________________
ગુરુનું માહાત્મ્ય
૯૧
(૪) વિવેકયોગ્ય - સંયમચુસ્ત સાધુએ ઉપયોગ પૂર્વક વહોરેલા આહાર વગેરેનો પછીથી અશુદ્ધ છે એમ ખ્યાલ આવતાં ત્યાગ કરવો.
(૫) વ્યુત્સર્ગ (કાઉસ્સગ્ગ) યોગ્ય - જવું, આવવું, વિહાર વગેરેમાં પચીસ શ્વાસોચ્છ્વાસ વગેરે ચિંતવવા.
(૬) તપયોગ્ય - જે દોષ સેવ્યા પછી નીવિ વગેરે છ મહિના સુધીના તપનું પ્રાયશ્ચિત્ત અપાય તે.
(૭) છેદયોગ્ય – જે દોષ સેવ્યા પછી પાંચ દિવસ વગેરે પર્યાયનો છેદ કરાય તે.
(૮) મૂલયોગ્ય - જે દોષ સેવ્યા પછી ફરી વ્રતોનું આરોપણ કરાય તે.
(૯) અનવસ્થાપ્યયોગ્ય - જે દોષ સેવ્યા પછી અનાચીર્ણ (અયોગ્ય) હોવાથી વ્રતોમાં સ્થાપિત ન કરાય તે.
(૧૦) પારાંચિતયોગ્ય - જે દોષ સેવ્યા પછી તપ, લિંગ, ક્ષેત્ર અને કાળના પારને પામે તે. આ છ વ્રત વગેરે બધા મળીને આચાર્યના છત્રીસગુણો થાય છે.
આવા ગુણોથી યુક્ત એવા ગુરુના ચરણની સેવા એટલે સમ્યક્ પ્રકારે આરાધના કરવી તે, માત્ર સમીપે જ રહેવું એમ નહીં. કહ્યું છે કે ‘‘ગુરુની સમીપે વસતા છતાં પણ જેઓ ગુરુને અનુકૂળ થતા નથી, તેઓ તે ગુરુના સ્થાનથી અત્યંત દૂર રહે છે એટલે તેઓ કદી ગુરુનું પદ (સ્થાન) ધારણ કરી શકતા નથી, પામવાના જ નથી.” તે ગુરુની સેવામાં નિશ્ચયથી રક્ત હોય, કદાપિ ગુરુએ કઠોર વચનવડે તિરસ્કાર કર્યો હોય તો પણ ગુરુનો ત્યાગ કરવા ઇચ્છતો નથી, પરંતુ કેવળ ગુરુને વિષે બહુમાન જ કરે છે. તે આ પ્રમાણે ‘“અશુભ આચરણ રૂપી ઘામનો નાશ કરનાર ગરુના મુખરૂપી મલયાચલ પર્વતમાંથી નીકળેલો વચનના રસરૂપી ચંદનનો સ્પર્શ કોઈ ધન્યની ઉપર જ પડે છે.’” તથા ‘“જે ગુરુ મને હંમેશાં લજ્જા, દયા, સંયમ, બ્રહ્મચર્ય અને કલ્યાણભાગીનું વિશોધિસ્થાન (પ્રાયશ્ચિત્ત) એ સર્વનો ઉપદેશ આપ્યા કરે છે તે ગુરુને હું નિરંતર પૂજું છું. (દશવૈકાલિકસૂત્ર ૯/૧/૧૩)” તથા ગુરુની આજ્ઞાની આરાધનામાં એટલે ગુરુનો આદેશ સંપાદન કરવામાં તસ્લિપ્સ એટલે તે જ આદેશને પામવાની ઇચ્છાથી ગુરુના આદેશની રાહ જોતો તેમની પાસે જ રહે છે, આવા પ્રકારનો યતિ એટલે સુવિહિત સાધુ ચરણનો ભા૨ ધારણ કરવામાં એટલે ચારિત્રના ભારનો નિર્વાહ કરવામાં શક્ત એટલે સમર્થ હોય છે, અને અન્યથા એટલે તેનાથી વિપરીત આચરણવાળો સાધુ નિશ્ચે સમર્થ હોતો નથી. (૧૨૬)’