________________
ગુરુના ગુણો કહેવાનું કારણ જવાબ - ગુણવાન ગુરુ જ પદાર્થોના સાચા સ્વરૂપને જાણે છે અને બીજાને સમજાવે છે. આમ તે પોતાને અને બીજાને તારવા સમર્થ થાય છે.
ગુરુતત્ત્વવિનિશ્ચયમાં અને તેની વૃત્તિ માં કહ્યું છે -
આચારમાં રહેનાર આચારની પ્રરૂપણામાં અશક્ય રહે છે, એટલે કે “આ આચારની પ્રરૂપણા શાસ્ત્ર મુજબ કરે છે કે શાસ્ત્રવિરુદ્ધ કરે છે?' એવી શંકા બીજાઓને થતી નથી. પણ જે આચારથી ભ્રષ્ટ છે તે યથાવસ્થિત ચારિત્રની પ્રરૂપણામાં વિકલ્પિત છે, એટલે કે તે લોકોને ભગવાને જેવું ચારિત્ર કહ્યું છે તેવું જ બતાવે કે ન પણ બતાવે. (૨/૧૨૧)’
જ્ઞાનસારમાં અને તેની વૃત્તિમાં પણ કહ્યું છે –
ગાથાર્થ - જ્ઞાની, ક્રિયામાં તત્પર, શાન્ત, જેણે આત્માને ભાવિત કર્યો હોય તે અને જેણે ઇન્દ્રિયોને જીતી હોય તે – આવો મુનિ સંસારસાગરથી પોતે તર્યો છે અને બીજાને તારવા સમર્થ છે.
ટીકાર્ય - હે આત્મનું! જે જ્ઞાની છે એટલે કે જેણે ગુરુના મુખેથી ભગવાને કહેલા શુદ્ધ આગમો લીધા છે તે. ક્રિયા એટલે બન્ને સમય પ્રતિક્રમણ, પડિલેહણ, નિર્દોષ ભિક્ષાચર્યા, ઉગ્ર વિહાર વગેરે. તત્પર એટલે તેમાં ઉદ્યમવાળો કે તેમાં શ્રેષ્ઠ. ક્રિયામાં તત્પર તે ક્રિયાપર. શાન્ત એટલે જેણે વિષયો અને કષાયોનો સંગ છોડી દીધો છે તે. ભાવિતાત્મા એટલે જેણે સમ્યક્ત, ભાવના, ધ્યાન, શુભ ભાવ વગેરેથી મનના ઉપયોગને વાસિત કર્યો છે તે. જિતેન્દ્રિય એટલે જેણે શ્રોત્રેન્દ્રિય વગેરે પાંચ ઇન્દ્રિયો વિષયોમાંથી પાછી વાળીને પોતાના વશમાં કરી છે તે. આ પૂર્વે કહેલા બધા ગુણોવાળો મુનિ સંસારરૂપી સમુદ્રમાંથી પોતે પારને પામ્યો છે અને શરણે આવેલા બીજા ભવ્ય પ્રાણીને સંસારસમુદ્રના સામા કિનારે પહોંચાડવા એ જ સમર્થ છે. માટે તું પણ એ પ્રમાણે જ્ઞાનપૂર્વકની ક્રિયામાં તત્પર થા એમ અર્થ છે. (૯/૧)'
સંવેગરંગશાળામાં પણ કહ્યું છે -
જેમ મધ અને ઘીથી સિંચાયેલ અગ્નિ શોભે છે તેમ ગુણોમાં સારી રીતે રહેવાનું વચન શોભે છે. જેમ સ્નેહ (મધ, ઘી વગેરે) વિનાનો દીવો શોભતો નથી તેમ ગુણ વિનાના ગુરુનું વચન શોભતું નથી. (૮૯૦૭)
માર્ગપરિશુદ્ધિમાં પણ કહ્યું છે -
તેથી ચારિત્રરૂપી ધનને વધારવા ગુરુકુળવાસનો આશ્રય કરવો. ગુરુ પણ ગુણવાન હોય તો નિર્મળ બુદ્ધિવાળા જીવોની પ્રશંસાને પામે છે. (૧૭)