________________
૪
કુશળ બનવા ઉપદેશ રહસ્યગ્રંથ પણ વાંચવો જરૂરી છે. પણ ઉપદેશપદ ગ્રંથ વાંચ્યા પછી એ ગ્રંથ વાંચવામાં આવે તો એ ગ્રંથને સમજવામાં સરળતા રહે. નવ્યન્યાયની શૈલીથી લખાયેલો હોવાથી એ ગ્રંથ સમજવો કઠીન છે. આમ છતાં વિદ્વર્ય મુનિ (હાલ આચાર્ય) શ્રી જયસુંદરવિજયજીએ ભાવાર્થપૂર્ણ અનુવાદ કર્યો હોવાથી એના આધારે આ ગ્રંથ સમજવો સરળ બન્યો છે.
પુસ્તકનું કદ ન વધે એ હેતુથી આ પુસ્તકમાં કથાઓ સિવાય બધી ગાથાઓની સંસ્કૃત ટીકાનું મુદ્રણ કરવામાં આવ્યું છે.
ઉપદેશપદમાં વિસ્તૃત કથાઓ ઘણી છે. આ કથાઓનો અનુવાદ કરવામાં મારો સમય ઘણો જાય. આથી મેં એ કાર્ય મુનિશ્રી સુમતિશેખરવિજયજીને સોંપ્યું. તેમણે એ કાર્ય દિલ દઈને પાર પાડ્યું છે. આ રીતે બન્નેની મહેનતથી આ ભાવાનુવાદ તૈયાર થયો છે. આ પ્રસંગે મારા ત્રણે પૂજ્ય ગુરુદેવોને નતમસ્તકે ભાવવાહી વંદના કરું છું. મુનિશ્રી ધર્મશેખરવિજયજીએ આ ગ્રંથનું સંપાદન કાર્ય કરીને મારી ઘણી જવાબદારી ઓછી કરી છે. મુનિશ્રી દિવ્યશેખર વિજયજીએ પ્રૂફ સંશોધન આદિ દ્વારા આમાં ઘણો સહયોગ આપ્યો છે. મુનિશ્રી હિતશેખર વિજયજીએ અનુવાદની પ્રેસકોપી તૈયાર કરી છે.
ગંભીર રહસ્યોથી પૂર્ણ આવા ગ્રંથોનો અનુવાદ કરવાનું મારા જેવા માટે કઠીન ગણાય. શબ્દાર્થ લખી નાખવો એ અલગ વાત છે અને રહસ્યોને પકડીને ભાષામાં ઉતારવા એ અલગ વાત છે. રહસ્યોને પકડવા અને ભાષામાં ઉતારવા એ કપરું કામ છે. આમાં મેં મારી શક્તિ મુજબ રહસ્યોને પકડીને ભાષામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. હું આમાં કેટલો સફળ બન્યો છું એનો નિર્ણય કરવાનું કામ વિદ્વાનોનું છે. આમાં વિદ્વાનોને ક્ષતિઓ જરૂર દેખાશે. આમ છતાં મને શ્રદ્ધા છે કે અનુગ્રહપૂર્ણ વિદ્વાનો આમાં રહેલી ક્ષતિઓનું પ્રમાર્જન કરવાપૂર્વક આ ભાવાનુવાદને આવકારશે.
આ ગ્રંથમાં અનુવાદમાં મૂળગ્રંથકાર-ટીકાકાર મહાપુરુષોના આશયથી વિરુદ્ધ કંઈ પણ લખાયું હોય તે બદલ ત્રિવિધ-ત્રિવિધે ક્ષમા યાચું છું.
વિ.સં. ૨૦૬૨, ફા.વ. ૧૩,
૨. છ. આરાધના ભવન, નવસારી.
આચાર્ય રાજશેખરસૂરિ