________________
પરિશીલનની પૂર્વે
આ પૂર્વે ક્લેશહાનિના ઉપાયોનું વિવેચન કર્યું. આ બત્રીશીમાં ક્લેશહાનિના ઉપાયભૂત યોગનું માહાત્મ્ય વર્ણવાય છે. શાસ્ત્રોનું રહસ્ય, મોક્ષની કેડી, અપાયને શાંત કરનાર અને સર્વ કલ્યાણના કારણભૂત એવા યોગનું માહાત્મ્ય વર્ણવવાની શરૂઆત કરી બીજા શ્લોકમાં યોગના અભાવે શાસ્ર પણ સંસારનું કારણ બને છે - એ જણાવ્યું છે. ત્યાર બાદ યોગના અચિંત્ય સામર્થ્યથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટ થાય છે – એ જણાવીને પાતંજલયોગદર્શનને અભિમત એવી સિદ્ધિઓનું વર્ણન લગભગ એકવીસમા શ્લોક સુધીના શ્લોકોથી કર્યું છે.
પાતંજલયોગદર્શનના ત્રીજા વિભૂતિ પાદમાં વર્ણન કરાયેલા પદાર્થોનું સંક્ષેપથી પણ સ્પષ્ટ નિરૂપણ અહીં સત્તર શ્લોકોમાં કર્યું છે. સાંખ્યદર્શનની માન્યતા મુજબ દરેક સિદ્ધિઓનું કારણ સંયમ છે. ધારણા, ધ્યાન અને સમાધિસ્વરૂપ સંયમ છે. આ સંયમથી હેય, ઉપાદેય અને શેય પદાર્થોની પ્રજ્ઞાનો પ્રસાર થાય છે જેને લઇને યોગીને અનેકાનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
અતીત અને અનાગતનું જ્ઞાન, સર્વ પક્ષી પશુ આદિ પ્રાણીઓના શબ્દોનું જ્ઞાન, પૂર્વજન્મોનું જ્ઞાન, બીજાના મનનું જ્ઞાન, અદૃશ્ય થવું, મૃત્યુના સમયનું જ્ઞાન, હાથી વગેરેના બળ જેટલા બળની પ્રાપ્તિ, ભુવનનું જ્ઞાન, તારામંડળની રચનાનું જ્ઞાન, શરીરની રચનાનું જ્ઞાન, ક્ષુધા-તૃષાનો નાશ, મનની સ્થિરતા, સિદ્ધપુરુષોનું જ્ઞાન, તારકજ્ઞાનની પ્રાપ્તિ, સ્વપરચિત્તવિજ્ઞાન, પુરુષનું જ્ઞાન, પરકાયમાં પ્રવેશ, આકાશગમન, શ્રોત્રાદિની દિવ્યતા, જલાદિ ઉપર ચાલવું, અણિમાદિ અષ્ટ મહાસિદ્ધિની પ્રાપ્તિ અને સમગ્રતત્ત્વો પર વિજય... ઇત્યાદિ સિદ્ધિઓ જે જે સંયમથી પ્રાપ્ત થાય છે; તે તે સંયમોના નિરૂપણપૂર્વક તે તે સિદ્ધિઓનું વર્ણન કર્યું છે. ત્યાર બાદ જે કા૨ણે યોગીને યોગની સાધનામાં વિઘ્ન આવે છે; તે કારણને જણાવીને તેનાથી દૂર કેવી રીતે રહેવું જણાવ્યું છે. એ પ્રસંગે, યોગીને દેવતાઓ જે રીતે ભોગનું નિયંત્રણ કરે છે અને યોગી જે રીતે તેને આધીન બનતા નથી, એનું વર્ણન કર્યું છે.
આ રીતે અનુક્રમે સાધનાના પ્રકર્ષને પ્રાપ્ત કરતાં કરતાં યોગીને વિવેકજન્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; જેના સામર્થ્યથી જાતિ, લક્ષણ અને દેશથી સમાન જણાતા પદાર્થોમાં પણ યોગીને ભેદની પ્રતીતિ થાય છે. આ રીતે યોગી, વિવેકજ જ્ઞાન સ્વરૂપ તારકજ્ઞાનથી સર્વવિષયક જ્ઞાનવાન બને છે અને સઘળાય વિષયો ક્રમ વિના એકી સાથે જાણે છે, જેના પ્રભાવથી પુરુષ કૈવલ્યાવસ્થા પ્રાપ્ત કરે છે અને બુદ્ધિ સ્વકારણમાં વિલીન બને છે... ઇત્યાદિનું સ્પષ્ટ નિરૂપણ એકવીસમા શ્લોક સુધીના સત્તર શ્લોકોથી કર્યું છે. આમાંની કેટલીક સિદ્ધિઓ પ્રારંભિક દશામાં યોગીનો ઉત્સાહ વધારે છે. પરંતુ સમાધિસ્વરૂપ આઠમા યોગાલમાં તે વિઘ્નરૂપ બને છે - એ અંગે અહીં મુમુક્ષુઓનું ધ્યાન પણ યોગ્ય અવસરે દોર્યું છે. સાધક-બાધકની વિચારણાપૂર્વક
યોગમાહાત્મ્ય બત્રીશી
દદ