________________
૨૦૪
ચાર પ્રકારનું ધર્મધ્યાન કરતાં જેમ છે તેમ નિરાકાર સ્થિતિમાં સ્થિરતા પામશે, અર્થાત વધારે સ્પષ્ટ કહીએ તો મનને કોઈ પણ આકાર ધારણ કર્યા વિનાની સ્થિતિમાં ધારણ કરી શુદ્ધ આત્માના લક્ષ તરફ નિર્વિચાર કે નિરાકાર સ્થિતિનો પ્રવાહ વહેવરાવવો તે રૂપાતીત ધ્યાન છે.
અથવા સિદ્ધ પરમાત્માના ગુણગ્રામમાં, તેમના આત્મસ્વરૂપના વિચારમાં, આઠ કર્મ જવાથી ઉત્પન્ન થયેલા આઠ ગુણમાં-વિચારોમાં મનને આનંદિત કરવું-લન કરવું, તે રૂપાતીત ધ્યાન છે. પહેલા કરતાં આ ધ્યાનનો પ્રકાર સહેલો છે, તેમ જ ગુણપ્રાપ્તિમાં હલકો પણ છે.
અથવા પોતાની અંદર તે સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ પ્રગટ કરવા માટે પોતાના આત્મા વડે પોતાના આત્માને સિદ્ધ સ્વરૂપમાં જોડી દેવો. સિદ્ધનું જ સ્વરૂપ છે જે સ્થિતિ છે તે જોઈને પોતાની સ્થિતિ તેવી કરી દેવી. પોતે પોતા વડે પોતામાં તેનું સ્વરૂપ અનુભવવું તેવી રીતે સ્થિર થવું, આ રૂપાતીત ધ્યાન છે. શબ્દોમાં ફેર છે, બાકી પહેલી અને ત્રીજી વાત એક છે. આ પ્રમાણે સિદ્ધ પરમાત્મા-અરૂપીનું ધ્યાન કરી શકાય છે. (૧૭૧).
ગાથાર્થ - તે સ્વરૂપનું અવલંબન લઈને એ પ્રમાણે નિરંતર સ્મરણ કરનાર-ધ્યાન કરનાર યોગી ગ્રાહ્ય-ગ્રાહક વિનાનું તન્મયપણું પામે છે. (૧૭૨)
ભાવાર્થ - નિરંજન પરમાત્મા સિદ્ધ સ્વરૂપનું અવલંબન લઈ નિરંતર લાંબા વખત સુધી સ્મરણ કરતાં તે સિદ્ધના સ્વરૂપમાં આત્માને મગ્ન કરતાં અથવા આત્મામાં સિદ્ધ સ્વરૂપને અનુભવતાં તદાકાર સ્થિતિ થઈ જાય છે. આ સ્થિતિમાં ગ્રાહ્ય-ગ્રહણ કરવા લાયક અને ગ્રહણ કરનાર આવો ભેદ રહેતો નથી, પણ તે સ્મરણ કે ધ્યાનના વખતમાં એકરસતદાકાર-તન્મયપણે યોગીને પ્રાપ્ત થાય છે. (૧૭૨) તન્મય થવાનું કારણ બતાવે છે.
ગાથાર્થ - પૂર્ણ શુદ્ધ સ્વરૂપ આત્મા સિવાય બીજું કોઈ શરણ આલંબન જેને રહેલ નથી તેવો (નિરાલંબન થયેલો) યોગી તે સિદ્ધ સ્વરૂપમાં તેવી રીતે લીન થાય છે કે ધ્યાતા અને ધ્યાન બન્નેના અભાવે ધ્યેયની સાથે એકભાવને પામે છે. (૧૭૩)
ભાવાર્થ - જ્યારે તે સિદ્ધસ્વરૂપના ધ્યાનમાં યોગી મગ્ન થાય છે-એકરૂપ થાય છે-ગ્રહણ કરનાર અને ગ્રહણ કરવા લાયક આવા ભેદો પણ લય પામી જાય છે-ધ્યાન કરનાર ને ધ્યાની એ બન્નેનો અભાવ થઈ જાય છે ત્યારે તે તદ્દન નિરાલંબન થઈ જાય છે. લીધેલું આલંબન અને “હું ધ્યાન કરનાર” આવી વૃત્તિઓનો પણ વિલય થઈ જાય છે-આત્મામાં લય થઈ જાય છે, ત્યારે તે ધ્યાન કરનાર આત્મા-યોગી પોતાનું ધ્યેય જે સિદ્ધ પરમાત્મા તેની સાથે એકભાવ પામી જાય છે. તેનાથી કોઈ પણ રીતે જુદો પડી શકતો નથી અથવા ધ્યાતા