________________
૨૫૨
પાંચ પ્રકારનો વ્યવહાર
‘પાંચ પ્રકારના વ્યવહારના સ્વરૂપને બતાવવા માટે કહે છે -
ગાથાર્થ - આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારનો વ્યવહાર છે. તેમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વ, દશપૂર્વ અને નવપૂર્વ એ પહેલો આગમ વ્યવહાર છે. (૩૫૭)
ટીકાર્થ - જેનાથી જીવાદિ પદાર્થોનો વ્યવહાર કરાય તે વ્યવહાર. અથવા મુમુક્ષુઓની પ્રવૃત્તિ અને નિવૃત્તિ એ વ્યવહાર છે. વ્યવહારનું કારણ હોવાથી (કારણમાં કાર્યના ઉપચારથી) વિશેષ પ્રકારનું જ્ઞાન પણ વ્યવહાર છે. તે વ્યવહાર પાંચ પ્રકારનો છે. તે આ પ્રમાણે - આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત.
(૧) આગમ - જેનાથી પદાર્થોનો નિર્ણય કરાય તે આગમ.
(૨) શ્રુત - સાંભળવું તે શ્રુત. અથવા જે સંભળાય તે શ્રુત. (૩) આજ્ઞા - આદેશ કરાય તે આજ્ઞા.
(૪) ધારણા - ધારી રાખવું તે ધારણા.
(૫) જીત - જે સર્વોત્કૃષ્ટતાથી વર્તે તે જીત.
પાંચ પ્રકારના વ્યવહારમાં કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદપૂર્વે, દશપૂર્વે અને નવપૂર્વે આ સઘળોય વ્યવહાર પહેલો આગમવ્યવહાર છે. (૩૫૭)
જો કેવલજ્ઞાનીનો યોગ થાય તો તેમની જ પાસે આલોચના કરવી. તેના અભાવમાં મન:પર્યવજ્ઞાનીની પાસે આલોચના કરવી. તેના પણ અભાવમાં અવધિજ્ઞાનીની પાસે ઇત્યાદિ ક્રમશઃ કહેવું.
પ્રસ્તુત શ્રુત વગેરે વ્યવહારનું નિરૂપણ કરવા માટે કહે છે –
ગાથાર્થ - શેષ નિશીથ વગેરે સઘળાય શ્રુતને શ્રુતવ્યવહાર કહેલ છે. જુદા જુદા સ્થાને રહેલાઓની ગૂઢપદોથી થતી આલોચના આશાવ્યવહાર છે. (૩૬૦)
ટીકાર્થ - નિશીથસૂત્ર, બૃહત્કલ્પસૂત્ર, વ્યવહારસૂત્ર, દશાશ્રુતસ્કન્ધ વગેરે સઘળું ય શ્રુત શ્રુતવ્યવહાર છે. ચૌદપૂર્વે વગેરે પણ શ્રુત હોવા છતાં અતીન્દ્રિય પદાર્થોમાં વિશિષ્ટજ્ઞાનના હેતુ છે, અર્થાત્ ચૌદપૂર્વે વગેરેથી અતીન્દ્રિય પદાર્થો વિશેષથી જાણી શકાય છે. આથી ચૌદપૂર્વે વગેરે અતિશયવાળા હોવાથી કેવલજ્ઞાન વગેરેની જેમ ચૌદપૂર્વે વગેરેને આગમ તરીકે જ કહેલ છે.