________________
પાંચ પ્રકારનું સમ્યક્ત્વ
૨૪૨
ઉદય અટકાવ્યો હોય તથા શુદ્ધપુંજની અપેક્ષાએ મિથ્યાત્વ સ્વભાવ દૂર કર્યો હોય તે ક્ષયોપશમ સમકિત કહેવાય છે.
પ્રશ્ન :- જો એમ હોય, તો અટકાવેલા ઉદયવાળા મિથ્યાત્વરૂપ અશુદ્ધપુંજ અને મિશ્રપુંજ, એ બેની અટકાવેલા ઉદયરૂપ ઉપશાન્તની જ અનુદીર્ણતા થવી ઘટે છે, પણ મિથ્યાત્વસ્વભાવ રહિત સમ્યક્ત્વમોહનીયરૂપ શુદ્ધપુંજની નથી ઘટતી, કેમકે તે શુદ્ધપુંજ તો વિપાકોદયવડે સાક્ષાત્ અનુભવાય છે અને તમે તો ‘ઉદયમાં નહીં આવેલું તે ઉપશાંત થાય છે' એમ કહીને બન્ને સ્વભાવવાળા (અશુદ્ધપુંજમિશ્રપુંજ અને શુદ્ધપુંજ) કર્મો ઉદયમાં નહીં આવેલા હોવાથી ઉપશાંત કહ્યા છે. તેનું શું કારણ ?
:
ઉત્તર ઃ- તારું કહેવું સત્ય છે, પરન્તુ મિથ્યાત્વ સ્વભાવ રહિત શુદ્ધપુંજનો પોતાના સ્વરૂપે (મિથ્યાત્વરૂપે) ઉદય નહિ થતો હોવાથી, તેને વિષે અનુદીર્ણતાનો ઉપચાર કર્યો છે. અથવા અશુદ્ધ અને મિશ્રપુજરૂપ એ બે મિથ્યાત્વનું જ અનુદીર્ણપણું સમજવું, પણ શુદ્ધપુંજરૂપ સમ્યક્ત્વમોહનીયનું નહિ, કેમકે તે તો મિથ્યાત્વસ્વભાવ રહિત હોવાથી ઉપશાંત જ છે. ઉદયમાં આવેલા મિથ્યાત્વનો ક્ષય થયો છે અને શેષ રહેલ જે અશુદ્ધ તથા મિશ્રપુંજ લક્ષણવાળું મિથ્યાત્વ તેનો અનુદય હોવાથી તે ઉપશાંત છે અને શુદ્ધપુજરૂપ મિથ્યાત્વ દૂર કરેલા મિથ્યાત્વ સ્વભાવવાળું હોવાથી ઉપશાંત થયેલું છે. આમ સર્વ સારી રીતે રહેલ છે.
એ રીતે ઉદય પામેલ મિથ્યાત્વનો ક્ષય, અને નહિ ઉદય પામેલ મિથ્યાત્વનો ઉપશમ. એ ઉભય સ્વભાવનો મિથ્યાત્વ પુદ્ગલરૂપ ધર્મીમાં જે મિશ્રભાવપણે પરિણામ તેને પામેલ ત્રુટિતરસવાળો અનુભવાતું જે શુદ્ધપુંજરૂપ મિથ્યાત્વ પણ ક્ષય અને ઉપશમ વડે થયેલ હોવાથી, તેને ક્ષાયોપશમિકસમ્યક્ત્વ કહેવાય છે. શોધેલા મિથ્યાત્વના પુદ્ગલો, અત્યંત સ્વચ્છ વસ્રની જેમ યથાવસ્થિતતત્ત્વરૂચિ અધ્યવસાયરૂપ સમ્યક્ત્વને આવરણ કરનાર થતા નથી, એટલા માટે ઉપચારથી સમ્યક્ત્વ કહેવાય છે.
પ્રશ્ન :- ઉદય પામેલા મિથ્યાત્વનો ક્ષય અને નહિ ઉદય પામેલાનો ઉપશમ, તેને તમે અહીં ક્ષયોપશમ સમકિત કહ્યું છે અને પૂર્વે ઉપશમસમકિત પણ એજ પ્રમાણે કહ્યું છે, તો પછી એ બેમાં તફાવત શો ?
ઉત્તર :- ક્ષયોપશમસમકિતમાં સમ્યક્ત્વમોહનીયરૂપ શુદ્ધપુંજના પુદ્ગલો વેદાય છે, અનુભવાય છે અને ઉપશમસમકિતમાં તેમ નથી. વળી ઉપશમસમિતમાં પ્રદેશોદયથી પણ મિથ્યાત્વ નથી અનુભવાતું અને ક્ષયોપશમસમકિતમાં તો મિથ્યાત્વ પ્રદેશોદયથી અનુભવાય છે. એટલે બેમાં ઘણો તફાવત છે. (૫૩૨)'
(સટીક વિશેષાવશ્યકભાષ્યના શાહ ચુનીલાલ હકમચંદ કૃત ભાવાનુવાદમાંથી સાભાર)