________________
જ રીતે શ્રી વીતરાગ પરમાત્માની આજ્ઞા મુજબ વિધિપૂર્વક જયણાથી સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગ કરતી વખતે જે કોઈ જીવવિરાધનાદિ સ્વરૂપ દોષ થાય છે તે; તે અનુષ્ઠાનથી થતી કર્મનિર્જરાના કારણે દૂર થાય છે. આ રીતે ઉપર જણાવ્યા મુજબ યતનાવંતને શુભયોગમાં જે કોઈ દોષ ઉત્પન્ન થાય છે તે અનિષ્ટ થતો નથી. અહિંસાદિ ધર્મ જેમ કર્મનિર્જરાનું કારણ છે; તેમ અપવાદ-પદપ્રત્યયિક વિરાધના (સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગમાં ઉપર જણાવ્યા મુજબ થતી વિરાધના) પણ કર્મનિર્જરાનું કારણ છે.
આ વિષયમાં કેટલાક લોકો એમ કહે છે કે – જ્યાં વર્જનનો અભિપ્રાય (જીવવિરાધના ન થાય - એવી ઈચ્છા) છે ત્યાં જે નિર્જરા થાય છે તેની પ્રત્યે; જીવઘાતના પરિણામ વિના થયેલી જીવવિરાધના પ્રતિબંધકના અભાવ રૂપે કારણ છે. સામાન્ય રીતે કોઈ પણ કાર્યની પ્રત્યે કારણસામગ્રી કારણ છે. એ સામગ્રી હોવા છતાં કોઈ પ્રતિબંધક હોય તો કાર્ય થતું નથી. તેથી કારણસામગ્રીની સાથે પ્રતિબંધકનો અભાવ પણ કાર્યમાત્રની પ્રત્યે કારણ હોય છે. અગ્નિથી દાહની ઉત્પત્તિ થાય છે. પરંતુ ચંદ્રકાંત મણિ, મંત્ર કે ઔષધિવિશેષની વિદ્યમાનતામાં દાહ થતો ન હોવાથી દાહની પ્રત્યે મણિમંત્રાદિ પ્રતિબંધક મનાય છે અને તેનો અભાવ (પ્રતિબંધકાભાવ) દાહની પ્રત્યે કારણ મનાય છે. તેમ નિર્જરાની પ્રત્યે જીવવિરાધના પ્રતિબંધક હોવા છતાં ઉપર જણાવ્યા મુજબ સાધર્મિકવાત્સલ્યાદિ શુભયોગમાં જીવવિરાધનાથી પણ નિર્જરા થતી હોવાથી વર્જનાભિપ્રાયથી થનારી એ વિશિષ્ટ નિર્જરાની પ્રત્યે; જીવઘાતપરિણામથી અજન્ય (નહિ થયેલી) જીવવિરાધના સ્વરૂપ પ્રતિબંધકાભાવ કારણ છે. અને જીવઘાતપરિણામથી જન્ય જીવવિરાધના તાદશ (તેવા પ્રકારની) નિર્જરાની પ્રત્યે પ્રતિબંધક છે. - આ પ્રમાણે કેટલાક લોકોનું જે કથન છે તે અપૂર્વ વ્યાખ્યાન સ્વરૂપ છે અને આગમની તર્ક (વિચારણા) - કુશળતા પણ તેમની અપૂર્વ છે ! કારણ કે કેવળ વિરાધનાને તેઓ પ્રતિબંધક માનતા નથી, જીવઘાતના પરિણામથી જન્ય એવી વિરાધનાને તેઓ પ્રતિબંધક માને છે. એ વિશિષ્ટ વિરાધનાના અભાવને; પ્રતિબંધકના અભાવ સ્વરૂપે તેઓ નિર્જરાની પ્રત્યે કારણ માને છે.
જીવઘાતપરિણામજન્ય જીવવિરાધના સ્વરૂપ પ્રતિબંધકનો અભાવ ત્રણ પ્રકારનો છે. વિશિષ્ટ એટલે વિશેષણવિશિષ્ટ વિશેષ્ય. જીવઘાતપરિણામજન્ય જીવવિરાધનાને પ્રતિબંધક માનીએ તો ત્યાં “જીવઘાતપરિણામજન્યત્વ' એ જીવવિરાધનાનું વિશેષણ છે અને જીવવિરાધના તેનું વિશેષ્ય છે. કોઈ વાર વિશેષણ ન હોવાથી; કોઈ વાર વિશેષ્ય ન હોવાથી અને કોઈ વાર બંને ન હોવાથી વિશિષ્ટનો અભાવ પ્રાપ્ત થાય છે, જેને અનુક્રમે વિશેષણાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ; વિશેષાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ અને ઉભયાભાવપ્રયુક્ત વિશિષ્ટાભાવ કહેવાય છે. ઘટવિશિષ્ટ પટનો અભાવ; ઘટના અભાવના કારણે, પટના અભાવના કારણે અને
૩૮
દાન બત્રીશી