________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૧
ટીકાર્ય ઃ
सिद्धान्ते. વ્યવસ્તા વ ! તેથી=પૂર્વના શ્લોકોમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પૂજામાં હિંસાને કારણે મિશ્રપક્ષ નથી, પરંતુ ભગવાનની ભક્તિને કારણે ધર્મપક્ષ છે તેથી, સૂયગડાંગ નામના સિદ્ધાંતમાં બંધને અનૌપયિક=બંધને અનનુગુણ=કર્મબંધ સાથે સંકળાયેલો ન હોય એવો વિરતિઅવિરતિસ્થાનનો જે અન્વય=અનુગમ=અનુસરણ, તેની અપેક્ષાથી=વિરતિ-અવિરતિસ્થાનના સ્વરૂપમાત્રથી, નિશ્ચિત પરિભાષિત=નિશ્ચિત સંકેતિત=ચોક્કસ રીતે કહેવાયેલો તે પણ=પરિભાષિત એવો મિશ્રપક્ષ પણ, આગળમાં=સૂયગડાંગ સૂત્રના આગળના કથનમાં, ફળની અપેક્ષાએ ધર્મમાં અંતર્ભાવિત છે. તેથી=સૂયગડાંગ સૂત્રમાં ફળની અપેક્ષાએ મિશ્રપક્ષ ધર્મમાં અંતર્ભાવિત કરાયો છે તેથી, ગૃહસ્થની પૂજા અને પૌષધની તુલ્યતા, વિશેષ જોનારાઓને શું વ્યક્ત નથી ? પરંતુ વ્યક્ત જ છે. ભાવાર્થ:
--
૧૩૫૩
શ્લોક-૯૦માં ગ્રંથકારશ્રીએ વિશેષાવશ્યકભાષ્યની સાક્ષીથી સ્થાપન કર્યું કે જીવના પરિણામને વશ કર્મબંધ થાય છે, અને પરિણામ એક સમયમાં શુભ કે અશુભ હોય છે, પરંતુ શુભાશુભ મિશ્ર હોતો નથી. તેથી ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા અને ભગવાનની ભક્તિરૂપ પૂજાની પરિણિત એ બેને આશ્રયીને પૂજાની ક્રિયાને ધર્માધર્મરૂપ છે એમ કહી શકાય નહિ. તેથી સૂયગડાંગ સૂત્રમાં પણ જે સ્થાનમાં વ્યવહારનયથી ત્રણ પક્ષ સ્થાપન કર્યા છે, ત્યાં પણ ફળની અપેક્ષાએ ધર્માધર્મપક્ષને ધર્મપક્ષમાં અંતર્ભાવ કરીને ફળથી બે પક્ષની સ્થાપના કરી છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે સૂયગડાંગ સૂત્રમાં દેશવિરતિધર શ્રાવકને દેશથી વિરતિ છે અને દેશથી અવિરતિ છે, તેથી સ્વરૂપની અપેક્ષાએ ધર્મધર્મરૂપ મિશ્રપક્ષ કહેલ છે, પરંતુ તે મિશ્રપક્ષ કર્મબંધને અનુકૂળ અધ્યવસાયરૂપ નથી. ફક્ત દેશવિરતિધર શ્રાવકને દેશથી ધર્મ છે, અને દેશથી અધર્મ છે તેવો બોધ કરાવે છે; અને કર્મબંધને અનુકૂળ અધ્યવસાયની દૃષ્ટિએ વિચારીએ તો જીવનો ઉપયોગ એક કાળમાં કાં તો ધર્મનો હોય, કાં તો અધર્મનો હોય, પરંતુ ધર્મધર્મરૂપ મિશ્ર ઉપયોગ હોતો નથી. તેને સામે રાખીને સૂયગડાંગ સૂત્રમાં ધર્મધર્મરૂપ મિશ્રપક્ષનો પણ ધર્મમાં અંતર્ભાવ કરેલ છે. તેથી જો સૂયગડાંગનું અવલંબન લઈને પાર્શ્વચંદ્ર ભગવાનની પૂજાને ધર્માધર્મરૂપ મિશ્ર સ્વીકારે તો દેશવિરતિધર શ્રાવકની પૌષધની ક્રિયાને પણ પાર્શ્વચંદ્રે ધર્માધર્મરૂપ મિશ્ર સ્વીકારવી જોઈએ. પરંતુ પાર્શ્વચંદ્ર તો દેશવિરતિને સામે રાખીને ભગવાનની પૂજાને ધર્માધર્મરૂપ મિશ્ર કહેતો નથી, પરંતુ પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા છે, તેને સામે રાખીને પૂજાને ધર્માધર્મરૂપ મિશ્ર કહે છે. તેથી પોતાના મતની પુષ્ટિ માટે સૂયગડાંગ સૂત્રનો આધાર લઈને પાર્શ્વચંદ્ર પૂજાની ક્રિયાને ધર્માધર્મરૂપ કહેતો હોય તો પૂજા અને પૌષધમાં શું ભેદ છે ? અર્થાત્ બંને ફળની અપેક્ષાએ ધર્મરૂપ હોઈ કાંઈ ભેદ નથી, છતાં તેને તે જોતો નથી. માટે સિદ્ધાંતના તાત્પર્યનું તેને અપરિજ્ઞાન છે; કેમ કે ગુરુકુલવાસમાં રહીને શાસ્ત્રોનો તેણે અભ્યાસ કર્યો નથી. તેથી સ્વમતિ પ્રમાણે શાસ્ત્રના વચનને લઈને શાસ્ત્રના વચનોનો તે આવો અર્થ કરે છે.