________________
છે. એટલે કે આ ગ્રંથમાં તેમણે ગુરુના ૧,૨૯૬ ગુણો બતાવ્યા છે. ગુરુના ગુણો તો અગણિત છે. છતાં ગ્રંથકારશ્રીએ તેમાંથી થોડા ગુણો આ ગ્રંથમાં બતાવ્યા છે. મૂળ ગાથાઓમાં બતાવેલ છત્રીસીઓનો ભાવાર્થ સમજાવવા ગ્રંથકારશ્રીએ સંસ્કૃત ભાષામાં ટીકા પણ રચેલ છે. તે ટીકામાં તેમણે અનેક શાસ્ત્રપાઠોના આધારે મૂળગાથાઓના રહસ્યો સમજાવ્યા છે.
શ્રીરત્નશેખરસૂરિજી મહારાજે સ્વોપmટીકામાં કરેલું વિવેચન ખૂબ જ સંક્ષિપ્ત છે. તેમણે મૂકેલા શાસ્ત્રપાઠોમાં છત્રીસગુણોના નામ અને બહુ જ ટુંકુ વિવેચન છે. તેનાથી સામાન્ય લયોપશમવાળાને પદાર્થોનો શીઘ અને સ્પષ્ટ બોધ થવો મુશ્કેલ છે. તેથી ગ્રંથકારશ્રીએ મૂકેલા શાસ્ત્રપાઠોની ગાથાઓની ટીકાઓનું સંકલન કરી પરિશિષ્ટરૂપે પ્રકાશિત કરવાની ભાવના થઈ. પૂજય ગુરુદેવશ્રીને આ ભાવના જણાવતા તેમણે સૂચન કર્યું કે નૂતન ટીકા રચીને તેમાં તે તે શાસ્ત્રપાઠોની ગાથાઓની ટીકાઓ તેમાં મૂકી દેવી. ગુરુદેવશ્રીની પ્રેરણાથી મેં ટીકા રચવાનું શરૂ કર્યું. આ ટીકામાં મારી રચના બહુ જ ઓછી છે, મુખ્યત્વે તો તેમાં શાસ્ત્રપાઠોની ગાથાઓ અને તેમની ટીકાઓનું સંકલન જ કર્યું છે. પૂજ્ય ગુરુદેવશ્રીની અસીમ કૃપાથી આ ટીકાની રચના નિર્વિને સંપન્ન થઈ છે. આ ટીકાની રચના ખંભાતમાં શ્રીસ્થંભન પાર્શ્વનાથ ભગવાનની છત્રછાયામાં થઈ છે. શ્રીસ્થંભન પાર્શ્વનાથ પ્રભુના અનરાધાર અનુગ્રહથી જ આ કાર્ય પૂર્ણતાને પામ્યું છે. આ ટીકાનું નામ મેં પરમપૂજ્ય સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્યનિષ્ણાત, સુવિશુદ્ધબ્રહ્મચારી આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના નામ પરથી પ્રેમીયા વૃત્તિ એવું રાખ્યું છે. આ વૃત્તિ સ્વોપજ્ઞવૃત્તિને અનુસરીને જ રચી છે. આ વૃત્તિમાં ૧૫૮ ગ્રંથોના ૫૦૨ શાસ્ત્રપાઠો ગુંથ્યા છે. આ વૃત્તિની રચના સરળ શૈલીમાં કરી છે. તેથી માત્ર સંસ્કૃતની બે બુકોનો અભ્યાસ કરેલ જીવો પણ આ વૃત્તિનું સહેલાઈથી અધ્યયન કરી શકશે. દરેક મૂળગાવ્યા પછી તેની સંસ્કૃત છાયા કરી છે. ત્યારપછી મૂળગાથાનો શબ્દાર્થ કર્યો છે. ત્યારપછી વિવેચન કર્યું છે. વૃત્તિના ટાઈપ મોટા છે અને અવતરણોના ટાઈપ થોડા નાના છે. તેથી વૃત્તિ અને અવતરણોનો ભેદ સમજી શકાશે.
મૂળગ્રંથની પહેલી ગાથામાં ગ્રંથકારે મંગળ અને અભિધેય કહ્યું છે. બીજી ગાથાથી ૩૭મી ગાથા સુધીની ૩૬ ગાથાઓમાં એક-એક ગાથામાં એક-એક છત્રીસી બતાવી છે. ૩૮મી ગાથામાં ગ્રંથકારે ગુરુના બધા ગુણોનું કહેવાનું પોતાનું સામર્થ્ય નથી, એવું કહ્યું છે. ૩૯મી ગાથામાં તેમણે કહ્યું છે કે તેમણે આ છત્રીસીઓ શ્રુતસમુદ્રમાંથી શોધીને બતાવી છે અને ગુરુ પ્રત્યેની ભક્તિથી બતાવી છે. ૪૦મી અંતિમ ગાથામાં તેમણે ઉપસંહાર કરી આ ગ્રંથની પૂર્ણાહુતિ કરી છે. અંતિમ ગાથામાં તેમણે એવી ભાવના પણ વ્યક્ત કરી છે કે આ ગ્રંથના અભ્યાસ દ્વારા ભવ્યજીવો કલ્યાણને પામે. ગ્રંથકારે મૂળગ્રંથમાં કયાંય પોતાનું નામ લખ્યું નથી. અંતિમ ગાથામાં તેમણે પોતાની ઓળખાણ પોતાના ગુરુના શિષ્ય તરીકે આપી છે, પોતાના નામથી નહીં. આ બાબત તેમની નિઃસ્પૃહતાને સૂચવે છે.