________________
ગુરુગુણષત્રિશતષત્રિશિકાકુલક પ્રેમીયા વૃત્તિ અને તેના ગુજરાતી ભાવાનુવાદથી
અલંકૃત प्रेमीयवृत्तिभावानु-वादो गुर्जरभाषया ।
प्राकृतजनबोधार्थं, मयाऽधुना विरच्यते ॥१॥ સામાન્ય લોકોને સમજાવવા માટે હવે હું પ્રેમીયા વૃત્તિનો ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ રચું છું. (૧)
વૃત્તિકારનું મંગળ -
મરુદેવીમાતા અને નાભિકુલકરના પુત્ર એવા પહેલા તીર્થંકર શ્રી ઋષભદેવપ્રભુને હું વંદન કરું છું. (૧)
અચિરાદેવીમાતા અને વિશ્વસેનરાજાના પુત્ર એવા સોળમા તીર્થંકર શ્રીશાન્તિનાથપ્રભુની હું આનંદથી સ્તુતિ કરું છું. (૨).
શિવાદેવમાતા અને સમુદ્રવિજયરાજાના પુત્ર એવા બાવીસમા તીર્થંકર શ્રીનેમિનાથપ્રભુની હું હર્ષથી સ્તુતિ કરું છું. (૩)
વામાદેવીમાતા અને અશ્વસેનરાજાના પુત્ર એવા, લીલા રંગની શરીરની કાંતિવાળા ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ પ્રભુની હું સ્તુતિ કરું છું. (૪)
ત્રિશલાદેવીમાતા અને સિદ્ધાર્થરાજાના પુત્ર એવા ચોવીસમા તીર્થંકર શ્રીવર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૫)
સંસારસમુદ્રમાં વહાણ સમાન, લોક-અલોકના સ્વરૂપને બતાવનારા બીજા પણ બધા તીર્થકરોને હું આનંદથી નમસ્કાર કરું છું. (૬)
શ્રીવીરપ્રભુના પ્રથમ શિષ્ય, પ્રભુના ચરણોમાં સમર્પિત અને અનંતલબ્ધિઓના ભંડાર એવા શ્રીગૌતમસ્વામીની હું સ્તુતિ કરું છું. (૭)
અરિહંત ભગવંતોના મુખમાંથી નીકળેલા, ગણધરો વગેરે મહાપુરુષોએ ગૂંથેલા, અજ્ઞાનનો નાશ કરનારા એવા જિનઆગમને હું ભક્તિથી નમસ્કાર કરું છું. (૮)