________________
મેં ભાવાનુવાદકારનું અંતઃસ્કુરણ છે
વિ.સં. ૨૦૧૬માં મારું શારીરિક સ્વાસ્થ વધારે કથળતાં સારવાર માટે મારા પૂજ્ય ઉપકારી ગુરુદેવોએ મને પિંડવાડાથી નિસ્પૃહતાના સાગર પપૂ. પંન્યાસપ્રવર શ્રી કાંતિવિજયજી ગણિવરની સાથે ઊંઝા ચાતુર્માસ માટે મોકલ્યો. એ ચાતુર્માસમાં પ.પૂ. પંન્યાસજી મહારાજે મને ઉપદેશપદ ગ્રંથ વંચાવ્યો. હું પહેલાં જાતે એ ગ્રંથ વાંચતો, પછી પૂ. પંન્યાસજી મ.ની પાસે વાંચતો, પછી વંચાયેલી ગાથાઓનો ભાવાનુવાદ લખતો. (નૂતન અભ્યાસીઓ માટે વાંચનની આ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય.) આ રીતે મેં કથા સિવાયની બધી ગાથાઓનો અનુવાદ તૈયાર કર્યો. આ વખતે મને ભવિષ્યમાં સટીક ઉપદેશપદનો ભાવાનુવાદ કરવાની ભાવના થઈ હતી. એ ભાવના વર્ષો પછી આજે પૂર્ણ થયેલી જોઈને હર્ષ અનુભવું છું. આ પ્રસંગે દિલ દઈને ઉપદેશપદ ગ્રંથ વંચાવનારા મહાતપસ્વી પ.પૂ. પંન્યાસજી મહારાજ શ્રી કાંતિવિજયજી ગણિવરને ભાવભરી વંદના કરું છું.
| ઉપદેશપદ ગ્રંથમાં મુખ્યતયા જિનાજ્ઞાનું વિવિધ રીતે વર્ણન હોવા છતાં બીજા અનેક ગંભીર પદાર્થો ગુંથી લેવામાં આવ્યા છે. ઉપદેશપદમાં આવેલા પદાર્થોના બોધ વિના જૈનશાસનમાં કુશળ બની શકાય નહિ. જૈનશાસનમાં કુશળતા સમ્યગ્દર્શનનું ભૂષણ છે. આથી જૈનશાસનમાં કુશળતા મેળવવાને ઈચ્છતા દરેક સાધુ આદિએ આ ગ્રંથનું ખૂબ ચિંતન-મનન કરવું જોઈએ. તેમાં પણ વ્યાખ્યાનકારોએ તો આ ગ્રંથને ખાસ વાંચવોવિચારવો જોઈએ, જેથી વ્યાખ્યાનમાં શાસ્ત્ર મુજબ પ્રરૂપણા કરી શકાય. આમાં આવતા પદાર્થોને બરોબર સમજીને ટૂંકમાં તેની નોંધ કરવી જોઈએ. પછી ઘણા કાળ સુધી તેનો પાઠ કરવાપૂર્વક ચિંતન-મનન કરવું જોઈએ. મહેંદીને જેમ જેમ લસોટવામાં આવે તેમ તેમ તેના રંગની વૃદ્ધિ થાય છે. તે જ રીતે આવા પદાર્થોના ચિંતન-મનનથી બોધમાં વૃદ્ધિ થાય છે. આ ગ્રન્થની કેટલીક ગાથાઓ ચૂંટીને કંઠસ્થ કરવા જેવી છે.
આમાં આવેલા પદાર્થોનો પાઠ કરવાપૂર્વક ચિંતન-મનન કરવાની જેમને ભાવના થાય તેમને સરળતા રહે એ માટે મેં આ પુસ્તકના પ્રારંભમાં સંક્ષિપ્ત સાર લખ્યો છે. તેમાં મુખ્ય મુખ્ય વિષયોના પદાર્થોનો સંગ્રહ કર્યો છે. ગાથા નંબરો પણ આપ્યા છે. તેથી જેમને કોઈ સ્થળે મૂળગ્રંથ-સંસ્કૃત ટીકા જોવાની જરૂર લાગે તો જોઈ શકે. આ સંક્ષિપ્ત સાર જોવાથી પણ ખ્યાલ આવશે કે આ ગ્રંથમાં કેટલા બધા ગંભીર પદાર્થો રહેલા છે.
ઉપદેશપદ ગ્રંથના પદાર્થો ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ઉપદેશ રહસ્ય નામના ગ્રંથમાં પોતાની આગવી શૈલીથી ગુંથ્યા છે. આથી જૈનશાસનમાં