________________
પરિશુદ્ધ જિનાજ્ઞાનો પ્રભાવ પાથરતા ઉપદેશપદોયુક્ત
“ઉપદેશપદ ગ્રંથનું સુકૃત પ્રાતઃસ્મરણીય યાકિની મહત્તાધર્મસુનુ ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા સુગૃહિત નામધેય પૂજ્યપાદ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ રચેલા અને પ્રકાંડ વિદ્વદ્વરેણ્ય સહસાવધાની પૂજ્યપાદ મુનિચંદ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત ટીકાસહિતનો “ઉપદેશપદ' ગ્રંથ ભાવાનુવાદકારકુલશૃંગાર જિનાજ્ઞામર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયરાજશેખરસૂરીશ્વરજી મહારાજા દ્વારા ભાવાનુવાદ પામેલા આ ગ્રંથનું નિજજ્ઞાનનિધિ દ્વારા પ્રકાશન કરીને રાજકોટ (સૌ.) સ્થિત શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ સંઘ ટ્રસ્ટ-રાજકોટ વર્ધમાનનગર સંઘે વિક્રમના આઠ-આઠ દાયકા સુધી નિર્ભેળ જિન સિદ્ધાંતની નિર્ભિકપણે પ્રરૂપણા કરી જનારા અને અમારો શ્રી સંઘ પણ જેઓશ્રીના સિદ્ધાંતોને વરેલો છે એવા વ્યાખ્યાનવાચસ્પતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના ભાવોપકાર તથા પૂજ્યપાદશ્રીના આજીવન અંતેવાસી બની “સૂરિરામ” સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિપદે અધિષ્ઠિત પૂ.આ.શ્રી હેમભૂષણ સૂ. મ. ના શુભ આશિષથી તથા વર્ધમાનતપોનિધિ પૂ. મુ. શ્રી નયભદ્ર વિ. મ. ની પ્રેરણાથી મહાન સુકૃત કર્યું છે.
પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા માર્ગસ્થપ્રજ્ઞાસંપન્ન મહાપુરુષોના રચાયેલા ગ્રંથોમાં અવગાહન કરવું અલ્પમતિ સાધુ-સાધ્વીજી ભગવંતો માટે કપરૂં છે, આજ સુધીમાં મોટા ૧૭ ગ્રંથોના વિશિષ્ટ ભાવાનુવાદ કરનારા પૂજ્યશ્રી ચતુર્વિધ શ્રી સંઘ ઉપર અનહદ ઉપકાર કરી રહ્યા છે. સહેજ પણ રસખંડિત ન થાય તે રીતે અન્વય ગોઠવીને અને ક્યાંક ગ્રંથકાર પરમર્થીના અંતઃસ્થલમાં રમતા ભાવને પ્રગટ કરીને પદાર્થની ગરિમા વધારવી એ પૂજ્યશ્રીની વિશિષ્ટતા છે.
આ સંપૂર્ણ ગ્રંથ કદાચ કોઈ પુણ્યાત્મા અધ્યયન ન કરી શકે તો તેના માટે પણ ગ્રંથ વાંચવા આકર્ષણ ઉભું કરે તે રીતના મહત્ત્વના પદાર્થોને “સંક્ષિપ્ત સાર રૂપે સંગ્રહિત કરીને કરેલો ઉપકાર એ પરોપકારિતાના પ્રકર્ષને સૂચવનારો છે.
પ્રસ્તુત ગ્રંથમાં પરિશુદ્ધ જિનાજ્ઞાનું મહત્ત્વ બતાવતાં ગાથા ૩૨૭ માં જણાવ્યું છે કે પરિશુદ્ધ આજ્ઞા અને અશુભ કર્મ એ બન્નેનો પાણી અને અગ્નિની જેમ વિરોધ છે. આથી પરિશુદ્ધ આજ્ઞા જ્યાં હોય ત્યાં અશુભ કર્મો ન રહે. આથી પરિશુદ્ધ આજ્ઞાથી અશુભ કર્મોનો ક્ષય થાય છે અને પરિણામે ભાવ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.
ચતુર્વિધ શ્રી સંઘ પરિશુદ્ધ આજ્ઞાના બહુમાનવાળો થશે તો ગ્રંથકારશ્રી, ટીકાકાર મહર્ષિ તથા ભાવાનુવાદકારશ્રીનો ભાવોપકાર ખરેખર સાર્થક થશે. - પૂજ્યશ્રીના સાહિત્યને ચતુર્વિધ શ્રી સંઘના કરકમલોમાં સ્થાપિત કરવાનું સદ્ભાગ્ય શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટને પ્રાપ્ત થાય છે. પૂજ્યશ્રીની નવી નવી કૃતિઓ અનેક ભવ્યાત્માઓના આર્થિક સહકારથી, અનેક શ્રી સંઘોની જ્ઞાનનિધિ દ્વારા પ્રકાશિત કરીને જિનશાસનનો શ્રુતવારસો વિસ્તૃત રહે એવા પ્રયત્નમાં અમે રત રહીએ એવી અભ્યર્થના.
લિ. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ