________________
૫૦
પહેલો શ્લોક શ્વેત કમળ પર બેઠેલી, વીણાને ધારણ કરનારી, હંસરૂપી વાહનવાળી, શ્રુતની અધિષ્ઠાયિકા શ્રી સરસ્વતી દેવીનું હું મનમાં સ્મરણ કરું છું. (૯)
સારા બોધને આપનારું, દીપિકા સહિત પ્રસ્તુત કુલક જેમણે રચ્યું છે તે રત્નશેખરસૂરિ મહારાજાને હું નમું છું. (૧૦)
ભયંકર સંસાર સમુદ્રથી તારનારા, વૈરાગ્યભરી દેશના આપવામાં કુશળ, મારા ગુરુદેવ આચાર્ય વિજય હેમચન્દ્રસૂરિ મહારાજાને હું વંદન કરું છું. (૧૧)
દીપિકાના પાઠોનો સ્પષ્ટ રીતે બોધ થાય એ માટે હું દીપિકાને અનુસરનારી, સરળ પ્રેમીયા વૃત્તિ રચું છું. (૧૨)
ગ્રંથને શરૂ કરવા ઇચ્છતાં ગ્રન્થકાર પહેલા શ્લોકમાં મંગળ અને અભિધેય કહે છે -
શબ્દાર્થ - શ્રીવીરપ્રભુના અને શ્રીગૌતમસ્વામી વગેરે ગણધરોના ચરણોમાં નમસ્કાર કરીને હું ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ કહીશ. (૧)
પ્રેમીયા વૃત્તિનો ભાવાનુવાદ - શ્રીવીરપ્રભુ એટલે આ અવસર્પિણીના છેલ્લા તીર્થકર. શ્રીગૌતમસ્વામી શ્રીવીરપ્રભુના પહેલા શિષ્ય હતા. તેમનું નામ ઇન્દ્રભૂતિ હતું. તેઓ ગૌતમ ગોત્રવાળા હોવાથી તેમનું “ગૌતમ” એવું નામ પ્રસિદ્ધ થયું હતું. તેઓ અગ્નિભૂતિ વગેરે બાકીના દસ ગણધરોમાં મુખ્ય હતા. ગણ એટલે સાધુઓનો સમુદાય. તેને ધારણ કરે, એટલે તેના યોગ-ક્ષેમ કરીને તેનું પાલન કરે તે ગણધરો. ગણધરો તીર્થકરોના મુખ્ય શિષ્યો હોય છે. તેઓ બાહ્ય-અત્યંતર શોભાથી યુક્ત હોય છે.
અજ્ઞાનના અંધકારને દૂર કરે તે ગુરુ. ગુણો એટલે વિશેષતાઓ. છત્રીસનો સમૂહ તે છત્રીસી. શ્રીવીરપ્રભુના અને શ્રીગૌતમસ્વામી વગેરે અગિયાર ગણધરોના ચરણોમાં બહુમાનપૂર્વક નમસ્કાર કરીને હું ગુરુના ગુણોની છત્રીસ છત્રીસીઓ કહીશ. આ શબ્દાર્થ થયો.
ભાવાર્થ આ પ્રમાણે છે – આ અવસર્પિણીના છેલ્લા તીર્થંકરનો માતાની કુક્ષિમાં અવતાર થયા પછી તેમના પિતાના જ્ઞાતકુળમાં ચાંદી, સોનું, ધન, ધાન્ય, પ્રેમ, સત્કાર વગેરે વધવા લાગ્યું. તેથી પ્રભુના જન્મ પછી બારમા દિવસે માતા-પિતાએ તેમનું ગુણને અનુરૂપ એવું “વર્ધમાન” એવું નામ રાખ્યું. એકવાર પ્રભુ આમલકી ક્રીડા માટે મિત્રોની સાથે નગરની બહાર ગયા. ત્યારે ઇન્દ્ર પોતાની સભામાં પ્રભુના ધર્મગુણની પ્રશંસા કરી.