________________
ચાર પ્રકારનું ધર્મધ્યાન
૧૯૫ ચિંતવન કરવું. આ વરુણપુર અર્ધ ચંદ્ર સમાન સુંદર ચળકતું છે અને તેની ઉપર વરુણ બીજ (વ)નું ચિહ્ન છે, એમ ચિંતવવું. ત્યાર પછી આ વરુણમંડલમાંથી અમૃતનો વરસાદ વરસતો ચિંતવવો અને તેથી આખું આકાશ પલળી જાય છે એમ ચિંતવવું. તે સાથે પ્રથમ શરીરની ભસ્મ જે આકાશમાં ઉડાડી નાંખી હતી તેથી મલિન થયેલું આકાશ આ અમૃતના પાણીથી સાફ ધોઈ નાંખવું અને તેથી નિર્મળ શુદ્ધ આકાશ થઈ જાય છે, એમ ચિંતવન કરવું તે વારુણી (પાણીની) ધારણા છે. (૧૫૦-૧૫૧) તત્ત્વ સ્વરૂપ ધારણા
ગાથાર્થ - ત્યાર પછી સાત ધાતુ વિનાના, પૂર્ણચંદ્ર સમાન નિર્મળ કાંતિવાળા, સર્વજ્ઞ સરખા પોતાના આત્માને શુદ્ધ બુદ્ધિવાળા ધ્યાતાએ ચિંતવવો. ત્યાર પછી સિંહાસન પર બેઠેલા, સર્વ અતિશયથી દેદીપ્યમાન સર્વ કર્મનો નાશ કરનાર, માંગલિક મહિમાવાળા, નિરાકાર આત્માને પોતાના શરીરની અંદર ચિંતવવો તે તત્ત્વ સ્વરૂપ ધારણા છે. આ પ્રમાણે પિંડસ્થ ધ્યાનમાં સતત અભ્યાસવાળો યોગી મોક્ષસુખ પામે છે. (૧૫ર-૧૫૪)
ભાવાર્થ - વારુણી ધારણા સિદ્ધ થયા બાદ શુદ્ધ બુદ્ધિવાળા ધ્યાતા યોગીએ, સાત ધાતુ વિનાના સ્વરૂપવાળો એટલે લોહી, માંસ, હાડ, ચામ આદિ શરીરની અંદર રહેલી ધાતુ સિવાયના સ્વરૂપવાળા અને પૂર્ણ ચંદ્ર સમાન નિર્મળ કાંતિને ધારણ કરનારા પોતાના આત્માને સર્વજ્ઞના સરખો ચિંતવવો. એટલે જે સર્વજ્ઞ તે જ હું છું, મારામાં અને સર્વજ્ઞમાં જરા પણ તફાવત નથી. આ વિચાર મનની કલ્પનામાત્ર જ નહિ કે બોલવા માત્ર જ નહિ, પણ જાણે સાક્ષાત્ સર્વજ્ઞપણાનો અનુભવ કરતા હોઈએ તેમ, બીજું બધું ભાન ભૂલી જઈ, હું સર્વજ્ઞ જ છું, આ જ ભાન જાગ્રત રહે તેવી રીતે પોતાના આત્માને સર્વજ્ઞ સ્વરૂપ ચિંતવવો.
જેવી રીતે આ દેહનું અમુક નામ રાખવામાં આવ્યું છે, તે નામવાળો કે નામધારી હું જ છું, એમ તમે માનો છો અને સૂઈ ગયા હો તે વખતે તમારું નામ લઈ કોઈ બોલાવે તો ઊંઘમાંથી ઊઠતાંવેંત જ તે નામધારી તમે જ, “હે, શું કહો છો?' તેવો જવાબ આપો છો અને બીજા જાગતા કે ઊંઘતા તે નામથી જવાબ આપતા નથી. આ જેવો અભ્યાસ થઈ ગયો છે, તમારું મન તે નામ પ્રમાણે પોતાને જ માને છે, આવી રીતે જો તમારું મન એમ માને કે, હું જ સર્વજ્ઞ છું, તેમાં આરોપ-બારોપ કાંઈ જ નહિ. જેમ તમારું નામ લઈ કોઈએ બોલાવતાં જ જરા પણ ખચકાયા સિવાય તમે જવાબ આપો છો તેવી જ રીતે તમારું મન તમને પોતાને સર્વજ્ઞ માને તો પછી ત્યાં સર્વજ્ઞપણું પૂર્ણ રીતે પ્રગટ થાય છે અને વાત પણ ખરી છે કે તેવી સ્થિતિ કે નિર્મળતાની દશા પ્રગટ થઈ હોય તો જ મન કબૂલ કરે કે, હું સર્વજ્ઞ છું!' નહિતર મન એમ જ માનવાનું કે હું તો અમુક છું, આ તો ધ્યાન કરું છું, એટલે તેટલો વખત એમ