________________
૨૬૩
સ્વાધ્યાયની વિધિ એટલે આચાર્યને વંદન કરવું. કાઉસ્સગ્ન એટલે વ્યાખ્યાન માટે ઊભા રહીને કાઉસ્સગ્ગ કરવો તે. જ્યેષ્ઠને વંદન - અહીં વ્યાખ્યાનમાં બોલનાર પણ જયેષ્ઠ હોય છે, પર્યાયથી નહીં. તેથી તેને જ વંદન કરે. ઉપયોગ એટલે નજીકનો યોગ, અહીં પ્રસ્તાવથી સૂત્રના અર્થના વ્યાખ્યાનને સાંભળવા સંબંધી સાચો ભાવ. આવા લિંગવાળો બોધ જ પરલોકના પક્ષપાતવાળો અને ભગવાન ઉપર બહુમાનવાળો હોય છે. કહ્યું છે - “અહીં ઉપર એટલે વિહિત ક્રિયા સંબંધી બધે સાચા ભાવરૂપ નજીકનો યોગ જાણવો. (૭૬)' (યોગશાસ્ત્ર) સંવેગ એટલે અહોભાવ અથવા તેને વ્યક્ત કરનાર રોમાંચ, ગદ્ગદ અવાજ વગેરે. કહ્યું છે - “જેમ જેમ નવા નવા શ્રુતનું અવગાહન કરે તેમ તેમ સંવેગ પામે.” વગેરેથી પ્રતિપ્રશ્ન વગેરેનું ગ્રહણ જાણવું. (૧૨/૧૦)'
ઉપદેશમાળામાં અને તેની વૃત્તિમાં સ્વાધ્યાયના ગુણો આ પ્રમાણે કહ્યા છે - હવે સ્વાધ્યાયદ્વારનું વર્ણન કરવાની ઇચ્છાવાળા ગ્રંથકાર સ્વાધ્યાયના ગુણોને કહે છે -
વાચના વગેરે સ્વાધ્યાય કરવાથી શુક્લધ્યાન થાય છે. સ્વાધ્યાય કરનારો બધા પરમાર્થને એટલે કે સંપૂર્ણ જગતના તત્ત્વને જાણે છે. સ્વાધ્યાયમાં રહેનારો ક્ષણે ક્ષણે વૈરાગ્ય પામે છે, કેમકે સ્વાધ્યાય એ રાગ વગેરે રૂપ વિષના મગ્ન સમાન છે. (૩૩૮).
શી રીતે બધા પરમાર્થને જાણે છે? એ કહે છે –
વાચના વગેરે સ્વાધ્યાયને જાણનારાને ઊર્ધ્વલોકમાં વૈમાનિક દેવલોકો અને સિદ્ધિ પ્રત્યક્ષ છે, અધોલોકમાં નરક પ્રત્યક્ષ છે અને તિસ્કૃલોકમાં જ્યોતિષ વિમાનો પ્રત્યક્ષ છે. અથવા આનાથી શું? સ્વાધ્યાયને જાણનારાને સંપૂર્ણ લોક અને અલોક પ્રત્યક્ષ છે એટલે કે તેના ઉપયોગવાળો તે બધા પદાર્થોને જાણે સાક્ષાત્ નજર સામે હોય તેમ જુવે છે. (૩૩૯)
વ્યતિરેકને કહે છે –
જે હંમેશા તપ અને સંયમમાં તત્પર હોવા છતાં પણ એટલે કે સદા અપ્રમાદી હોવા છતાં પણ સ્વાધ્યાય નથી કરતો તે કર્તવ્યોમાં શિથિલ અને સાતામાં લંપટ એવા તે પોતાના શિષ્યસમૂહ વગેરેને સાધુપદમાં સ્થાપતો નથી, કેમકે સ્વાધ્યાય વિના જ્ઞાન થતું નથી. કદાચ પોતે અપ્રમાદી હોય તો પણ બીજાની રક્ષા કરવી અશક્ય છે એવો કહેવાનો ભાવ છે. (૩૪૦)'
સંવેગ એટલે મોક્ષની અભિલાષા. મૂલશુદ્ધિપ્રકરણની વૃત્તિમાં કહ્યું છે – સંવેગ એટલે મોક્ષની અભિલાષા....(૧૦)'