________________
ચાર પ્રકારનું ધર્મધ્યાન
૧૮૯
પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત, આ ચાર પ્રકારનાં ધ્યેય, એટલે ધ્યાન કરવા લાયક આલંબનો છે. પિંડમાં રહે તે પિંડસ્થ. પિંડ એટલે શરીર અને તેમાં રહેનાર આત્મા તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે. શરીરનાં અમુક અમુક ભાગોમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે આકારે સ્વેચ્છાથી જાગૃતિપૂર્વક પરિણમાવવું અથવા આત્મઉપયોગને તે તે પ્રકારે પરિણમાવવો તે પિંડસ્થ ધ્યાન છે. આંતરમન અને આત્મઉપયોગ એ કોઈ પણ રીતે જુદાં સંભવતાં નથી. દ્રવ્ય મન જેવા જેવા આકારો ધારણ કરે છે આત્મઉપયોગ તેવા તેવા આકારે પરિણમે છે. ખરી રીતે આત્મસ્વરૂપે (કોઈ પણ પ્રકારના વિકારી આકાર વિના) આત્મઉપયોગને સ્થિર કરવો, તે આત્મસ્વરૂપ છે. આવી સ્થિતિ અનાદિકાલના અભ્યાસને લીધે એકદમ ન થાય તે માટે આ બધી જુદી જુદી કલ્પનાઓ છે, તે તે કલ્પના પ્રમાણે સ્વેચ્છાનુસાર પરિણમાવવાની ટેવ પાડ્યા પછી મૂળ સ્થિર સ્વરૂપે સ્થિર રહેવાનું સુગમ પડે માટે આ કલ્પનાઓ કરવી પડે છે જેમ બાણાવળી કે ગોળીબાર કરનાર બાણ કે ગોળીથી લક્ષ ભેદ કરવાની ટેવ પાડવા માટે પ્રથમ ગમે તે સ્થૂળ વસ્તુ લક્ષ તરીકે રાખી તેને વીંધવાની ટેવ પાડે છે. આ પ્રથમની લક્ષ વીંધવાની ટેવ તે કાંઈ સાચો શત્રુ નથી, પણ અભ્યાસ છે. આ અભ્યાસમાં વિજય મેળવ્યા પછી જ તે બાણ કે ગોળીથી સાચા શત્રુને વીંધી કે ભેદી નાખે છે. આ જ પ્રમાણે આ મનોકલ્પિત ધ્યેય સંબંધે સમજવું. રૂપાતીત ધ્યાન છે તે આત્મધ્યાન છે. તેમાં પહોંચવા માટે પ્રથમ રૂપવાળાં-સ્થૂળ ધ્યાન કરવાં તે ઉપયોગી છે. સ્થૂલ સિદ્ધ કર્યા વગર સૂક્ષ્મ-નિરાકાર રૂપાતીત-આત્મસ્વરૂપનું ધ્યાન થઈ શકે જ નહિ. આટલી પ્રસ્તુત ઉપયોગી વાત જણાવી હવે મૂળ પ્રસંગ ઉપર આવીએ. પદસ્થ ધ્યાનમાં કેટલાએક પવિત્ર પદોનું ધ્યાન કરવાનું છે. પવિત્ર મંત્રો એટલે પરમાત્માના નામ સાથે સંબંધ ધરાવનાર મંત્રો. તેમનું ધ્યાન કરવું તે ધ્યાનને પદસ્થ કહેવામાં આવ્યું છે.
સ્થૂળ રૂપવાળાં અને સમોવસરણમાં રહેલા સાક્ષાત્ સજીવનમૂર્તિ તીર્થંકરોનાં શરીરો કે તેમની ધાતુ-પાષાણાદિની મૂર્તિઓ, તેઓને ધ્યેય તરીકે રાખી, મનની તેમાં એકાગ્રતા કરવી તે રૂપસ્થ ધ્યાન છે અને જેમાં કોઈ પણ પ્રકારનાં સ્થૂળ રૂપાદિ લક્ષણો નથી એવા આત્માના શુદ્ધ સ્વરૂપનું લક્ષ લઈ તેમાં મનોવૃત્તિના અખંડ પ્રવાહને ગાળી દઈ આત્મસ્વરૂપ અનુભવવું તે રૂપાતીત ધ્યાન છે. (૧૩૫)
હવે તે પિંડસ્થાદિ ધ્યાનનું સ્વરૂપ અનુક્રમે બતાવે છે.
પિંડસ્થ ધ્યેયની પાંચ ધારણા
ગાથાર્થ - પાર્થિવી, આગ્નેયી, મારુતી, વારુણી અને તત્ત્વભૂ-પિંડસ્થ ધ્યેયની આ પાંચ ધારણા જાણવી. (૧૩૬)