________________
પદાર્થોની સંક્ષિપ્ત સંકલના વળી સાધુને સ્તુતિત્રયથી વધારે દેરાસરમાં બેસવાના નિષેધનું વચન, ભગવાનની સ્તુતિ કે ધ્યાનાદિ અર્થે નિષેધ કરતું નથી, પરંતુ દેરાસરમાં બેસીને સાધુને સ્વાધ્યાયાદિ અન્ય કૃત્યો કરવાનું નિષેધ કરે છે, એ વાત બતાવેલ છે.
૧૬
શ્લોક-૨૭માં ‘સાધુને દ્રવ્યસ્તવ અનુમોઘ તરીકે સ્વીકારવામાં આવે તો તે કર્તવ્યરૂપે પણ સ્વીકારવું જોઈએ,' એ પ્રકારની વ્યાપ્તિને સ્વીકારીને દ્રવ્યસ્તવ સાધુને અનુમોદ્ય નથી. તેમ પૂર્વપક્ષી કહે છે, તેનું નિરાકરણ કરીને દ્રવ્યસ્તવ અનુમોઘ હોવા છતાં સાધુને કેમ કર્તવ્ય નથી ? તેનું યુક્તિથી સ્થાપન કરેલ છે.
શ્લોક-૨૮માં ભાવસ્તવની પુષ્ટિ માટે સાધુ દ્રવ્યસ્તવનું અનુમોદન કરે છે, તેમ સ્વીકારીને સાધુને દ્રવ્યસ્તવની અનુમોદના નિષિદ્ધ નથી, તેમ ગ્રંથકારે સ્થાપન કર્યું, ત્યાં પૂર્વપક્ષી લુંપાક શંકા કરે છે કે, જો દ્રવ્યસ્તવની અનુમોદનાથી ભાવસ્તવની પુષ્ટિ થતી હોય તો દ્રવ્યસ્તવથી પણ ભાવસ્તવની પુષ્ટિ થવી જોઈએ, તેનું યુક્તિથી નિરાકરણ કરેલ છે.
વળી સાધુને દ્રવ્યાગ્નિકારિકાના વ્યુદાસથી ભાવાગ્નિકારિકા જ કેમ અનુજ્ઞાત છે, તે પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાની સાક્ષીથી સમર્થન કરેલ છે.
શ્લોક-૨૯માં સાધુ ભુજાથી સંસારસમુદ્ર તરવા સમર્થ હોવાથી કંટકથી યુક્ત કાષ્ઠ જેવી દ્રવ્યાર્ચનું અવલંબન લેતા નથી, અને શ્રાવક ભુજાથી સંસારસમુદ્ર તરવા અસમર્થ હોવાને કારણે કંટકથી યુક્ત કાષ્ઠ જેવી પણ દ્રવ્યાર્ચાનું અવલંબન લે છે, તેનું યુક્તિથી સમર્થન કરેલ છે.
આ રીતે પ્રતિમાશતક ગ્રંથરત્નમાં શ્લોક-૧ થી ૨૯માં આવતા પદાર્થોની સંક્ષિપ્ત રૂપરેખા બતાવેલ છે. બાકી તો, ગ્રંથકારશ્રી ઉપાધ્યાયજી મહારાજાએ પાને-પાને, શબ્દે-શબ્દે એવા અપૂર્વ પદાર્થોનું નિરૂપણ કરેલ છે કે, જેનું મૂલ્ય શબ્દોથી આંકી શકાય તેમ નથી. જેમ જેમ પદાર્થોની અનુપ્રેક્ષા કરીએ છીએ, તેમ તેમ અપૂર્વ અપૂર્વ પદાર્થોનું દર્શન થાય છે.
આ વિવરણ કરવામાં છદ્મસ્થતાને કારણે અનાભોગથી ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કાંઈ પણ લખાયું હોય તે બદલ મિચ્છા મિ દુક્કડં.
વિ. સં. ૨૦૫૮, જેઠ સુદ-૫,
શનિવાર, તા. ૧૫-૬-૨૦૦૨ ૩૦૨, વિમલવિહાર,
સરસ્વતી સોસાયટી,
પાલડી, અમદાવાદ-૭
પ્રવીણચંદ્ર ખીમજી મોતા