________________
૬૯
ગુરુનું માહાભ્ય આચાર્યે કહ્યું, “ના, સાધુઓ વિનીત હોય છે.” આમ પરસ્પર વિવાદ થતાં આચાર્યે કહ્યું, ‘તમારા રાજપુત્રોમાંથી જે કોઈ ઉત્કૃષ્ટ વિનયવાન હોય તેની પરીક્ષા કરો, અને અમારા સાધુઓમાંથી જે તમને અવિનીત જણાય તેની પરીક્ષા કરો, એટલે જણાશે કે બન્નેમાં કોણ વિનીત છે અને કોણ અવિનીત છે.” આચાર્ય મહારાજનું એ કથન અંગીકાર કરીને રાજાએ પોતાનો જે પુત્ર વિનયગુણથી ઘણો જ પ્રસિદ્ધ હતો તેને આજ્ઞા કરીને કહ્યું, “રાજકુમાર ! ગંગા કઈ તરફ વહે છે ? તે શોધી લાવ.” રાજાની આવી આજ્ઞા સાંભળીને કુમારે કહ્યું, મહારાજ ! એમાં શું શોધવાનું છે? નાના બાળકો પણ જાણે છે કે ગંગા પૂર્વ તરફ વહે છે.” આથી રાજાએ ગુસ્સે થઈને કહ્યું, “અરે ! ખાલી અહીં રહીને જ જેમ-તેમ શા માટે બોલે છે? ત્યાં જઈ તપાસ કરી, આવીને કહે.”
એ પ્રમાણે રાજાએ કહેવાથી કુમારને ઘણો ગુસ્સો ચડ્યો. પણ તે અન્તરમાં સમાવી ઇચ્છા વિના રાજદ્વારમાંથી બહાર નીકળ્યો. મુખ્યદ્વારમાંથી નીકળતાં તેના કોઈ મિત્રે પૂછ્યું,
ભાઈ ! ક્યાં જાઓ છો ?' કુમારે અસૂયાથી કહ્યું, “અરણ્યમાં રોઝને મીઠું આપવા.” આથી આશ્ચર્ય પામી મિત્રે કહ્યું, “એમ કેમ કહો છો? સત્ય વાત શું છે? તે જો ગુપ્ત રાખવા યોગ્ય ન હોય તો જણાવો.” મિત્રના કહેવાથી રાજકુમારે રાજાની સર્વ આજ્ઞા જણાવી. આથી મિત્રે હસીને કહ્યું “અરે કુમાર ! રાજાને એવો કદાગ્રહ થયો, તો શું તમને પણ એવો કદાગ્રહ છે? કે જેથી નકામા રખડવા જાઓ છો. થોડો કાળ પસાર કરીને રાજા પાસે જઈને કહો કે ગંગા પૂર્વ તરફ વહે છે.” રાજપુત્રે પણ તેમજ કર્યું. આ બાબતની ગુપ્તચરપુરુષે રાજાને ખબર આપી, એટલે રાજા વિલખો થઈ બોલ્યો, “ઠીક હવે સાધુની પરીક્ષા કરીએ.'
આચાર્યના શિષ્યોમાંથી જે શિષ્ય રાજાને અવિનીત જણાયો, તેને ગુરુએ આજ્ઞા કરી, હે ભદ્ર ! જઈને તપાસ કર કે ગંગા કઈ તરફ વહે છે? ગુરુની આજ્ઞા સાંભળીને શિષ્ય વિચાર્યું, “ગંગા પૂર્વ તરફ વહે છે એવું ગુરુમહારાજ જાણે છે, છતાં શા માટે મને તપાસ કરવાનું કહેતા હશે ? અવશ્ય એવી આજ્ઞા કરવાનું કંઈક કારણ હશે. કારણ સિવાય એવી આજ્ઞા કરે નહિ. માટે મારી ફરજ છે, મારે ગુરુની આજ્ઞાનુસાર ગંગા કઈ તરફ વહે છે? એ બરાબર તપાસીને કહેવું.' એમ વિચારી ગુરુની આજ્ઞા સ્વીકારીને તે તરત જ બહાર નીકળ્યો. બહાર જઈને ગંગા નદી પર ગયો. ત્યાં જોયું કે ગંગા પૂર્વ તરફ વહે છે. બીજાઓને પૂછતાં પણ જણાયું કે તે પૂર્વ તરફ વહે છે. સુકા ઘાસ વગેરેને વહેણમાં વહેતાં જોઈને અન્વય-વ્યતિરેકથી “ગંગા પૂર્વ તરફ વહે છે.” એમ નિશ્ચય કરી, ગુરુ પાસે આવી, કહ્યું, ગુરુમહારાજ! ગંગા પૂર્વ તરફ વહે છે. મેં તે નક્કી કરવા માટે આ પ્રમાણે કર્યું. તત્ત્વ તો આપ જાણો.” ગુપ્તચરે પણ ખાનગીમાં એ જ હકીકત કહી. એટલે રાજાને ગુરુવચનમાં પ્રતીતિ થઈ કે, “રાજપુત્રો વિનીત નથી પણ સાધુઓ જ વિનીત છે.' એમ રાજાએ હર્ષપૂર્વક