________________
૪૧૦
ચાર પ્રકારની બુદ્ધિ પથ્થરના થાંભલાની જેમ શરીરને જરાય નમાવ્યા વિના ઇર્ષ્યાના અગ્નિના સંપર્કથી જાણે કે ધૂમાળા નીકળતા હોય એવું આચરણ કરે છે. તેથી ગુરુએ તેને કહ્યું - ‘અરે ! કેમ પગમાં પડતો નથી ?' તેણે કહ્યું - ‘જેને બરાબર ભણાવ્યો તે જ પગમાં પડશે, હું પગમાં નહીં પડું.’ ગુરુએ કહ્યું – ‘કેમ તને બરાબર નથી ભણાવ્યો ?' તેથી તેણે પૂર્વેની બધી હકીકત કહી. પછી કહ્યું – ‘આનું બધું જ્ઞાન સાચું છે, મારું નહીં.' પછી ગુરુએ વિચારીને કરનારાને પૂછ્યું - ‘હે વત્સ ! કહે તેં શી રીતે આ જાણ્યું ?' તેથી તેણે કહ્યું - ‘મેં તમારી કૃપાથી વિચાર કર્યો કે, ‘આ હાથીરૂપ પશુના પગલા છે એ વાત તો પ્રતીત જ છે. વિશેષ વિચાર કર્યો કે, ‘શું આ હાથીના પગલા છે કે હાથણીના પગલા છે ?' ત્યાં મૂત્રને જોઈને હાથણીના પગલા છે એમ નક્કી કર્યું. જમણી બાજુ વાડ ઉપર ચડેલી વેલડીઓનો વિસ્તાર હાથણીએ કાપી નાંખેલો જોયો, ડાબી બાજુએ નહીં. તેથી નક્કી કર્યું કે, ‘હાથણી નક્કી ડાબી આંખે કાણી છે.’ આવા પરિવાર સાથે હાથણી ઉપર બેસીને બીજો કોઈ જવાને યોગ્ય નથી. તેથી ‘અવશ્ય રાજાનો કોઈ માણસ જાય છે’ એમ નક્કી કર્યું. તે મનુષ્ય કોઈક જગ્યાએ હાથણી ઉપરથી ઊતરીને શરીરની ચિંતા (લઘુ નીતિ) કરી. મૂત્ર જોઈને ‘રાણી છે’ એ પ્રમાણે નક્કી કર્યું. ઝાડ પર લાગેલા લાલ રંગના વસ્ત્રની દશીઓના ટુકડા દેખાવાથી ‘તેનો પતિ જીવતો છે' એમ નક્કી કર્યું. ભૂમિ ઉપર હાથ મૂકીને ઊભા થવાના આકારને જોઈને ‘ગભિર્ણી છે’ એમ નક્કી કર્યું. જમણો પગ ભારપૂર્વક મૂકવાના આકારને જોવાથી ‘નજીકમાં જન્મ આપનારી છે’ એમ નક્કી કર્યું. ઘરડી સ્ત્રીના પ્રશ્ન પછી ઘડો પડ્યો ત્યારે આ પ્રમાણે વિચાર કર્યો કે ‘આ ઘડો જેમાંથી ઉત્પન્ન થયેલો તેમાં જ ભળ્યો તેમ પુત્ર પણ માતાને મળશે.' તેથી આમ કહે છતે ગુરુએ વિચારીને કરનારાને આંખથી આનંદપૂર્વક જોયો અને તેની પ્રશંસા કરી. બીજા શિષ્યને કહ્યું - ‘તારો દોષ છે કે તું વિચાર નથી કરતો, મારો દોષ નથી. અમારી જવાબદારી તો માત્ર શાસ્ત્રના અર્થનો ઉપદેશ આપવાની છે, વિચાર કરવાની જવાબદારી તો તમારી છે.’ વિચારીને કરનારાની આ વૈનિયકી બુદ્ધિ. (૬૫)
‘રિસા’ એ પ્રમાણે અહીં ઉદાહરણ - કોઈક ચોરે રાત્રે વાણીયાના ઘરમાં કમળ આકારનું ખાતર પાડ્યું. પછી સવારે નહીં ઓળખાયેલો તે તે જ ઘરમાં આવીને લોકો પાસેથી પ્રશંસા સાંભળે છે. ત્યાં એક ખેડુત બોલ્યો - ‘શીખેલા માટે શું મુશ્કેલ છે ? જે કાર્યનો જે હંમેશા અભ્યાસ કરે છે તે પ્રકર્ષવાળા તે કાર્યને કરે છે. એમાં આશ્ચર્ય નથી.’ તેથી તે ચોર ગુસ્સાની આગમાં ફૂંક મારવા સમાન આ વાક્યને સાંભળીને ગુસ્સાથી બળ્યો. પછી તેણે કોઈક પુરુષને પૂછ્યું - ‘આ કોણ છે ? અથવા આ કોના સંબંધી છે ?’ તેને જાણીને એકવાર છુરી કાઢીને ખેતરમાં તેની પાસે ગયો - ‘અરે ! તને હમણા મારી નાંખું છું’