિ. અર્થાત્ તે વચન યુક્ત હોવાથી બધું જ સ્વીકારે. (૯/૨/૧૬)
વિનયના ઉપાય કહે છે –
ગાથાર્થ - નીચી શય્યા, ગતિ, સ્થાન, નીચા આસનો, પગમાં નીચે નમીને વંદન કરવા, નીચે નમીને અંજલિ કરવી. (૯/૨/૧૭).
ટીકાર્થ - સાધુએ આચાર્યનાં સંથારા કરતાં પોતાનો સંથારો નીચો કરવો જોઈએ. એમ આચાર્યની ગતિ કરતા પોતાની ગતિ નીચી કરવી જોઈએ. અર્થાત્ તેમની પાછળ ચાલવું. પણ પાછળ પણ ઘણે દૂર કે ઘણાં ઝડપથી ન ચાલવું. એમ આચાર્યના સ્થાન કરતાં પોતાનું સ્થાન નીચું રાખવું. એટલે કે આચાર્ય જ્યાં બેસે, તેનાથી વધુ નીચા સ્થાનમાં બેસવું. તથા ક્યારેક કારણ આવી પડે અને પીઠક ઉપર, પાટલાદિ ઉપર બેસવું પડે, તો તે આચાર્ય (પોતાના પાટલાદિ ઉપર) બેસી જાય એ બાદ તેમની રજા લઈ એમના કરતાં નાના-નીચા પાટલાદિ ઉપર બેસે. પણ એમની રજા વિના ન બેસે. તથા સારી રીતે મસ્તક નમાવીને આચાર્યના બે પગને વંદે, પણ અવજ્ઞાથી ન વંદે. તથા કોઈક પ્રશ્ન પૂછવાદિ કાર્ય આવી પડે ત્યારે નમ્રકાયાવાળો થઈને હાથ જોડે. પણ હુઠાની જેમ અક્કડ જ ન રહે. (૯/૨/૧૭)
આ પ્રમાણે કાયવિનયને કહીને વાણીવિનયને કહે છે –
ગાથાર્થ - કાયાથી તથા ઉપધિથી પણ સંઘટ્ટો થાય તો બોલવું કે “મારો અપરાધ ક્ષમા કરો. ફરી નહિ કરું.” (૯/૨/૧૮)
ટીકાર્ય - તેવા પ્રકારના પ્રદેશમાં બેઠેલા આચાર્યને કોઈપણ રીતે શરીરથી સંઘટ્ટો થઈ જાય તથા કપડા વગેરે ઉપધિથી કોઈક રીતે સ્પર્શ થઈ જાય તો મિચ્છામિદુક્કડ કરવાપૂર્વક વંદન કરીને કહેવું કે “મન્દભાગ્યવાળા મારો આ અપરાધ ક્ષમા કરો. ફરીથી હું આવું નહિ કરું...” (૯/૨/૧૮)
બુદ્ધિમાન સાધુ આ વિનય જાતે જ કરે, પણ જે મંદબુદ્ધિવાળો હોય તે કેવી રીતે કરશે? એ હવે બતાવે છે –
ગાથાર્થ - ગળીયો બળદ પ્રતોદથી પ્રેરાયેલો છતો રથને વહન કરે છે. એમ દુર્બદ્ધિવાળો કાર્યોને માટે કહેવાયેલો કહેવાયેલો છતો કરે છે. (૯/૨/૧૯)
ટીકાર્ય - રથિક = ગાડાવાળો ગળીયાબળદને આરાદંડ રૂ૫ પ્રતોદથી વીંધે, મારે, પ્રેરે....એટલે (આરાદંડ એટલે બળદાદિ પશુઓને પ્રેરવા-મારવા માટે ગાડાવાળાઓ જે રાખે છે...તે.) એ વીંધાયેલો ગળીયો બળદ ક્યાંક રથને લઈ જાય.