________________
ચાર પ્રકારની કથા
૧૬૧ ભેગા કરેલા કર્મો ઈહલોકમાં જ દુઃખનાં વિપાકવાળા થાય છે. દા.ત. ચોરો અને પરસ્ત્રીલંપટોને ચોરી અને વ્યભિચારનું ફળ ફાંસી વગેરે આ જ ભવમાં મળે છે. આ પહેલી નિર્વેદનીકથા થઈ.
હવે બીજી કથા કહે છે.
ઈહલોકમાં પાપ કરીને ભેગા કરેલા કર્મો પરલોકમાં દુઃખવિપાકવાળા બને, એ શી રીતે? એનો ઉત્તર આપે છે કે જેમ નારકજીવોએ અન્યભવમાં કરેલું કર્મ નારકભવમાં ફળ આપે છે. અનારકજીવો જ્યારે મનુષ્ય હતાં, ત્યારે આરંભ-પરિગ્રહાદિ કરીને નરકાયુષ્ય બાંધેલું. અહીં શાસ્ત્રકારભગવંત બોલે છે એટલે ઈહલોક તરીકે મનુષ્યભવ સમજવો. નરક એ પરભવ કહેવાય.) આ બીજી નિર્વેદની કથા પૂર્ણ થઈ.
હવે ત્રીજી કહે છે. પરલોકમાં પાપ કરીને ભેગા કરેલા કર્મો આલોકમાં દુઃખ વિપાકવાળા બને છે. આ શી રીતે ? તે કહે છે કે હલકા કુળોમાં ઉત્પન્ન થયેલા બાળપણથી જ માંડીને ક્ષય, કોઢ વગેરે રોગોથી અને ગરીબાઈથી પરેશાન થયેલા દેખાય છે. આ ત્રીજી નિર્વેદની કથા ગઈ. (તિર્યંચાદિભાવોમાં જીવોએ પાપો કરેલા હોય, એનું ફળ આ મનુષ્યભવમાં મળે છે. એટલે આ રીતે આ ત્રીજી કથા સંગત થાય છે.)
હવે ચોથી નિર્વેદની કથા કહે છે. પરલોકમાં પાપ કરીને ભેગા કરેલા કર્મો પરલોકમાં જ દુઃખવિપાકવાળા બને છે. એ શી રીતે? તે કહે છે કે જેમ પૂર્વે ખરાબ કામોથી એકઠા કરેલા કર્મો દ્વારા જીવ સાણસીનાં જેવા મોઢાવાળા પક્ષીઓમાં ઉત્પન્ન થાય છે. પછી તેઓ અસંપૂર્ણ એવા નરકપ્રાયોગ્ય કર્મોને તે પક્ષી જાતિમાં પૂર્ણ કરે છે. પૂરીને નરકભવમાં તેને ભોગવે છે. આ ચોથી નિર્વેદની કથા પૂર્ણ થઈ. (દવનાં ભવમાં ખૂબ પાપ કરે તો પણ નરકમાં જઈ શકાય એટલા પાપ ન કરી શકે, એટલે એ પક્ષી થાય, ત્યાં નરકમાં જવા માટે જે કર્મો ખુટતા હતાં, એ કર્મો ભેગા કરીને નારકમાં જતાં રહે. આમાં દેવ, તિર્યંચ ભવરૂપી પરભવમાં ભેગા કરેલા કર્મો નારકભવરૂપી પરભવમાં અનુભવે છે...મનુષ્યભવ સિવાય બધા જ પરભવ છે...એ દષ્ટિએ આ પદાર્થ સમજવો...)
આ પ્રમાણે ઈહલોક કે પરલોક પ્રજ્ઞાપક = વક્તાને આશ્રયીને થાય છે. તેમાં પ્રજ્ઞાપક શાસ્ત્રકાર છે, એટલે એમને માટે મનુષ્યભવ ઈહલોક છે, બાકીની ત્રણેય ગતિઓ પરલોક છે. (જો આ બધી વાતો દેવ કરતો હોય તો એ દેવભવને ઈહલોક ગણશે, બાકીની ત્રણગતિ પરલોક બનશે...) (૨૦૧).
હવે આ નિર્વેદનીના જ રસને કહે છે.