________________
પ્રસ્તાવના
આ. વિજય મુનિચન્દ્રસૂરિ જ્યોતિષકરંડક ગ્રન્થ ગણિત અને જ્યોતિષના વિષયને નિરૂપતો પ્રાચીનતમ ગ્રન્થ છે. પ્રાચીન વૈદિક ગણિતના “વેદાંગ જ્યોતિષ' જેવા ગ્રન્થમાં એના અવતરણ અપાયા છે. એ જોતાં જૈનસંઘ ઉપરાંત વૈદિક પરંપરામાં પણ એ જાણીતો છે.
સુપ્રસિદ્ધ ટીકાકાર આ. શ્રીમલયગિરિસૂરીશ્વરજીએ આ ગ્રન્થ ઉપર વિશદ ટીકા રચીને બહુ મોટો ઉપકાર કર્યો છે. આ સટીકગ્રંથનું સંપાદન શ્રીસાગરજી મ.એ કરેલું અને ઇ.સ. ૧૯૨૮માં ઋષભદેવકેશરીમલ સંસ્થા રતલામથી પ્રકાશિત થયેલ. આ સટીકગ્રંથની મુદ્રિત પ્રતિમાં જ વિવિધ પ્રતોના આધારે પૂ. આગમ પ્રભાકરશ્રી મુનિશ્રી પુણ્યવિજયજી મ.એ સંશોધન કરીને મુદ્રણ યોગ્ય બનાવેલી છે. લાલભાઈ દલપતભાઈ ભારતીય વિદ્યામંદિર અમદાવાદ સ્થિત આ પ્રત અમને પં. જિતેન્દ્રકુમાર બી. શાહના સૌજન્યથી મળી છે. આ પ્રતમાં અનેક પાઠો સુધારવામાં આવ્યા છે. તદુપરાંત અનુસ્વારના અનુનાસિક કરવા, પદચ્છેદ આદિ અનેક નાના મોટા સુધારાઓ કરવામાં આવ્યા છે. કયાંક ટિપ્પણો અને તુલનાઓ પણ કરી છે. આ સંસ્કરણમાં પાઠ સુધારા અને ટિપ્પણ વગેરેનો ભરપૂર લાભ લેવામાં આવ્યો છે. શ્રી પુણ્યવિજય મ. સંશોધિત આ પ્રતનો અમે પુ.પ્રે. સંકેત રાખ્યો છે. આ સટીકગ્રંથ ગુજરાતી અનુવાદ સાથે સહુ પ્રથમવાર પ્રગટ થાય છે. એ માટે અનુવાદક મુનિશ્રી પાર્શ્વરત્નસાગરજી ધન્યવાદને પાત્ર છે.
ગ્રન્થ અને ગ્રન્થકાર ટીકાકાર આ. શ્રી મલયગિરિસૂરિ મ.ને જ્યોતિષ્કરંડકની મૂળ જે પ્રતિ પ્રાપ્ત થઈ હતી તેનાથી વિશિષ્ટ પ્રતિઓ જેસલમેર અને ખંભાતના જ્ઞાનભંડારમાંથી હમણાં પ્રાપ્ત થઈ છે. આ પ્રતમાં પ્રાકૃત ભાષામાં ટિપ્પણ પણ છે. ટીકાકારશ્રીને ૩૭૬ ગાથાઓ પ્રાપ્ત થયેલી. જેસલમેરની પ્રતમાં ૪૦૬ અને ખંભાતની પ્રતોમાં ૪૦૫ ગાથાઓ છે.
આ વિશિષ્ટ પ્રતિના કારણે કેટલીક નવી બાબતો પ્રકાશમાં આવી છે. અત્યારસુધી એવું મનાતું કે શ્રી પાદલિપ્તસૂરિજીએ જયોતિષ્કરંડક ઉપર ટીકા રચી છે. આ. મલયગિરિસૂરિજીએ પણ સૂર્યપ્રજ્ઞપ્તિ ઉપરની પોતાની વૃત્તિ (પત્ર ૭૨ અને ૧૦૦)માં અને પ્રસ્તુત જ્યોતિષકરંડકની વૃત્તિ (ગાથા-૯૦)માં પણ પાદલિપ્તસૂરિજીએ ટીકા રચ્યાની વાત જણાવી છે. જીવાજીવાભિગમ સૂત્ર ૧૧૮ની ટીકામાં આ. મલયગિરિસૂરિજીએ આ. પાદલિપ્તસૂરિ મ.એ કહ્યું છે તે જણાવી જ્યોતિષકરંડકની ર૬પમી ગાથા ઉદ્ધત કરી છે
સંભવત : આ ટિપ્પણનો વૃત્તિકાર આ.મલયગિરિસૂરિજીએ ગા. ૨૦૩ અને ગા. ૩૩૧-૪ માં “મૂનટી' તરીકે ઉલ્લેક કર્યો છે.
૧.