________________
૨૦૦
ચાર પ્રકારનું ધર્મધ્યાન ઉપર લક્ષ રાખી તે વ્યંજનનો ઝાંખો પણ દેખાવ થાય કે બીજી પાંખડીના બીજા વ્યંજન તરફ લક્ષ આપવું, ત્યાં તે વ્યંજનનો દેખાવ થાય કે ત્રીજી પાંખડીના ત્રીજા વ્યંજન તરફ ધ્યાન આપવું. આ પ્રમાણે પચીસે વ્યંજનનું ધ્યાન કરવું.
ત્યાર પછી મુખ ઉપર આઠ પાંખડીનું કમળ ચિંતવવું અને તેમાં બાકી રહેલ આઠ વ્યંજન ગોઠવવા અને તે સોળ પાંખડીવાળા કમળની માફક એક એક પાંખડી ઉપર ફર્યા કરે છે તેમ ચિંતવી જોયા કરવું.
આ પ્રમાણે અક્ષરોનું ધ્યાન કરવું તે માતૃકા ધ્યાન છે. આ ધ્યાનથી જ્ઞાનાવરણ ઓછું થાય છે. શ્રુતજ્ઞાનનો તે પારગામી થાય છે અને બીજું પણ ભૂત-ભવિષ્યાદિનું જ્ઞાન થાય છે.
આ સર્વ જુદા જુદા પ્રકારો બતાવ્યા છે તે સર્વ પદસ્થ ધ્યાનના ભેદો છે. આ સિવાય અનેક પ્રકારે આવી રીતે જુદાં જુદાં પદો કે મંત્રો લઈને આ ધ્યાન કરી શકાય છે. આમાંથી કોઈ પણ એક મંત્ર કે પદ લઈ તેનું લાંબા વખત સુધી ધ્યાન કરવું જોઈએ. આ સારું હશે કે તે સારું હશે ! આવા વિચારોથી થોડો વખત આ કર્યું તેમાં હજી પરિપક્વતા ન થઈ હોય તેટલામાં તેને પડતું મૂકી બીજું પદ કે મંત્ર લેવો. એમ વારંવાર બદલાવવાથી એકે પાકું કે સિદ્ધ થતું નથી. માટે કોઈ એક ગમે તે પદ કે મંત્ર લો પણ તેનો પાર પામો. કોઈ પણ પદ કે મંત્ર હો તથાપિ તમારું લક્ષ તે પ્રત્યે એટલા પૂરતું હોવું જોઈએ કે આ પદ કે મંત્રના જાપ કે ધ્યાનથી વિશુદ્ધિ મેળવવી છે, મનને એકાગ્ર અને નિશ્ચલ કરવું છે, તે વાત ધ્યાનમાં રાખી પછી અભ્યાસ શરૂ કરશો તો પછી ક્યા પદનું ધ્યાન કે જાપ કરવો તે સંબંધી જરા પણ જુદા વિચારો રહેશે નહિ. આ સર્વ પદ કે મંત્રમાં જે શક્તિ છે તે શક્તિ તમારા ખંત કે પ્રયત્ન ઉપર અથવા સચોટ લાગણી ઉપર આધાર રાખે છે. તે નહિ હોય તો કોઈ ગમે તેવું સારું પદ કે મંત્ર હશે છતાં પણ તમે તેનાથી ફાયદો મેળવી શકશો નહિ. આ તો આલંબનો છે. શક્તિ તો તમારામાં જ છે. આલંબનમાંથી તે પ્રગટ કરવાની નથી. તે તો તમારામાંથી જ પ્રગટ થશે. આલંબન તો નિમિત્તમાત્ર છે, માટે તમારામાં તેવી મહાન શક્તિની શ્રદ્ધા રાખી, આલંબનનો આધાર લઈ તેમાં એકાગ્રતા મેળવો કે પછી પાછળનો રસ્તો તમારા માટે ઘણો જ સહેલો છે.
આગમના પદોનું આલંબન લઈ તેનું ધ્યાન કરવું-જપ કરવો તે પણ પોતાના સ્વરૂપની થયેલી વિસ્મૃતિની જાગૃતિ લાવવી તે માટે જ છે.
અપ્પા સો પરમપ્પા । આત્મા જ પરમાત્મા છે. આ જીવ જ પરમાત્મા થઈ શકે છે. ‘સોહૈં’ હું તે જ સિદ્ધસ્વરૂપ પરમાત્મા છું. આ સર્વ આગમપદોનું વિચારપૂર્વક મનન કરવું. તેવા સ્વરૂપે પરિણમવા માટે અન્ય વિચારોને દૂર રાખી આ જ વિચારને મુખ્ય રાખવો.