________________
૨૦૨
ચાર પ્રકારનું ધર્મધ્યાન
તેને લઈને તે ધ્યાન ન કરી શકે તેને માટે તીર્થંકર દેવની પ્રતિમાજીનું ધ્યાન કરવા માટે કહે
છે -
ગાથાર્થ - જિનેશ્વર ભગવાનની પ્રતિમાના રૂપનું પણ, નિર્મળ મનની ખુલ્લી દૃષ્ટિ વડે ધ્યાન કરતાં રૂપસ્થ ધ્યાનવાન થાય છે. (૧૬૨)
ભાવાર્થ - જિનેશ્વર ભગવાનની પ્રતિમાની સન્મુખ આંખો મીંચાવા દીધા સિવાયની ખુલ્લી દૃષ્ટિ વડે જોયા કરવું. તે એટલે સુધી કે પોતાનું ભાન ભુલાઈ જાય અને એકાકાર તન્મય થઈ જવાય ત્યાં સુધી જોયા કરવું. તે સાથે આંતરદૃષ્ટિ પ્રતિમાજી ઉ૫૨ નહિ પણ આ પ્રતિમાજી જે તીર્થંકરદેવની છે તેના આત્મા સાથે તન્મય પામતા જવું કારણ કે આપણે પ્રતિમાજી જેવા થવું નથી પણ જે દેવની પ્રતિમાજી છે તે તીર્થંકરદેવના આત્માના જેવા પવિત્ર પૂર્ણ સ્વરૂપવાળા થવાનું છે એટલે જે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા છે તેમના આત્મા સાથે આંતરદૃષ્ટિથી એકતા પામતા જવું પોતાનું (મનુષ્યપણાદિનું) તુચ્છ સ્વરૂપ ભૂલી જઈ પરમાત્માના પૂર્ણ સ્વરૂપમાં એકાકારતા પામવી, પરમાત્મસ્વરૂપ સાથે એકરસ થવું, અર્થાત્ પોતામાં રહેલા પરમાત્મસ્વરૂપમાં વિશ્રાંતિ પામવી-આ રૂપસ્થ ધ્યાન છે. પરમાત્માના સ્વરૂપ સાથે એકાગ્રતા મેળવવી એ ખરી રીતે પોતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશ કરવો કે આત્મસ્વરૂપ પ્રગટ કરવું અથવા સર્વ કર્મનો નાશ સાધવો તે કરવા બરોબર છે. આલંબનો તો સાધનરૂપ છે. તે આલંબનો પકડીને બેસી રહેવું તે કર્તવ્ય નથી પણ આલંબનોની મદદથી કાર્ય કરવું. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેટલે અંશે પ્રગટ થાય તે રૂપ કાર્ય કરવાનું છે. આ વાત ધ્યાન કરનારના લક્ષ બહાર જરા પણ જવી ન જોઈએ. (૧૬૨)
ગાથાર્થ - લોકના અગ્રભાગ ઉપર રહેલા અમૂર્ત, ક્લેશરહિત, ચિદાનંદમય, સિદ્ધ અને અનંત આનંદને પ્રાપ્ત થયેલા પરમાત્માનું સ્મરણ કરવું તે રૂપાતીત ધ્યાન છે. (૧૬૯)
ભાવાર્થ - લોક શબ્દ વડે ચૌદ રાજલોક. તેના ઉપરના ભાગ ઉપર રહેલા, તેના વ્યવહારને ઓળંગી ગયેલા પરમાત્માનું ધ્યાન કરવું. અથવા લોક શબ્દ વડે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, પુદ્ગલ અને કર્માધીન જીવો આ સર્વની પર આવેલા સ્થાન ઉપર અથવા સ્થાનમાં રહેલા પરમાત્મા-તેનું ધ્યાન કરવું. આ સ્થાન સર્વથી પર આવેલું છે તેનું કારણ એ છે કે આ સર્વને તે ૫રમાત્મા જાણી શકે છે, પણ સર્વ તે પરમાત્માને જાણી શકતા નથી. બીજા અર્થમાં કહીએ તો આ ચૌદ રાજલોકના ઉપરના ભાગમાં સિદ્ધના જીવો રહે છે. તેઓ અમૂર્ત છે. તેમાં આ પ્રત્યક્ષ પુદ્ગલોમાં દેખાતું કોઈ પણ જાતનું રૂપ નથી. તેમને જન્મમરણાદિ કોઈ પણ પ્રકારનો ક્લેશ નથી. તેઓ જ્ઞાન અને અનંદમય છે અથવા જ્ઞાન એ જ આનંદ તેમને છે. તેઓ શુદ્ધસ્વરૂપ થયેલા હોવાથી સિદ્ધ છે. હવે કાંઈ પણ કર્તવ્ય તેમને બાકી રહેતું નથી અને અનંત આનંદમાં લીન થયેલા છે. તેમના એ સ્વરૂપાનંદનો પાર