________________
૧૫૫
૧૫૫
ચાર પ્રકારની કથા
વિક્ષેપણીકથા ચાર પ્રકારની કહેવાયેલી છે. તે આ પ્રમાણે - (૧) સ્વસમયને કહીને પરસમયને કહે. (૨) પરસમયને કહીને સ્વસમયને કહે. (૩) મિથ્યાવાદને કહીને સમ્યગ્વાદને કહે. (૪) સમ્યગ્વાદને કહીને મિથ્યાવાદને કહે. એનો ભાવાર્થ એ છે કે
(૧) પહેલા સ્વસમયને કહીને પરસમયને કહે. પોતાના શાસ્ત્રનાં ગુણોને પ્રગટ કરે અને પરશાસ્ત્રનાં દોષોને પ્રગટ કરે. આ પહેલી વિક્ષેપણીકથા છે.
(૨) હવે બીજી કહે છે. પહેલાં પરસમયને કહીને તેના જ દોષો દેખાડે, પછી સ્વશાસ્ત્રને કહે અને તેના ગુણો દેખાડે. આ બીજી વિક્ષેપણીકથા છે.
(૩) હવે ત્રીજી કહે છે - પરસમયને કહીને તે જ પરસમયમાં જે પદાર્થો એવા હોય છે જિનેશ્વરોએ કહેલા પદાર્થોની સાથે વિરોધવાળા હોય, ખોટાં જ કલ્પેલા હોય, તે પદાર્થોને પહેલાં કહે, પછી તેના દોષો પણ દર્શાવે, પછી જે પદાર્થો જિનેશ્વરે કહેલા ભાવોની સાથે સરખા હોય, ઘુણાક્ષરની જેમ કોઈપણ રીતે સારા કહેવાઈ ગયા હોય, તેને કહે. (લાકડામાં ઉત્પન્ન થતાં એક પ્રકારનાં જીવો ઘુણ કહેવાય છે. તેઓ લાકડાને અંદરથી ખાઈ જાય, ત્યારે ઘણીવાર ક, ખ, ગ...વગેરે અક્ષરોનાં આકાર પડી જાય. હવે ઘુણને કંઈ એવો ખ્યાલ નથી કે હું ક કોતરું, પણ છતાં એની મેળે એ ક કોતરાઈ જાય છે. એમ જૈનેતરોએ જે કંઈ સારા પદાર્થો કહ્યા છે, એ એમના અંદરના સારા ભાવોમાંથી પ્રગટેલા નથી, પણ બીજા પાસેથી સાંભળવાદિ દ્વારા જે પદાર્થો તેઓએ જાણ્યા એ જ પદાર્થો તેઓ પ્રરૂપી દે છે...)
અથવા તો મિથ્યાવાદ એટલે નાસ્તિકતા અને સમ્યગ્વાદ એટલે આસ્તિકતા કહેવાય. તેમાં પહેલાં નાસ્તિકવાદીઓની માન્યતાઓને કહી પછી અસ્તિત્વપક્ષવાદીઓની માન્યતા કહે. આ ત્રીજી વિક્ષેપણી કથા છે.
હવે ચોથી વિક્ષેપણીકથા કહે છે. તે પણ ઉપર પ્રમાણે જ છે પરંતુ એટલો ફરક કે પહેલા ઘુણાક્ષરતુલ્ય સારા ભાવોને કહે અને પછી ખરાબ ભાવોને કહે. (ઉપર ત્રીજી કથા બે રીતે બતાવી છે એમાં પહેલા પ્રકારમાં ક્રમ બદલી કરીને આ ચોથી દર્શાવી છે. બીજા પ્રકારને અહીં લીધો નથી. સમજી લેવો.) આ રીતે શ્રોતાને વિક્ષેપવાળો કરે. (વિક્ષેપવાળો કરવો એટલે એનું મન એક સ્થાનેથી ઉઠાડી દઈ અન્યસ્થાને લગાડી દેવું...) (૧૯૬).