________________
૨૯૪
પાંચ પ્રકારની ઇન્દ્રિયો વિસ્તારથી યુક્ત જાણવી. (૨૫૨, ૨૫૩, ૨૫૪ પૂર્વાર્ધ)
વિષયદ્વારનો અધિકાર કરીને કહે છે –
ગાથાર્થ - શ્રોત્ર બાર યોજન સુધી શબ્દને ગ્રહણ કરે છે, ચક્ષુ સાધિક લાખ યોજન સુધી રૂપને ગ્રહણ કરે છે, નાક, જીભ અને સ્પર્શન એ ત્રણ ઇંદ્રિયો નવ યોજન સુધી અનુક્રમે ગંધ-રસ-સ્પર્શને ગ્રહણ કરે છે. (૨૫૪ ઉત્તરાર્ધ, ૨૫૫)
ટીકાર્થ - શ્રોત્ર ઉત્કૃષ્ટથી બાર યોજન દૂરથી આવેલા મેઘગર્જના આદિના ધ્વનિને સ્વયં સાંભળે છે, બાર યોજનથી અધિક દૂરથી આવેલા ધ્વનિને ન સાંભળે. આંખ ઉત્કૃષ્ટથી સાધિક લાખ યોજન સુધી રહેલા રૂપને ગ્રહણ કરે છે. જેમણે એક લાખ યોજન જેટલું વૈક્રિયશરીર કર્યું છે તેવા વિષ્ણુકુમાર વગેરે પોતાના પગોની આગળ રહેલા ખાડા વગેરેને અને ખાડા વગેરેમાં રહેલા ઢેફા વગેરેને જુએ જ છે. આથી તેમની આંખનો વિષય સાધિક લાખ યોજન જાણવો.
બાકીની નાક, જીભ અને સ્પર્શન એ ત્રણ ઇંદ્રિયોમાં પ્રત્યેક ઇંદ્રિય ઉત્કૃષ્ટથી નવ યોજન દૂરથી આવેલા પોતાના વિષયને અનુક્રમે ગંધ, રસ અને સ્પર્શને ગ્રહણ કરે છે. તે આ પ્રમાણે – જેની પ્રાણેન્દ્રિયની શક્તિ તીવ્ર છે તે દેવ વગેરે કોઈક ઉત્કૃષ્ટથી નવ યોજનના આંતરે રહેલા કપૂર વગેરેના ગંધને અથવા પ્રથમવાર મેઘની વૃષ્ટિથી ભીની થયેલી સુગંધી માટીની ગંધને ગ્રહણ કરે છે અને તે જ દેવ વગેરે જ્યારે દૂર રહેલા પણ ગંધવાળા દ્રવ્યના કડવા, તીખા વગેરે સ્વાદનો નિશ્ચય કરતો જોવામાં આવે છે ત્યારે જણાય છે કે તેણે તે દ્રવ્યના રસપુગલો પણ ગ્રહણ કર્યા જ છે. કારણ કે કડવો વગેરે સ્વાદ ધ્રાણેન્દ્રિયનો વિષય નથી. આ પ્રમાણે રસનેન્દ્રિયનો પણ વિષય નવ યોજન છે એ સિદ્ધ થયું. તે જ દેવ વગેરે ઉત્કૃષ્ટથી નવ યોજન દૂરથી આવેલા શીતલપવન વગેરેને આ જલવાત (=પાણીયુક્ત પવન) છે, આ હિમવાત ( ઠંડો પવન) છે ઇત્યાદિ રીતે જાણે છે, નવ યોજનથી અધિક દૂર આવેલાને ન જાણે. (૨૫૪ ઉત્તરાર્ધ, ૨૫૫)
જઘન્યથી કેટલા દૂર રહેલા પોતાના વિષયને ઇન્દ્રિયો ગ્રહણ કરે છે તે કહે છે –
ગાથાર્થ - ચક્ષુ સિવાય ચાર ઇંદ્રિયો જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગે રહેલા સ્વવિષયને ગ્રહણ કરે છે. ચક્ષુ જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગે રહેલા રૂપને ગ્રહણ કરે છે. (૨૫૬).
ટીકાર્ય - અંગુલના અસંખ્યાતમા ભાગે રહેલી અતિ નજીકની વસ્તુને આંખ જોતી જ નથી. કારણ કે આંખમાં રહેલ અંજન, ચીપડા અને અંજન આંજવાની સળી વગેરે અતિનજીકની વસ્તુઓ આંખથી દેખાતી નથી. (૨૫૬)