________________
પરિશીલનની પૂર્વે અનંતોપકારી શ્રી વિતરાગપરમાત્માએ ઉપદેશેલા પરમતારક મોક્ષમાર્ગની સાધના જ ખરેખર તો યોગની સાધના છે. કારણ કે આત્માને મોક્ષની સાથે જોડી આપનારી એ સાધના છે. યોગના સ્વરૂપ અંગે અનેક મતો હોવા છતાં યોગની મોક્ષસાધકતામાં કોઈ જ વિવાદ નથી. દરેક દર્શનકારોએ મોક્ષની પ્રાપ્તિ માટે અનન્ય ઉપાય સ્વરૂપે યોગનું વર્ણન કર્યું છે.
આ યોગભેદ નામની દ્વત્રિશિકામાં મુખ્યપણે અધ્યાત્મ, ભાવના, ધ્યાન, સમતા અને વૃત્તિસંક્ષય : આ પાંચ યોગભેદોનું વર્ણન કર્યું છે. અધ્યાત્મનું સ્વરૂપ વર્ણવતાં પ્રસંગથી મૈત્રી વગેરે ભાવોનું વર્ણન કર્યું છે. યોગબિંદુગ્રંથને અનુલક્ષીને કરાયેલું એ વર્ણન ખૂબ જ સ્પષ્ટ રીતે મૈત્રી વગેરેના સ્વરૂપને સમજાવનારું છે. મૈત્ર્યાદિભાવોને આત્મસાત્ કર્યા વિના “અધ્યાત્મની પ્રાપ્તિ શક્ય નથી. “અધ્યાત્મ' શબ્દ ગમી જાય એવો છે. પરંતુ તેના અર્થની પ્રાપ્તિ માટે પ્રબળ પુરુષાર્થ અપેક્ષિત છે. મૈત્યાદિભાવોનું વર્ણન વાંચવાથી સમજાશે કે અધ્યાત્મની પ્રાપ્તિ માટે આત્મામાં અનેક પ્રકારની યોગ્યતાનો પ્રાદુર્ભાવ થવો જોઈએ. સુખી જનોની ઈર્ષ્યા; દુઃખી જનોની ઉપેક્ષા, બીજાના સુકૃત પ્રત્યેનો દ્વેષ અને અધર્મી જનોની પ્રત્યે રાગ-દ્વેષ : આ અધ્યાત્મપ્રાપ્તિના અવરોધક છે. એના પરિહારથી જ અધ્યાત્મની પ્રાપ્તિ થાય છે.
અધ્યાત્મની પ્રાપ્તિ પછી જ આત્માને ભાવનાની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વૈરાગ્યના ભેદથી ભાવના પાંચ પ્રકારની છે, જે અત્યંત દઢ એવા સંસ્કારનું કારણ છે. પ્રવૃત્તિના સાતત્ય માટે સંસ્કારની દઢતા આવશ્યક છે અને અંતિમ ફળની પ્રાપ્તિ માટે પ્રવૃત્તિનું સાતત્ય અપેક્ષિત છે. ભાવનાથી ભાવિત યોગીને ધ્યાન પ્રાપ્ત થાય છે.
સ્થિર, શુભ એક વિષયવાળું ધ્યાન, સૂક્ષ્મજ્ઞાનથી સહિત હોય છે. તેની પ્રાપ્તિ માટે ખેદ, ઉદ્વેગ, ભ્રમ, ઉત્થાન, લેપ, આસંગ, અન્યમુદ્ર અને રોગ : આ આઠ ચિત્તના દોષોનો ત્યાગ પ્રયત્નપૂર્વક કરવાનું જણાવ્યું છે. ખેદાદિ દોષોનું સ્વરૂપ અને તેનું ફળ અહીં વર્ણવ્યું છે. આઠ ચિત્તના દોષોથી રહિત એવું ધ્યાન હોય તો તે કુશલાનુબંધી બને છે અને એ ધ્યાનથી યોગીને સર્વ કાર્યો સ્વાધીન બને છે. ચિત્તના શુભ પરિણામો નિશ્ચલ બને છે અને અશુભ કર્મોના અનુબંધ નાશ પામે છે.
એ રીતે ધ્યાનયોગનું વર્ણન કરીને બાવીશમા શ્લોકથી સમતાયોગનું વર્ણન કર્યું છે. અનાદિકાલીન અદ્વિઘા(અજ્ઞાન)ને લઇને જે સંકલ્પ અને વિકલ્પો થતા હતા, તે હવે તત્ત્વબુદ્ધિ થવાથી થતા નથી. વિષયોને અત્યાર સુધી જે ઈષ્ટ કે અનિષ્ટસ્વરૂપે ગ્રહણ કરવાનું બનતું હતું તે હવે થતું નથી. વસ્તુને વસ્તુતત્ત્વસ્વરૂપે ગ્રહણ કરવામાં આવે છે. આવી તત્ત્વબુદ્ધિને સમતા કહેવાય છે. નિસ્તરંગ સમુદ્ર જેવી શાંત, પ્રશાંત ચિત્તની વૃત્તિઓ સર્વથા વિકલ્પશૂન્ય હોય છે ત્યારે
એક પરિશીલન
૬૭