________________
વૃત્તિસંક્ષયયોગનો આવિર્ભાવ થાય છે, જે કેવલજ્ઞાનની પ્રાપ્તિ વખતે હોય છે અને મનનો સર્વથા નિરોધ થવાથી ચિત્તની સર્વવૃત્તિઓનો નિરોધ થવાથી શૈલેશી અવસ્થામાં હોય છે. મોક્ષના કારણભૂત આત્મવ્યાપારને આશ્રયીને યોગના ભેદોનું વર્ણન છવ્વીસ શ્લોકોથી કરાયું છે.
‘ચિત્તવૃત્તિઓના નિરોધને યોગ કહેવાય છે.’ આ પ્રમાણેની માન્યતાને અનુસરવાથી પણ પતંજલિના મતમાં અધ્યાત્માદિ પાંચ યોગભેદો સદ્ગત થઇ શકે છે - તે સત્તાવીસમા શ્લોકથી જણાવવાની શરૂઆત કરી છે. એ જણાવતી વખતે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સ્વરૂપ યોગ છે તે જણાવીને તેમાં અધ્યાત્માદિ પાંચ પ્રકારોનો સમાવેશ કઇ રીતે થાય છે - તે જણાવ્યું છે. આ બત્રીશીના અંતમાં અધ્યાત્માદિ ચારને યોગની પૂર્વસેવાસ્વરૂપ યોગના ઉપાય તરીકે વર્ણવ્યા છે. વ્યવહારનયને આશ્રયીને કારણમાં કાર્યનો ઉપચાર કરીને અધ્યાત્મ, ભાવના, ધ્યાન અને સમતાને યોગ કહેવાય છે. ઉપચાર વિના યોગનું નિરૂપણ કરાય તો ‘વૃત્તિસંક્ષય’ને જ યોગ તરીકે વર્ણવાય છે. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે પ્રથમગુણસ્થાનકે અને ચોથાગુણસ્થાનકે યોગની પૂર્વસેવા સ્વરૂપ યોગોપાય હોય છે. પાંચમા ગુણસ્થાનકથી આરંભીને યોગની પ્રવૃત્તિ શરૂ થાય છે.
અંતે શ્રી વીતરાગપરમાત્માના પરમતારક વચનને અનુસરી અધ્યાત્માદિ પાંચે ય યોગ શીઘ્રપણે ૫૨માનંદસ્વરૂપ મોક્ષને આપનારા છે – એ જણાવીને અન્ય શાસ્ત્રોમાં જણાવેલા તે તે યોગો પરમાનંદનું કારણ બનતા નથી - એ સૂચવ્યું છે. કારણ કે અન્યદાર્શનિકોનાં શાસ્ત્રો શ્રી વીતરાગપરમાત્માના વચનને અનુસરતાં નથી. શ્રી વીતરાગપરમાત્માના વચનમાં સ્થિર બની અધ્યાત્માદિ ભાવોની પ્રાપ્તિ દ્વારા આપણે સૌ પરમાનંદના ભાજન બની રહીએ એ જ એક અભ્યર્થના...
=
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
મહા સુદ-૬, શુક્રવાર
કલ્યાણ
૬૮
યોગભેદ બત્રીશી