________________
યોગની સાધનાનો માર્ગ સ્પષ્ટ રીતે વર્ણવ્યો છે. પાતંજલયોગદર્શનની માન્યતા મુજબના એ યોગમાર્ગમાં ઉપપત્તિ અને અનુપપત્તિને બાવીસમા શ્લોકથી જણાવી છે.
અન્યદર્શનકારોએ જે સિદ્ધિઓ વર્ણવી છે, એના સામાન્યથી બે વિભાગ થાય છે. જ્ઞાનવિશેષસ્વરૂપ સિદ્ધિઓની પ્રત્યે મુખ્યપણે જ્ઞાનાવરણીયકર્મક્ષયોપશમ કારણ છે અને વીર્ય(બળ) વિશેષસ્વરૂપ સિદ્ધિઓની પ્રત્યે વીર્યંતરાયનો ક્ષયોપશમવિશેષ કારણ છે. કર્મના ક્ષયોપશમાદિ વિના કોઇ પણ રીતે સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી. અન્યદર્શનકારોએ વાસ્તવિક રીતે એ વાત કરી નથી. જે સંયમના કારણે સિદ્ધિ પ્રાપ્ત થાય છે એ સંયમ પણ અસની નિવૃત્તિ અને સદ્ની પ્રવૃત્તિ સ્વરૂપ છે. માત્ર ધારણા, ધ્યાન કે સમાધિ સ્વરૂપ નથી. માત્ર ચિત્તના પ્રણિધાન માટે જેનું આલંબન છે, તે સંયમથી જ સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી... ઇત્યાદિ અહીં યાદ રાખવું જોઇએ.
સિદ્ધિઓના કારણભૂત કર્મક્ષયોપશમાદિ માટે નિકાચિત કર્મોનો ક્ષય કરવાનું આવશ્યક છે. છેલ્લા ભવે પણ અંતઃકોટાકોટિ સાગરોપમ પ્રમાણ કર્મની સ્થિતિ હોય છે. તેની નિર્જરા માટે પ્રાયશ્ચિત્ત હોય છે. પૂર્વભવમાં નિબદ્ધ કર્મોના પ્રાયશ્ચિત્તસ્વરૂપ પ્રવ્રજ્યા છે. એ કર્મોનો નાશ પ્રવ્રજ્યાસમયમાં પ્રાપ્ત થનારા ધર્મસંન્યાસયોગથી થાય છે - આ પ્રમાણે ત્રેવીસમા શ્લોકમાં સારભૂત વર્ણન કર્યું છે.
‘તપથી નિકાચિત કોટિનાં કર્મોનો ક્ષય થાય છે.' આ પ્રમાણે જે વચન છે, ત્યાં તપ અપૂર્વકરણ ગુણસ્થાનકને આશ્રયીને લીધો છે પરંતુ યત્કિંચિત્ તપથી તેવાં કર્મોનો ક્ષય થતો નથી... ઇત્યાદિ વાતનું વર્ણન ચોવીસમા શ્લોકમાં કર્યું છે. છેલ્લા આઠ શ્લોકોથી યોગના અચિંત્ય સામર્થ્યનું વર્ણન કર્યું છે, જે નિત્ય અનુસ્મરણીય છે. યોગની સ્પૃહા પણ સંસારના તાપને દૂર કરનારી છે - એ યાદ રાખી યોગની સ્પૃહાને પ્રાપ્ત કરવાની પણ સ્પૃહાને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા..
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
પુણે : ન્યૂ ટિંબર માર્કેટ
મહા વદ ૩, રવિવાર : તા. ૨૭-૦૨-૦૫
એક પરિશીલન
૬૭