________________
ગુરુનું માહાભ્ય
વળી આ વસ્તુ મનમાં રાખીને વિનય કરવો જોઈએ....એ વાત કહે છે –
ગાથાર્થ - પોતાને માટે કે પરને માટે ઉપભોગને માટે, આલોકનાં કારણે ગૃહસ્થો શિલ્પોને અને નૈપુણ્યને શીખે છે. (૯/૨/૧૩)
ટીકાર્ય - ગૃહસ્થો – અસંયતો “આના વડે મારી આજીવિકા થશે.” એમ પોતાના માટે તથા “હું આ (શીખીને) મારા પુત્રને શીખવાડી દઈશ.” એમ પરને માટે, કુંભારની ક્રિયા વગેરે શિલ્પોને અને ચિત્રકલા વગેરે રૂપ નિપુણતાઓને અન્નપાનાદિના ભોગને માટે શીખે છે. આ બધું આલોક માટે કરે છે. શિક્ષને એ અધ્યાહારથી લેવું. (૯/૨/૧૩)
ગાથાર્થ - શીખતાં, જોડાયેલા, લલિતેન્દ્રિયવાળા તેઓ જેને માટે બંધ, રૌદ્ર વધ અને દારુણ પરિતાપ પ્રાપ્ત કરે. (૯/૨/૧૪)
ટીકાર્ય - શીખાતા એવા શિલ્પાદિના નિમિત્તે તેઓ સાંકળ વગેરે વડે બંધને, ચાબુક વગેરે વડે ઘોર વધને, તથા આ બધાથી ઉત્પન્ન થયેલા ભયંકર પરિતાપને, અને તિરસ્કારાદિનાં વચનથી ઉત્પન્ન થયેલા પરિતાપને ગુરુ પાસેથી પામે છે.
તેઓ શિલ્પાદિના ગ્રહણમાં જોડાયેલા છે, લલિતેન્દ્રિય = ગર્ભશ્રીમંત રાજપુત્ર વગેરે છે. (આવા રાજપુત્રાદિ પણ આલોકસંબંધી શિલ્પાદિ શીખતી વખતે આ બધું જ સહન કરે છે...) (૯/૨/૧૪)
ગાથાર્થ - તેઓ પણ તુષ્ટ નિર્દેશવાળા છતાં તે શિલ્પને કારણે તે ગુરુને પૂજે છે, સત્કારે છે, નમસ્કાર કરે છે. (૯/૨/૧૫)
ટીકાર્ય - ઈવર = અલ્પકાલીન = આલૌકિક શિલ્પાદિને શીખતાં એવા પણ તેઓ બંધાદિને કરનાર એવા પણ તે ગુરુને પૂજે છે. અર્થાત્ સામાન્યથી મધુરવચનથી અભિનંદન આપવા દ્વારા ગુરુને પૂજે છે. એ પણ તે ઇવરશિલ્પને માટે પૂજે છે. તથા વસ્ત્રાદિથી સત્કારે છે. હાથ જોડવા વગેરે દ્વારા નમસ્કાર કરે છે. “આ ગુરુ પાસેથી આ મળે છે.” એમ ખુશ થયેલા અને તેમની આજ્ઞાનું પાલન કરતાં તેઓ આ પૂજાદિ કરે છે. (૯/૨/૧૫)
જો આવાઓ પણ તે ગુરુને પૂજે છે, તો પછી -
ગાથાર્થ - જે શ્રતગ્રાહી, અનંતહિતકામી છે, તેણે શું? (તેની શી વાત કરવી?) તેથી આચાર્ય જે કહે, ભિક્ષુ તેને ન ઉલ્લંઘે. (૯/૨/૧૬).
ટીકાર્ય - જે સાધુ પરમપુરુષે બનાવેલા = કહેલા એવા આગમનું ગ્રહણ કરવાની અભિલાષાવાળો છે, અનંતહિતને = મોક્ષને ઇચ્છનારો છે...તેની શું વાત કરવી ? અર્થાત્ એણે તો અવશ્ય ગુરુજનોને પૂજવા જોઈએ.