________________
४०८
ચાર પ્રકારની બુદ્ધિ આ કથાનકો નંદિસૂત્રની મલયગિરિસૂરિરચિત વૃત્તિમાં સંક્ષેપથી કહ્યા છે. તે આ પ્રમાણે –
કેટલાક દિવસ પછી રોહકની બુદ્ધિની પરીક્ષા કરવા માટે રાજાએ સામાન્યથી ગામના મુખ્ય માણસોને ઉદ્દેશીને હુકમ કર્યો – ‘તમારા ગામની બહાર ઘણી મોટી શિલા છે. તેને ઉપાડ્યા વિના રાજાને યોગ્ય મંડપ કરવો.” તેથી આ પ્રમાણે હુકમ થવા પર “રાજાનો હુકમ પાળવો અશક્ય છે' એમ વિચારીને આકુળ મનવાળું થયેલું આખું ય ગામ બહાર સભામાં ભેગું થયું. એકબીજાને પૂછવા લાગ્યા – “હવે શું કરવું? રાજાનો દુષ્ટ હુકમ આપણી ઉપર આવ્યો છે અને રાજાના હુકમનું પાલન નહીં કરીએ તો મોટી આફત આવશે.” આવી ચિંતાથી તેઓ વ્યાકુળ થયેલા હતા ત્યાં બપોર થઈ ગઈ. રોહક પિતાજી વિના જમતો ન હતો. પિતાજી ગામના મેળાવડામાં ગયેલા હતા. તેથી ભૂખ્યો થયેલો તે પિતા પાસે આવીને રડવા લાગ્યો – “હું ભૂખથી ખૂબ પીડાઉ છું. તેથી ભોજન માટે ઘરે આવો.” ભરતે કહ્યું – “વત્સ ! તું સુખી છે. ગામની કંઈ પણ ચિંતા તું જાણતો નથી.” તે બોલ્યો - “પિતાજી શું ચિંતા છે?” પછી ભારતે રાજાનો હુકમ વિસ્તારથી કહ્યો. તેથી પોતાની બુદ્ધિની પ્રૌઢતાને લીધે જલ્દીથી કાર્ય સાધી શકાય એવું છે એમ વિચારીને તેણે કહ્યું – “તમે આકુળ ન થાઓ. રાજાને ઉચિત મંડપ બનાવવા માટે શિલાની નીચે ખોદો અને યોગ્ય સ્થાને થાંભલા મૂકો અને લેપ વગેરે પ્રકાર વડે સુંદર દિવાલો તૈયાર કરો.” તેણે આમ કહે છતે ગામના બધા મુખ્ય પુરુષોએ “સારું” એમ કહી સ્વીકાર્યું. ગામના બધા ય લોકો જમવા માટે પોતપોતાના ઘરે ગયા. જમીને બધા શિલા હતી તે જગ્યાએ આવ્યા. ત્યાં કાર્ય શરૂ કર્યું. કેટલાક દિવસોમાં સંપૂર્ણ મંડપ બની ગયો. શિલાને તેનું આચ્છાદન (ઢાંકણુ) બનાવ્યું. રાજાના નિમેલા પુરુષોએ રાજાને જણાવ્યું – “દેવ ! ગામે રાજાના હુકમનું પાલન કર્યું છે.” રાજાએ કહ્યું – “કેવી રીતે ?' પછી તેમણે મંડપ બનાવવાના બધીય રીત કહી. રાજાએ પૂછ્યું - “આ કોની બુદ્ધિ હતી ?' તેમણે કહ્યું – દેવ ! ભારતના પુત્ર રોહકની.” આ રોહકની ઔત્પત્તિકી બુદ્ધિ. (૬૩)
કોઈક નગરમાં કોઈક સિદ્ધપુત્ર રહેતો હતો. તેના બે શિષ્યો નિમિત્તશાસ્ત્ર ભણ્યા. એક શિષ્ય બહુમાનપૂર્વક અને ગુરુના વિનયમાં તત્પર થઈને ગુરુ જે કંઈ પણ ઉપદેશ આપે છે તે બધુ “તહત્તિ કહીને સ્વીકારીને પોતાના મનમાં સતત વિચારે છે. વિચારતા જ્યાં ક્યાંય પણ સંદેહ થાય છે ત્યાં ફરી પણ વિનયથી ગુરુ પાસે આવીને પૂછે છે. આમ સતત વિચારણાપૂર્વક શાસ્ત્રના અર્થને ચિંતવતા એવા તેની બુદ્ધિ પ્રકૃષ્ટ બની. બીજો શિષ્ય આ ગુણો વિનાનો હતો. એકવાર તે બન્ને ગુરુની આજ્ઞાથી નજીકના કોઈક ગામમાં જવા માટે